મેગા-અભિયાનની તૈયારીઓ તેજ, વિપક્ષી વિવાદો વચ્ચે ભાજપે નિર્ણયને આવકાર્યો
નવી દિલ્હીઃ બિહાર પછી પશ્ચિમ બંગાળ, આસામ સહિત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદીમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે અને પૂરી થવાના તબક્કામાં છે. જોકે, વિવિધ રાજ્ય સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં હવે આ પ્રક્રિયા ક્યારે શરુ થશે તો એના અંગે આજે ચૂંટણી પંચે સૌથી મહત્ત્વની માહિતી આપી હતી.
દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એપ્રિલમાં શરૂ થવાની સંભાવના છે. ચૂંટણી પંચે આ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને તેમની તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એસઆઈઆર સંબંધિત તેમની તમામ પ્રારંભિક તૈયારીઓ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે જેથી આ મેગા-અભિયાન એપ્રિલમાં કોઈ પણ અડચણ વિના શરૂ કરી શકાય.
મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગણા અને ઉત્તરાખંડમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને લખેલા પત્રમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાનો આદેશ ગયા વર્ષે જૂનમાં આપવામાં આવ્યો હતો. બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. આસામમાં એસઆઈઆરને બદલે 'સ્પેશિયલ રિવિઝન' 10 ફેબ્રુઆરીએ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું છે કે ઉપરોક્ત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઈઆર એપ્રિલ 2026માં શરુ થવાની અપેક્ષા છે, તેથી તેના સંબંધિત વિવિધ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે. અહીં એ જણાવવાનું કે બિહારમાં એસઆઈઆરને લઈ રાજકારણ ગરમાયું હતું. એના પછી પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં પણ એસઆઈઆર મુદ્દે ચૂંટણી પંચ પર વિપક્ષી પાર્ટીએ ગંભીર આરોપ મૂક્યો હતા. વિપક્ષના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા હતા તેમ જ સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી તથા હાલમાં આ કેસ પણ વિચારણા હેઠળ છે.
ચૂંટણી પંચના નિર્ણયની ભાજપએ આવકાર્યો
ચૂંટણી પંચના નિર્ણયને વધાવતા દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હીમાં મતદાર યાદીમાંથી અનિચ્છનીય મતદારોના નામ કાઢી નાખવાનો માર્ગ મોકળો થશે. તેમણે કહ્યું કે ભાજપએ રાજ્ય અને જિલ્લાસ્તરે કાર્યકરોની એક ટીમ બનાવી છે, જેમાં એક વકીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે એસઆઈઆર પ્રક્રિયા પછી મતદારોને કોઈ પણ સમસ્યાનો સામનો કરવામાં મદદ કરશે. દિલ્હીમાં સ્થાયી થયેલા તમામ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર થાય તેના સુનિશ્ચિત કરવા માટે ભાજપ ચૂંટણી પંચને સંપૂર્ણ સહયોગ આપશે.