ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવને કારણે સોશિયલ મીડિયા પર 'એનર્જી લોકડાઉન' (Energy Lockdown) શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. તમને પણ એવું થઈ રહ્યું હશે કે ઘણા લોકો તેને કોવિડ જેવા લોકડાઉન સાથે જોડીને જોઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ કોઈ સરકારી આદેશ નથી પણ તેલની અછતને કારણે ઊભી થતી સ્થિતિ છે. દુનિયાએ 1970 દાયકામાં આ સમસ્યાનો ભયાનક અનુભવ કર્યો છે. ચાલો તમને આ એનર્જી લોકડાઉન શું છે અને શું ફરી આપણે એનર્જી લોકડાઉનનો સામનો કરવો પડશે કે કેમ એ વિશે જણાવીએ...
શું છે આ 'એનર્જી લોકડાઉન'?
સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે 'એનર્જી લોકડાઉન' એ કોઈ સત્તાવાર સરકારી શબ્દ નથી. તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા લોકપ્રિય કરાયેલો શબ્દ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાને પગલે લોકોમાં ગભરાટ ફેલાવવા માટે આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે.
વાત કરીએ 1970ના એનર્જી લોકડાઉનની તો તત્કાલિન લોકોએ સાચો એનર્જી લોકડાઉન જોયો હતો કે જેણે વિકસિત દેશોની રફ્તાર થંભાવી દીધી હતી. અમેરિકા અને યુરોપના દેશોમાં સ્થિતિ એટલી બગડી હતી કે પેટ્રોલનું રેશનિંગ કરવું પડ્યું હતું. લોકો ઈચ્છે તેટલું ઈંધણ ખરીદી શકતા નહોતા. ગાડીઓના નંબર પ્લેટ (ઓડ-ઈવન) મુજબ તેલ મળતું અને પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી લાઈનો લાગતી હતી.
આ સિવાય એ સમયે 1970માં ફ્યુઅલ બચાવવા માટે ઘણા યુરોપિયન દેશોમાં રવિવારે ખાનગી ગાડીઓ ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રવિવારે રસ્તાઓ સૂમસામ રહેતા અને લોકો સાયકલ કે પગપાળા ચાલવા મજબૂર બન્યા હતા. સરકારે ગાડીઓની સ્પીડ લિમિટ ઘટાડી દીધી હતી જેથી ઈંધણની ઓછી વપરાશ થાય. તેલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ મોંઘું થયું અને દુનિયાભરમાં ભયાનક મોંઘવારી વધી ગઈ હતી.
શું ફરીથી 1970 જેવી સ્થિતિ આવશે?
નિષ્ણાતોના મતે, આજે સ્થિતિ 1970 જેટલી વિકરાળ નથી અને એના માટે વિવિધ કારણો જવાબદાર છે. જેમાંથી સૌથી પહેલું અને મુખ્ય કારણ એટલે આજે દુનિયા પાસે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પણ સૌર ઉર્જા, પવન ઉર્જા અને પરમાણુ ઉર્જા જેવા ઓપ્શન છે. આ સિવાય મોટાભાગના દેશોએ કટોકટી માટે તેલના વિશાળ ભંડારો સુરક્ષિત રાખ્યા છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ વર્ક ફ્રોમ હોમ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ જેવા સૂચનો આપ્યા છે, જે સાવચેતીના પગલાં છે, કડક લોકડાઉન નથી.