Fri May 01 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ તુજસે નારાઝ નહીં, ઝીંદગી હેરાન હું મેં...

2026-02-26 12:25:00
Author: Mumbai Samachar Team
Article Image

શ્વેતા જોષી-અંતાણી 

એક સમય હતો જ્યારે યાત્રીના હાસ્યથી ઘરનો ખૂણેખૂણો ગુંજી ઊઠતો. સ્કૂલથી ઘેર આવી નથી ને બેગનો ઘા કર્યો નથી. મમ્મીને સતત વળગતી રહેતી યાત્રી મા પાછળ ફર્યા કરે. રસોડામાં બેડરૂમમાં કે આંગણામાં મમ્મી જ્યાં જાયત્યાં પાલવ પકડીને ફરતી રહેતી યાત્રીની યાત્રા આજકાલ કંઈક અલગ દિશામાં ચાલવા લાગી છે.

મમ્મી કવિતા કંઈક જૂની યાદો વાગોળવા બેસે કે યાત્રી એનું મોઢું તોડી લે. ‘અરે, મમ્મી એનું આજે શું છે?’ કવિતા આગળ કશું જ ના બોલી શકતી. એના શબ્દો ધ્રૂજી ઊઠતા. એને ખ્યાલ ના રહેતો કે આગળ શું બોલવું? આ બદલાવ અચાનક નહોતો આવ્યો. કોઈ મોટી ઘટના પણ નહોતી બની. બસ, ધીરે ધીરે એક દરવાજો અવાજ વગર બંધ થઈ ગયો. અને મા-દીકરીની દુનિયાને અલગ કરતો ગયો.

યાત્રી સોળ વર્ષની થઈ. એણે મા સાથે વાત કરવાની ઓછી કરી. શરૂઆતમાં કવિતાને થયું, હશે આ ઉંમરની અસર છે. પરીક્ષાઓ, દોસ્તો, ટીનએજ પ્રેશર ઘણું બધું આ ઉંમરે હલ્લો બોલાવતું હોય. એણે થોડો સમય આપ્યો, પણ આ સમય ધીરે ધીરે એક એવા અંતરમાં પલટાઈ ગયો, જેણે  દીવાલ બની એમની દુનિયા અલગ કરી નાખી. 

કવિતા જમવા બોલાવતી તો ‘મને હમણાં ભૂખ નથી.’  એવો જવાબ દેતી યાત્રી રૂમનો દરવાજો ખોલવાની દરકાર કરતી નહી. યાત્રીના શબ્દોમાં ગુસ્સો કે ચીડ નહી, પરંતુ રુક્ષતા હતી, જે કવિતાને સતત ચૂભતી રહેતી. એની મીઠડી, પરાણે વ્હાલી લાગે એવી, વાતવાતમાં કાળજી દર્શાવતી દીકરી તદ્દન બદલાઈ ચૂકી છે એ સ્વીકારવા એનું મન રાજી નહોતું.

એક સાંજે કવિતાએ ફરી કોશિશ કરી. ‘યાત્રી, આજકાલ તું ઘરમાં કઈ બોલતી જ નથી. તને કંઈ તકલીફ છે?’ યાત્રી એ ફોનમાંથી નજર ઉઠાવ્યા વગર કહ્યું, ‘તને યાર, આવું કેમ લાગે છે મમ્મી? દરેક ચીજ કઈ એવી ના હોય કે મારે તને કહેવી જ પડે. એટલીસ્ટ ગીવ મી સમ પ્રાયવસી.’ 

આ શબ્દો વચ્ચે હવામાં જ ક્યાંક અટકાઈ ગયા. કવિતા ચૂપ થઈ ગઈ. એનું દર્દ પારાવાર હતું. યાત્રીએ કેટલી આસાનીથી કહી દીધું કે હવે એમની વચ્ચેનો સંબંધ એટલો પણ મહત્ત્વનો નથી.

દિવસો અઠવાડિયાઓમાં બદલાતા ગયાં. કવિતાને યાત્રી સાથે અજાણ્યા જેવી લાગણી અનુભવાતી. એ જોતી દીકરીને સ્કૂલ જતાં, પાછી આવતાં, પોતાના રૂમમાં જતાં અને દરવાજો બંધ કરતાં. ફોનની અંદર વાતો, હસી-મજાક અને મસ્તી કરતી દીકરી એની સામે અજાણ્યા માફક વર્તતી. એમની વચ્ચે હતી તો બસ એક ઊંડી ખામોશી. યાત્રીની યાત્રા અલગ દુનિયામાં લંબાતી ગઈ. એ મોટાભાગનો સમય પોતાના ફ્રેન્ડ્સ, સોશિયલ મીડિયા અને ક્લાસિસમાં વિતાવવા લાગી. એને લાગતું કે પોતે સમજદાર થઈ ચૂકી છે. માની વાતો એને વેવલી લાગતી અને કાળજી બંધન.

એક દિવસ સ્કૂલમાં કંઈક એવી ઘટના બની, જેણે યાત્રીના પગ થંભાવી દીધાં. રીસેસમાં સ્કૂલના સૌથી વેગાબોન્ડ ગણાતાં છોકરા સાથે એની ફ્રેન્ડનો ઝગડો થયો. એ ઝગડો લંબાયો સોશિયલ મીડિયા પર. ઈન્સ્ટાગ્રામના મેસેન્જર પર અપશબ્દોની વણઝાર લાગી. સામસામી ધાકધમકીઓ આવવા લાગી. ત્યારે પોતાના મિત્રોનો પક્ષ લેવા જતાં યાત્રીબેન સપડાઇ ગયાં. વિરોધી પાર્ટીના ટીનએજર્સ યાત્રીની પ્રોફાઈલ પર તૂટી પડ્યાં. 

એલફેલ શબ્દોથી એને નવાજી, એના પર મીમ્સ બનાવી વાઈરલ કરવાની ધમકીઓ મળવા લાગી. યાત્રી પર દબાણ કરવામાં આવ્યું કે, એ સોશિયલ મીડિયા પર માફી માગે. યાત્રી ડધાય ગઈ. આ લૂપમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જડે એમ નહોતો. જિંદગીમાં પહેલી વાર એને મહેસૂસ થયું કે, દુનિયા પોતે માને છે એટલે સીધી-સરળ  નથી. અને પોતાના મિત્રો એની ધારણા મુજબ સ્માર્ટ પણ નથી. અંતે એને મા યાદ આવી. 

ઘેર આવી આજે વર્ષો બાદ એ રૂમમાં જવાને બદલે રસોડાંના દરવાજે ઊભી રહી. કવિતા હંમેશ માફક રસોઈની તૈયારી કરી રહેલી. યાત્રીએ એની પીઠને ધ્યાનથી જોઈ. એ પહેલાની જેમ તરવરાટભરી નહોતી. માના ચહેરા પર એક અજબ ઉદાસી હતી. એ શાંત નહીં પણ ખામોશ થઈ ગયેલી એવો અહેસાસ પ્રથમવાર થયો.

એ પાછળથી મા ને વળગી પડી. કવિતા આંચકો ખાઈ ગઈ. એણે હળવેથી દીકરીના હાથ પસવાર્યા. ‘શું થયું?’

બસ, આટલું જ પૂછવાની વાર હતી જાણે. યાત્રીએ અત:થી ઈતિ સંભળાવી દીધી. એની આંખોમાં આંસુ હતાં તો વળી કવિતા પણ ગળગળી થઈ ઉઠેલી. એણે યાત્રીના માથે હાથ મૂકી કહ્યું, કોઈ જ માફી માગવાની કે કોઈનાથી ડરવાની જરૂર નથી. તને કોઈ પરેશાન કરે તો એનો જવાબ આપવા હું તારી સાથે છું. તું કોઈ ટેન્શન ના લે. આપણે સાથે મળી આ તકલીફ પાર કરી લઈશું.’       

બીજા દિવસે કવિતાના કહેવાથી યાત્રીએ પોતાના પર બૂલીઈંગ કરનારા લોકો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી. મિત્રોને પણ એના માટે તૈયાર કર્યા. જરૂર પડ્યે પોલીસ કમ્પલેઈન કરવાની પણ તૈયારી બતાવી અને અંતે સ્કૂલ, ટીચર્સ તેમજ પેરેન્ટસના સહિયારા પ્રયાસોથી આખો મામલો થાળે પડ્યો.

એ ઘટનાએ યાત્રીને બરાબર સમજાવી દીધેલું કે, પોતે ગમે તેટલી સમજદાર, સ્માર્ટ અને કૂલ કેમ ના હોય, જિંદગી મા વગર ચાલશે નહીં. સામાપક્ષે યાત્રીના વર્તન થકી સતત દુ:ખી રહેતી કવિતા પણ સમજી ગઈ કે સંબંધો એક ક્ષણમાં ક્યારેય તૂટતા નથી અને ક્ષણભરમાં ફરી જોડાઈ પણ જતાં નથી. અમુક ઘટનાઓ એટલા માટે બનતી હોય છે કે જેથી કરીને તમે નવેસરથી સંબંધની શરૂઆત કરી શકો.