નવી દિલ્હી : પંજાબમાં વર્ષ 2013માં અકસ્માતનો ભોગ બનેલા અને 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાની દિલ્હી એઈમ્સમાં ઈચ્છામૃત્યુની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. 32 વર્ષના હરીશ રાણાને લઈને તેમનો પરિવાર ગઈકાલે એઈમ્સ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે પ્રથમ વાર પેસિવ યુથેનેશિયા( નિષ્ક્રીય ઈચ્છામૃત્યુ)ને મંજુરી આપી છે. હરીશ રાણા પંજાબમાં વર્ષ 2013માં અકસ્માતનો ભોગ બન્યો હતો. તેના માથે ગંભીર ઈજા થઈ હતી. તેની બાદ સંપૂર્ણ શરીર લકવાગ્રસ્ત થયું હતું. ત્યારથી જ હરીશ કોમામાં છે.
ધીરે ધીરે ફિડીંગ સપોર્ટ દુર કરવામાં આવશે
આ અંગે મળતી માહિતી મુજબ હરીશને પેલેએટીવ કેયરમાં પેઈન મેનેજમેન્ટ કરવામાં આવશે. આ દરમિયાન કોઈ લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ આપવામાં નહી આવે. તેની બાદ ધીરે ધીરે ફિડીંગ સપોર્ટ દુર કરવામાં આવશે જેના લીધે કુદરતી મૃત્યુ થઈ શકે. આ માટે એઈમ્સે એક નિષ્ણાત સમિતિ બનાવી છે. જે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે. એઈમ્સની રોટરી કેન્સર હોસ્પિટલના પેલિએટિવ કેર યુનિટમાં દાખલ હરીશ રાણાની લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે જોડાયેલી બે મોટી ટ્યુબ દૂર કરવામાં આવી છે.
પિતાએ ભાવુક થઈને કહ્યું કે પુત્ર માટે મોત માંગવું સહેલું નથી
ઉલ્લેખનીય છે કે, લાંબા સંઘર્ષ બાદ હરીશના પિતા અશોક રાણાએ કોર્ટમાં પુત્રની ઈચ્છામૃત્યુની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ તેમણે કહ્યું હતું કે પુત્ર હર ક્ષણ તડપતો જોવો મુશ્કેલ બની ગયું હતું. આ વેદનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે ભાવુક થઈને કહ્યું કે પુત્ર માટે મોત માંગવું સહેલું નથી. જયારે તેમની માતાએ પણ ભાવુક થઈને કહ્યું હતું કે તેમના 13 વર્ષ પુત્રની સારસંભાળમાં જ પસાર થયા છે.