Thu Apr 16 2026

Logo

પૂર્વ કચ્છના ધોરીમાર્ગો માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૮૩૩ કરોડ ફાળવાયા: ધોળાવીરા અને કંડલા બંદરની કનેક્ટિવિટી હવે બનશે સુપરફાસ્ટ

2026-04-05 11:25:19
Author: MayurKumar Patel
Article Image

Artificial Intelligence (AI) generated image


રોડ ટુ હેવન' અને 'ધોળાવીરા' જવું હવે બનશે વધુ સરળ: કંડલા પોર્ટના વિકાસને મળશે નવી ગતિ

ભુજઃ પૂર્વ કચ્છના સર્વાંગી વિકાસને વેગ આપવા અને વૈશ્વિક પ્રવાસન નકશા પર અંકિત હડ્ડપન કાળનું ધોળાવીરા તેમજ કંડલા મહાબંદરની કનેક્ટિવિટી સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૮૩૩ કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ માતબર રકમના ફાળવણીથી પ્રવાસન, પોર્ટ સેક્ટર અને સ્થાનિક ઉદ્યોગો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.

કેન્દ્ર સરકાર દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત એવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૨૭-સી (ચિત્રોડ-રાપર-બાલાસર)ના નિર્માણ માટે રૂ. ૬૯૮.૭૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ૫૭.૮૪૮ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ માર્ગ ચિત્રોડ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર -૨૭ (અમૃતસર-જામનગર કોરિડોર) થી શરૂ થઈ બાલાસર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૭૫૪-કે ને મળશે. આ માર્ગ નિર્મિત થવાથી વિશ્વ ધરોહર ધોળાવીરા, ‘રોડ ટુ હેવન’ અને ધોરડો જેવા પ્રવાસન સ્થળોએ પહોંચવું સુગમ અને સુરક્ષિત બનશે.

આ ધોરીમાર્ગ સીમાવર્તી રાપર શહેરની બહારથી બાયપાસ તરીકે પસાર થતો હોવાથી શહેરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડાડતા ખનિજ ભરેલા વાહનોથી નગરજનોને મુક્તિ મળશે. વિશેષ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ફતેહગઢ વિસ્તારથી પરિવહન થતી સફેદ માટીની હેરફેર વધુ સરળ બનશે.

બીજી તરફ, કંડલા મહાબંદરના ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે ગાંધીધામ સ્મશાન નજીક રેલવે ઓવરબ્રિજના નિર્માણ કામને પણ વેગ અપાયો છે. એલ.સી. ૨૩૫ પાસે નિર્માણ પામી રહેલા આ પુલ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉ રૂ. ૯૦ કરોડ ફાળવાયા હતા, પરંતુ પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થતા શિપિંગ મંત્રાલયે હવે કુલ રૂ. ૧૩૫ કરોડની સુધારેલી રકમ મંજૂર કરી છે. આ ઓવરબ્રિજ કાર્યરત થતા રેલવે ફાટક પર થતા કલાકોના ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

અત્રેઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હાજીપીરથી ધોળાવીરા સુધીના માર્ગના વિસ્તૃતીકરણ માટે રૂ. ૬૦૦ કરોડની મંજૂરી અપાઈ હતી. આમ, પૂર્વ કચ્છના સરહદી અને પ્રવાસન ક્ષેત્રોને સાંકળતા આ રસ્તાઓ અને પુલના કામો આગામી સમયમાં આર્થિક વિકાસ માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે. 

(ઉત્સવ વૈદ્ય)