Tue Apr 21 2026

Logo

એક નજર ઈધર ભી...: વિશ્વયુદ્ધની વિશિષ્ટ વીરાંગનાઓ...

2026-03-14 07:57:14
Author: કામિની શ્રોફ
Article Image

કામિની શ્રોફ

લંડન શહેર અનેક બાબતો માટે ખ્યાતનામ છે. ખ્યાતિની આ યાદીમાં એક બાબત છે મ્યુઝિયમ. વૈવિધ્યપૂર્ણ-વિશાળ અને અનેક ઠેકાણે વિનામૂલ્ય પ્રવેશ આપતા આ મ્યુઝિયમમાં નાયાબ કલાત્મક તેમજ ઐતિહાસિક ખજાનો લોકો માટે હાજર છે. બ્રિટિશ મ્યુઝિયમ, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ, સાયન્સ મ્યુઝિયમ, પોસ્ટલ મ્યુઝિયમ, સિનેમા મ્યુઝિયમ, રોયલ એર ફોર્સ મ્યુઝિયમ...યાદી ઘણી લાંબી છે. 

યુકેના લાંબા રોકાણને કારણે કેટલાક મ્યુઝિયમની પ્રત્યક્ષ મુલાકાત લેવાનો મોકો મળ્યો. આજે ઈમ્પિરિયલ વોર મ્યુઝિયમની એક ઝલક માણીએ જ્યાં સામાન્ય માનવીની અનેક અસામાન્ય કથા ધરબાયેલી છે. ટ્રેનમાં વોટરલૂ સ્ટેશન (અન્ય સ્ટેશનો પરથી પણ જવાય છે) ઊતરી પંદરેક મિનિટ ચાલી મ્યુઝિયમ પહોંચ્યા ત્યારે વિચાર આવ્યો કે કેવો સંયોગ છે કે `વોટરલૂ' નામના સ્ટેશનથી યુદ્ધ અંગેના મ્યુઝિયમમાં જવાનું બન્યું. 1815માં નેપોલિયન બોનાપાર્ટ અંતિમ લડાઈ હાલ બેલ્જિયમના વોટરલૂમાં હાર્યો હતો. 

યુદ્ધમોરચે સારવાર 

એલિઝાબેથ નોકર અને મારી ચિઝમ નામની બે સન્નારીની કહાણી વંદનીય છે. હેમ્પશાયર નામની કાઉન્ટીમાં મોટરબાઈક ચલાવતી વખતે 18 વર્ષની મારીનો પરિચય 30 વર્ષની એલિઝાબેથ સાથે થયો અને બહુ જલદી બંને ખાસમખાસ બહેનપણી થઈ ગઈ. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે એલિઝાબેથે મારીને પત્ર પાઠવી યુદ્ધના સમયમાં મદદરૂપ થવાની ઈચ્છા વ્યક્ત કરી. એ સમયે ઝખ્મી બેલ્જિયન સૈનિકોની સારવાર માટે `ફલાઈંગ એમ્બ્યુલન્સ કોર્પ્સ' વ્યવસ્થા અમલમાં હતી. 

એના વડા મારીની મોટરસાઈકલ ચલાવવાની આવડતથી પ્રભાવિત થયા અને એને જોડાવા માટે ઓફર કરી. મારીએ તરત હા પાડી અને એલ્સીને પણ બોલાવવા માટે વિનંતી કરી. એલ્સી એક કુશળ બાઈકર હોવા ઉપરાંત એક નર્સ હતી અને ફ્રેન્ચ તેમજ જર્મન ભાષા જાણતી હતી. મારી સાથે એલ્સી પણ યુનિટમાં જોડાઈ ગઈ. એલિઝાબેથ અને મારી યુદ્ધની છાવણીઓમાંથી ઘાયલ સૈનિકોને બાઈક પર હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરવા લાગી. જોકે, એમાંના ઘણા સૈનિકો હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મૃત્યુ પામતા હતા. 

બંનેને એ વાત સમજાઈ ગઈ કે યુદ્ધની છાવણી નજીક જ જો ઘાયલોને સારવાર મળે તો અનેક સૈનિકોના જીવ બચી જાય. ત્રણેક મહિના `ફલાઈંગ એમ્બ્યુલન્સ કોર્પ્સ' માટે કામ કર્યા પછી બંનેએ એને આવજો કરી સૈનિકોની છાવણીથી માત્ર 300 ફૂટના અંતરે એક ખાલી કોઠડીમાં `બ્રિટિશ ફર્સ્ટ એઈડ પોસ્ટ' -પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કર્યું. એ દિવસથી સળંગ સાડા ત્રણ વર્ષ સુધી તેમણે ઘાયલોની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 

એલિઝાબેથ નર્સ હતી એટલે ઈજાગ્રસ્તોની તબીબી સારવાર પર લક્ષ્ય આપતી હતી જ્યારે મારી પ્રાથમિક ઉપચાર પછી ઘાયલોને 15 માઈલ દૂર આવેલી હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ કરતી હતી. બાઈક વિપરીત સંજોગોમાં અને અનેક વાર ગોળીબાર - બોમ્બવર્ષા ચાલુ હોય એ દરમિયાન જવું પડતું હતું. આ સેવા અંગત ધોરણે થતી હોવાથી `ફર્સ્ટ એઈડ પોસ્ટ' માટે નાણાંની વ્યવસ્થા પણ તેમણે જાતે કરવી પડતી હતી. આ બેમિસાલ સેવાકાર્ય બદલ વિવિધ એવોર્ડથી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

યુદ્ધમાં મહિલા મોટરસાઈકલિસ્ટ

કાળી ડિબાંગ રાત. ના, અમાસની રાત નહીં, પણ જર્મન એરક્રાફ્ટની બોમ્બ વર્ષાને કારણે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હોવાથી જ્યાં જુઓ ત્યાં ઘનઘોર અંધાં. એવામાં એક અરજન્ટ મેસેજ પહોંચાડવો જ પડે એમ છે. વાત 1943ની છે. ત્યારે ટેક્નોલોજી એટલી વિકસી નહોતી. એક ડિસ્પેચ મેસેન્જર પ્રતિ કલાક 70 માઈલની મહત્તમ સ્પીડ પર ભાગી શકે એવી મોટરબાઈક પર બાઈકર સવાર થાય છે. 

અજાણ્યા અને સાંકડા અને અમુક જગ્યાએ ઊબડખાબડ હોય એવા માર્ગ પર ફૂલ કોન્ફિડન્સ સાથે બાઈક ભાગે છે. ક્યારેક અકળાવનારી પણ એકંદરે દિલધડક મુસાફરી 10 કલાકમાં પૂરી કરી દૂર આવેલા સ્થળે મેસેજ પહોંચી જાય છે. બીજા વિશ્વયુદ્ધના એ કાળજું કંપાવી દેનારા સમયમાં આવા અનેક ડિસ્પેચ મોટરસાઈકલ પર એક સ્થળેથી બીજા સ્થળે હેમખેમ પહોંચી જાય છે. આ મુશ્કેલ અને પડકારભર્યું કામ કરનારી છે બ્રિટિશ સન્નારીઓ.

આ મહિલાઓ શરૂઆતમાં રસોઈ અને ટાઈપિંગ જેવા સામાન્ય કામ કરતી હતી. જોકે, યુદ્ધ વકરતું ગયું એમ વધું ને વધુ પુષોને યુદ્ધભૂમિ પર મોકલવામાં આવ્યા. પરિણામે ઘરઆંગણે એ લોકો જે જવાબદારી નિભાવતા હતા એ તેમની પત્ની, ગર્લફ્રેન્ડ, દીકરી કે બહેનના શિરે આવી ગયું. આ બધામાં સૌથી નોંધપાત્ર અને જોખમી જવાબદારી હતી મોટરસાઈકલ પર સવાર થઈ કોઈ પણ સમયે લાંબા અંતરે પાર્સલ પહોંચાડવાની. 

યુદ્ધમાં આ બાઈકર્સની ભૂમિકા મહત્ત્વની હતી. આ સન્નારીઓ તાકીદના આદેશ અને સંદેશા પહોંચાડતી હતી જેમાં પુરવઠાની જાણકારી, ગુપ્ત બાતમી તેમજ સેનાપતિ, રાજદૂતાલય તેમજ નૌકાદળના વહીવટ વગેરેના સંદેશાનો પણ સમાવેશ હતો. ટૂંકમાં આ મહિલાઓના ટુ વ્હિલર્સના સંતુલન પર વિશ્વનું ભવિષ્ય આધાર રાખતું હતું એમ કહી શકાય. શરૂઆતમાં મોટર બાઈક રેસમાં સહભાગી થતી સન્નારીઓની જ આ કામ માટે પસંદગી કરવામાં આવતી હતી. 

શરૂઆતમાં જવાબદારી કપરી હતી. બાઈક ચલાવવામાં કાબેલિયત ઉપરાંત ટાયરમાં હવા બરોબર છે કે નહીં, જરૂર પડે ટાયર બદલવાનું અને ખરાબ થયેલી ચેનનું સમારકામ કરવાનું અથવા એ બદલી નાખવાની વગેરે કામ જાતે કરવા પડતા હતા. તેમના કૌશલ-બહાદુરીના અનેક કિસ્સા નોંધાયા છે. ટૂંકમાં `હમારી છોરિયાં છોરોં સે કમ હૈ કે' જેવો માહોલ હતો.

એલિઝાબેથ આર્મીમાં 

યુકેનાં રાણી ક્વીન એલિઝાબેથએ થોડા સમય માટે આર્મીમાં કામ કર્યું હતું. એપ્રિલ 1944માં પ્રિન્સેસ એલિઝાબેથ 18 વર્ષની થઈ. બીજા વિશ્વયુદ્ધના ઓછાયામાં કિશોરાવસ્થાનાં મુગ્ધ વર્ષો પસાર કરનારી રાજકુમારીએ યુદ્ધમાં કશીક સેવા તો આપવી જ છે એવી ગાંઠ વાળી હતી. એટલે ઓક્ઝિલરી ટેરિટરી સર્વિસ (એટીએસ) તરીકે ઓળખાતા એર ફોર્સના યુનિટમાં ટ્રક મિકેનિક તરીકે જોડાઈ ગઈ. રોયલ એરફોર્સના લોકો યુદ્ધમાં મદદરૂપ થઈ શકે એ હેતુથી એટીએસની સ્થાપના કરવામાં આવી હતી. 

આ યુનિટ હવામાનનો અહેવાલ, વિમાનની જાળવણી, હવાઈપટ્ટી પર મદદરૂપ થવું અને ઈન્ટેલિજન્સના કામમાં સહકાર્ય કરતું હતું. સશસ્ત્ર દળમાં પૂર્ણ વેળ કામ કરનારી એલિઝાબેથ રાજવી પરિવારની પ્રથમ સભ્ય હતી. યુનિટમાં દાખલ થયા પછી પોતે રાજકુમારી છે એ વાત બાજુએ રાખી અન્ય સામાન્ય મહિલા સભ્યોની જેમ એલિઝાબેથએ ટ્રકના ટાયર કેવી રીતે બદલાય, વાહનનું એન્જિન છૂટું પાડી ફરી કેવી રીતે બધા પાર્ટ્સ ગોઠવી દેવા તેમજ અન્ય વાહનો સાથે એમ્બ્યુલન્સ કેવી રીતે ચલાવવી એ પણ શીખી લીધું. 

એટલું જ નહીં અન્ય મહિલાઓ સાથે ટેલિફોન ઓપરેટર, ભોજનાલયમાં ખાવાનું પીરસવું, પોસ્ટલ સર્વિસનું કામ કરવું, દારૂગોળાની ચકાસણી કરવી, સર્ચલાઈટ ઓપરેટર તરીકે ફરજ બજાવવી તેમજ મિલિટરી પોલીસની ડ્યૂટી કરવી જેવી વિવિધ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી. આ યુનિટને યુદ્ધના મેદાનમાં જવાની પરવાનગી નહોતી. હેરત થાય એવી વાત એ છે કે એટીએસના કાર્યકાળમાં એલિઝાબેથએ ક્વોલિફાઈડ ટ્રક ડ્રાઈવરનું સર્ટિફિકેટ પણ મેળવ્યું હતું. 

એટીએસના કાર્યકાળમાં ડ્રાઈવિંગ અને એન્જિન રિપેરનો થયેલો મહાવરો રાણી (ક્વીન એલિઝાબેથ સેકન્ડ) બન્યાં પછી પણ તેમણે જાળવી રાખ્યો. એટલું જ નહીં એટીએસમાં સતત સામાન્ય જનતાના સહવાસને કારણે રાણી બન્યાં પછી પણ પ્રજાના સંપર્કમાં રહી શક્યાં. જનતા સાથેના આ જોડાણને કારણે જ છેવટ સુધી લોકપ્રિય રહ્યાં.