કેન્દ્રિય કેબિનેટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી. ચાર વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો નેટવર્કની લંબાઈ 71 કિમીને વટાવી જશે.
નવી દિલ્હીઃ નવી પીએમ કાર્યાલય સેવા તીર્થમાં થયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન મોદીએ ગુજરાતને મોટી ભેટ આપી હતી. આ અંગેની જાણકારી આપતાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્વણે જણાવ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે 12,236 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી હતી. જેમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તાર કરવાનો પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદમાં મેટ્રો નેટવર્ક વિસ્તારવામાં આવશે. આ ફેઝ 2B નેટવર્ક હવે ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગરના શાહપુર સુધીનું હશે. જેના અંદાજિત વિસ્તાર 3.3 કિમી અને અંદાજિત ખર્ચ - 1071 કરોડ થશે. ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું, કેબિનેટે 2047 સુધીમાં ભારતને એક સમૃદ્ધ અને મજબૂત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે.. આજે લેવામાં આવેલા મહત્વના નિર્ણયોમાં પ્રથમ કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાની મંજૂરી છે. બીજું, ગોંદિયા-જબલપુર રેલવે લાઇનનું ડબલિંગ. ત્રીજું, બિહારમાં પુનરાખ અને ક્યુલ વચ્ચે ત્રીજી અને ચોથી લાઇનનો ઉમેરો. ચોથું, ઝારખંડમાં ગમહરિયા અને ચાંડિલ વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન. પાંચમું, શ્રીનગરમાં નવું સંકલિત એરપોર્ટ ટર્મિનલ. છઠ્ઠું, અમદાવાદ મેટ્રોનું વિસ્તરણ. વીજ ક્ષેત્રમાં પણ એક મોટો નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો છે.
➤ #Cabinet approves extension of existing North-South corridor from GIFT City to Shahpur of Gujarat Metro Rail Corporation Limited (GMRC). This extension will be beneficial to the daily commuters travelling between Ahmedabad and GIFT region for catering the travel need related… pic.twitter.com/j6HMSz7UG9
— PIB India (@PIB_India) February 24, 2026
મળતી વિગત પ્રમાણે, આ પ્રોજેક્ટમાં અમદાવાદ મેટ્રોના ઉત્તર-દક્ષિણ કોરિડોરના વિસ્તરણનો સમાવેશ થાય છે અને તેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે. 3.3 કિમી લાંબી નવી મેટ્રો લાઇન પર ત્રણ નવા એલિવેટેડ સ્ટેશનો હશે. પ્રોજેક્ટનો સમયગાળો ચાર વર્ષનો છે. આ લાઇન પૂર્ણ થતાં અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો નેટવર્કની લંબાઈ 71 કિમીને વટાવી જશે.
આ રૂટ પરના ત્રણ નવા સ્ટેશનો ગિફ્ટ સિટી હાઉસ, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને શાહપુર હશે, જે IIT ગાંધીનગર જવાના માર્ગની નજીક હશે.
નોંધનીય છે કે હાલમાં ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન તેના મુખ્ય કોર એક્ટિવ વિસ્તારથી દૂર આવેલું છે, જ્યાં વિવિધ ઓફિસ બિલ્ડિંગો, ગિફ્ટ સિટી ક્લબ, ગિફ્ટ સિટી હાઉસ, બેંકો, SEZ વિસ્તાર અને નાણાકીય સંસ્થાઓ આવેલી છે. નવો રૂટ મેટ્રો ટ્રેનને સીધી આ મુખ્ય વિસ્તારમાં લાવશે અને આગળ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને શાહપુર જેવા સ્થળોને પણ સેવા આપશે.
વિસ્તરણના મુખ્ય ફાયદાઓ
આ પ્રોજેક્ટ GNLU અને જૂની હાઈ કોર્ટ સ્ટેશનો પર ઇન્ટરચેન્જ સાથે ગિફ્ટ સિટીને સીધું અને અવરોધ રહિત મેટ્રો જોડાણ પૂરું પાડશે. તેમજ સાબરમતી ખાતે આગામી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ સાથેની કનેક્ટિવિટીમાં વધારો કરશે. અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેના ટ્રાન્ઝિટ જોડાણને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રૂટ પર આવેલી અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રોને આનો સીધો લાભ મળવાની અપેક્ષા છે.
કેટલા લોકોને મળશે રોજગારી
આ વિસ્તરણ ધંધા, રોજગાર અને શિક્ષણ સંબંધિત મુસાફરી કરતાં દૈનિક મુસાફરો માટે ફાયદાકારક રહેશે, જેનાથી નેટવર્ક એકીકરણ અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટથી બાંધકામમાં અંદાજે 1,000 નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. બાંધકામ પછીના તબક્કામાં કામગીરી અને જાળવણી માટે અંદાજે 250 લોકોને રોજગારી આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે 50:50 નું સંયુક્ત સાહસ છે. હાલમાં, ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II) થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે. આ લાઇન પર દૈનિક મુસાફરોની સંખ્યા અંદાજે 1,60,000 છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. જેને લઈ સરકાર અત્યારથી જ ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુ ભાર આપી રહી છે.