ચીનમાં 40 મિનિટમાં 8 આંચકા, ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાના ભૂકંપથી ફફડાટ
બીજિંગ/ટોકિયો/પાલુ: ચીન, જાપાન સહિત ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકાને કારણે એશિયાઈ દેશોમાં ખળભળાટ મચી ગયો છે. ચીનના નોર્થ ઈસ્ટના કિંગાઈ પ્રાંતમાં 40 મિનિટમાં ભૂકંપના આઠ ઝટકા અનુભવવામાં આવ્યા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 10 કિલોમીટરની નીચે હતી.ચીનના સ્થાનિક મીડિયાના દાવા પ્રમાણે પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી જારી કરવામાં આવી છે એની સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા એજન્સીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
કિંગાઈ પ્રાંતના સ્થાનિક સમય અનુસાર સાંજના 6.40 વાગ્યાના સુમારે પહેલો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો, જ્યારે ભૂકંપનું કેન્દ્ર શિયાંગથી લગભગ 567 કિલોમીટર દૂર હતું. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. સરકારે રેસ્ક્યૂ અભિયાન હાથ ધર્યું છે, જ્યારે કુદરતી આફતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરી છે. ચીન સિવાય જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. જાપાનના ઈબારાકી પ્રાંતમાં 5.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો છે, જે સાંજના 7.46 વાગ્યે આવ્યો હતો, જ્યારે તેનું કેન્દ્ર જમીનથી લગભગ 50 કિલોમીટરની ઊંડાણમાં હતું.
મધ્ય ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના કેટલાક ભાગોમાં આજે ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આઠ વર્ષ પહેલાં ભૂકંપ અને સુનામીથી તબાહ થયેલા શહેરના રહેવાસીઓ ગભરાઇ ગયા હતા.તીવ્ર આંચકાને કારણે લોકો ભાગીને પાલુ અને તેની આસપાસના ખુલ્લા વિસ્તારોમાં પહોંચી ગયા હતા, જે લગભગ ૪૦૦,૦૦૦ લોકોની વસ્તી ધરાવતું શહેર અને મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની છે. સલામતીના પગલાં તરીકે ઘણી હોસ્પિટલોએ દર્દીઓને બહાર કાઢ્યા હતાં.
શરૂઆતનો ભૂકંપ પાલુથી ૪૩ કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતો, અને અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે જણાવ્યું હતું કે તે લગભગ ૧૦ કિલોમીટર ઊંડાણમાં હતો. ત્યાર પછી ઘણા આફ્ટરશોક આવ્યા હતા, જેમાં સૌથી મજબૂત ૫.૨ની તીવ્રતાનો હતો.વિસ્તારની છબિઓમાં ભારે નુકસાન પામેલા માળખાં, આંશિક રીતે તૂટી પડેલી છત, તૂટેલી દિવાલો અને શેરીઓમાં વિખરાયેલા કાટમાળ જોવા મળ્યા હતાં. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે નુકસાન, સંભવિત જાનહાનિ અને વિસ્થાપિત લોકો વિશે માહિતી હજુ પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
ભૂકંપથી સુનામી આવે તો સાવચેતીના ભાગ રૂપે લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ દૂર ગયા હતા. પાલુમાં એક ચાર સ્ટાર હોટલના જનરલ મેનેજર એફેન્ડી નતાલીએ જણાવ્યું હતું કે "અમે હોટલમાંથી બધા મહેમાનોને બહાર કાઢ્યા છે, જેમાં ઘણા મહેમાનો એવા પણ સામેલ છે જેઓ તેમના રૂમમાં જ ભરાઈ રહ્યા હતા. હોટલને માત્ર નજીવું નુકસાન થયું છે " .ઇન્ડોનેશિયાની મીટીઓરોલોજી , ક્લાઈમેટોલોજી ઍન્ડ જિઓફિસિકલ એજન્સીએ જણાવ્યું હતું કે સુનામીનો કોઈ ભય નથી પરંતુ ચેતવણી આપવામાં આવી છે કે આફ્ટરશોક ચાલુ રહી શકે છે.