Tue Sep 08 2026

Logo

અમદાવાદની સોલા સિવિલના એક્સ-રે રૂમમાં મહિલાઓના વીડિયો ઉતારતો ડ્રાઈવર ઝડપાયો

2026-03-19 15:09:00
Author: Mayur Patel
અમદાવાદની સોલા સિવિલના એક્સ-રે રૂમમાં મહિલાઓના વીડિયો ઉતારતો ડ્રાઈવર ઝડપાયો

અમદાવાદઃ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ડીન ઓફિસનો ડ્રાઈવર મહિલાઓના આપત્તિજનક વીડિયો બનાવતો હતો. હોસ્પિટલને આ અંગેની જાણકારી મળતાં આરોપી સામે ફરિયાદ કરવાના બદલે વીડિયો ડિલિટ કરવાને તેને છોડી દીધો હતો.

કેવી રીતે થયો ખુલાસો
ડ્રાઈવરને એક મહિલાએ છુપાઈને વીડિયો બનાવતા જોઈ લીધો હતો, ત્યાર બાદ મહિલાએ ડ્રાઈવરને પૂછતા હોબાળો થયો હતો. આ સમયે હાજર સિક્યોરિટી ગાર્ડે ડ્રાઈવરને તરત પકડી લીધો હતો. ડ્રાઈવરની શરમજનક હરકતને કારણે 181 મહિલા હેલ્પલાઈન પર ફરિયાદ નોંધવામાં આવી હતી. 

ડ્રાઈવર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ હોસ્પિટલ તંત્ર દ્વારા તેના ફોનમાંથી મહિલાના વીડિયો ડિલિટ કરાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત મહિલા અને ડ્રાઈવર વચ્ચે સમાધાન કરીને તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડીન ઓફિસનો ડ્રાઈવર મૂળ ઓડિશાનો રહેવાસી છે અને 15 વર્ષથી નોકરી કરે છે. ડીન ઓફિસનો ડ્રાઈવર હોવાના કારણે તે સરળતાથી આવ-જા કરતો હતો. જેનો ફાયદો ઉઠાવીને તેણે અનેક મહિલાઓના વીડિયો શૂટ કરીને ફોનમાં સ્ટોર કર્યા હતા. આ તમામ વીડિયોને ડિલિટ કરાવાયા હતા.

સોલા હોસ્પિટલના  સુપરિન્ટેન્ડન્ટ ડો. દીપિકા સિંઘલે કહ્યું કે કોલેજના PSM વિભાગનો ડ્રાઈવર વિષ્ણુ મકવાણા એક્સ-રે રૂમમાં મહિલાનો વીડિયો બનાવતો હતો ત્યારે મહિલા જોઈ જતા હોબાળો મચ્યો હતો. ડ્રાઈવરને પોલીસને સોંપતા પહેલા મહિલા અને તેના પરિવાર સાથે સમાધાન થઈ ગયું હતું, જેથી બાદમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. 

ઉલ્લેખનીય છે કે એક્સ રે રૂમમાં દાખલ થવું બધા માટે શક્ય નથી, પરંતુ સ્ટાફનો કર્મચારી હોવાનો ફાયદો ઉઠાવીને આરોપીએ આવા વીડિયો બનાવ્યા હતા. ફરીવાર આવી ઘટના ન બને તે માટે કેટલાક પોઈન્ટ પર વધારે સિક્યુરિટી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.