Tue Sep 01 2026

Logo

‘તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો’ કોલકાતા હાઈકોર્ટે ચૂંટણી પંચને કેમ ખખડાવ્યું?

2026-04-24 11:14:00
Author: Savan Zalariya
‘તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો’ કોલકાતા હાઈકોર્ટે ચૂંટણી પંચને કેમ ખખડાવ્યું?

કોલકાતા: ગઈ કાલે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન યોજાયું. વિપક્ષ ચૂંટણી પંચ પર પક્ષપાતના આરોપ લગાવી રહ્યું છે, એવામાં કોલકાતા હાઇકોર્ટે પણ ચૂંટણી પંચને ઠપકો આપ્યો છે. હાઈ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ તેની સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે.

ચૂંટણી પંચે મતદાનના દિવસે મોટરસાયકલ પર પ્રતિબંધ લાદ્યો હતો, કોલકાતા હાઇકોર્ટે આ પ્રતિબંધો અંગે ચૂંટણી પંચને ઠપકો આપ્યો. ન્યાયાધીશ કૃષ્ણ રાવે ચૂંટણી પણ કમિશનને કહ્યું, "તમે તમારી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો. નાગરિકોને આ રીતે હેરાન ન કરી શકાય."

કોર્ટે ચૂંટણી પંચ સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, ચૂંટણી પંચને પ્રતિબંધો લાદવા પાછળનાં કારણો સ્પષ્ટ કરવા જણાવવામાં આવ્યું છે. આજે શુક્રવારે પંચ કોર્ટમાં સોગંદનામું રજુ કરશે. પંચ ભૂતકાળમાં ચૂંટણી દરમિયાન મોટરસાયકલનો દુરુપયોગ થયો હોવાની ઘટનાઓ વિશે કોર્ટને માહિતી આપી શકે છે.

કાર પર પ્રતિબંધ કેમ નહીં?
ન્યાયાધીશ કૃષ્ણ રાવે ચૂંટણી પંચને કહ્યું, "આ રીતે સામાન્ય નાગરિકોના અધિકારો પર કાપ ન મૂકી શકાય. જો એવું જ હોય તો કાર પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. લોકો બોમ્બ અને બંદૂકો લઈ જવા અને રમખાણો ભડકાવવા માટે કારનો ઉપયોગ પણ કરી શકે છે!" 

ન્યાયાધીશ કૃષ્ણ રાવે પંચ પાસે જવાબ માંગતા કહ્યું, "કોર્ટને જણાવો કે છેલ્લા પાંચ વર્ષમાં મોટરસાયકલ દ્વારા હિંસા ભડકાવવાની કેટલી ઘટનાઓ બની છે? ચૂંટણીના બે દિવસ પહેલા જ બધું સ્થગિત કરી દેવામાં 
આવ્યું. હું ફરીવાર કહું છું આ બધું ફક્ત અધિકારીઓની નિષ્ફળતા છુપાવવા માટે કરવામાં આવી રહ્યું છે."