Tue Apr 21 2026

Logo

ભાત ભાત કે લોગઃ વિશ્વના સૌથી મિલિટરાઇઝ્ડ માઇક્રો-સ્ટેટ `જિબૂટી' વિશે કશું જાણો છો ખરા?

tehran   2026-03-14 08:05:17
Author: જ્વલંત નાયક
Article Image

જ્વલંત નાયક

મધ્ય-પૂર્વનું કોકડું બરાબર ગૂંચવાયું છે. એ સાથે જ આખી દુનિયા એ કોકડામાં ગૂંચવાઈને રૂંધાઈ રહી છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લંબાતું જાય છે તેમ તેમ વૈશ્વિક ઊર્જા સંકટ ઘેં બની રહ્યું છે. એનું કારણ છે ઈરાને બંધ કરી દીધેલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જળમાર્ગ. પર્શિયન ગલ્ફમાંથી નીકળતા તેલના 80 ટકાથી વધુ ચીન, ભારત, જાપાન, કોરિયા જેવા એશિયન દેશો તરફ જાય છે. હાલ આ માર્ગ બંધ છે. યુરોપને પણ પોતાની તકલીફો છે જ, પણ હમણાં તકલીફોની વાત બાજુએ મૂકીને ઉપાય વિષે વિચારીએ.

યુદ્ધ મુખ્યત્વે બે મુદ્દાને આધારે લડાતું હોય છે. એક તો ધાર્મિક મુદ્દો અને બીજો મુદ્દો તે વ્યાપારી હિત. સામાન્ય પ્રજા ધાર્મિક મુદ્દાને મહત્ત્વનો માને છે, પણ હકીકતે શાસકોના મનમાં વ્યાપારી ગણતરીઓ ચાલતી હોય છે. આ સત્ય સમજવા માટે મધ્ય-પૂર્વમાં ચાલી આવેલા સંઘર્ષોની લાંબી કથા જાણવી જોઈએ. વિશ્વના તમામ મહત્ત્વના શાસકો મધ્ય-પૂર્વના વ્યાપારિક મહત્ત્વને બરાબર સમજે છે. અને કદાચ એટલે જ આ વિસ્તાર મોટે ભાગે તણાવગ્રસ્ત રહે છે. 

અત્યારે સામાન્ય જનતાને લાગે છે કે ઈરાન હોર્મુઝની ખાડી બંધ કરી દેશે તો બાકીની દુનિયા  ખાસ કરીને યુરોપ અને એશિયાના દેશો ઊર્જાસંકટમાં ફસાઈ જશે. આ વાત ઘણે અંશે સાચી છે, પણ સંપૂર્ણ સાચી નથી, કારણકે દાયકાઓથી ચાલી આવતા તણાવને પગલે વિશ્વની મહાસત્તાઓએ બીજા વિકલ્પ ગોતી રાખ્યા છે. જીઓપોલિટિક્સને લગતા કોઈ પણ મામલાને સમજવા માટે દુનિયાનો નકશો આંખ સામે રાખવો જોઈએ..               

ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા અને દુબઈ જેવા દેશો વચ્ચે હોર્મુઝની ખાડી આવેલી છે. આ આખો વિસ્તાર એટલે પર્શિયન અખાત. મધ્ય-પૂર્વના દેશોમાં ઉત્પાદિત થતા ઓઇલનો મહત્તમ જથ્થો આ માર્ગે થઈને અરબ સાગર પહોંચે છે અને અહીંથી એશિયન દેશો તરફ રવાના થાય છે. યુરોપ તરફ જવા માટે એક અન્ય માર્ગ પણ છે માનવનિર્મિત સુએઝ કેનાલનો માર્ગ. મધ્ય-પૂર્વ સાથેના વેપારમાં સુગમતા રહે એ ખાતર ઠેઠ ઓગણીસમી સદીમાં યુરોપીયન દેશોએ ઈજિપ્ત નજીક એશિયા અને આફ્રિકા ખંડોને છૂટા પાડતી સુએઝ કેનાલ બનાવી લીધી. 

નકશો જોતા સમજાશે કે સાઉદીની ઉત્તરે-ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે હોર્મુઝની ખાડી છે, જે ગલ્ફ ઓફ ઓમાન થઈને અરબ સાગર સુધી પહોંચે છે. એવી જ રીતે સાઉદીની દક્ષિણે-સાઉદી અરેબિયા અને આફ્રિકન દેશોની વચ્ચે રેડ સી આવેલો છે. સુએઝની નહેર આ રેડ સીને યુરોપને સ્પર્શતા ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડીટેરેનિયન સી સાથે જોડી દે છે. હવે વિચાર કરો કે ઠેઠ ઓગણીસમી સદીમાં યુરોપને આ વ્યાપારિક માર્ગનું મહત્ત્વ સમજાઈ ગયેલું. બીજી તરફ રેડ સીમાં દક્ષિણ-પૂર્વીય દિશામાં આગળ વધો તો ગલ્ફ ઓફ એડન પહોંચો, જ્યાંથી અરબ સાગર માં પ્રવેશી શકાય.

હવે ફરી એશિયન દેશોના વેપાર માર્ગની વાત કરીએ. એશિયા માટે પણ રેડ સીનો માર્ગ ઉપયોગી સાબિત થાય એમ છે. અહીં આપેલા નકશામાં તમને સાઉદી અરેબિયા વચ્ચેથી પસાર થતી લાલ લાઈન દેખાશે. આ લાઈન એટલે ઈસ્ટ વેસ્ટ પાઈપ લાઈન. યુએઈમાંથી પસાર થતી આ પાઈપ લાઈન તેલને રેડ સીમાં આવેલ યામ્બુ બંદર સુધી લઇ જાય છે. અહીંથી પુરવઠો બાબ-અલ-મંદબ નામના પોર્ટ તરફનો માર્ગ પકડે છે અને યમન પાસે થઇને ઓફ એડન સુધી પહોંચે છે. અહીંથી અરબ સાગર તરફ રવાના થાય છે.

યુરોપિયન દેશોએ દાયકાઓ અગાઉ સુએઝ કેનાલ બનાવીને મધ્ય-પૂર્વ અને એશિયન દેશો સાથેનો ટૂંકો જળમાર્ગ વિકસાવી લીધેલો. જેથી અખાતી દેશોમાં કંઈક ગરબડ થાય તો પણ મિડલ-ઈસ્ટ અને આફ્રિકા વચ્ચેથી પસાર થતો સુરક્ષિત વ્યાપારી માર્ગ મળી રહે. સુએઝ કેનાલની સાથે મળીને આ રૂટ યુરોપ અને એશિયા વચ્ચેનો સૌથી ટૂંકો માર્ગ છે.

બીજી તરફ ઈરાને એનો તોડ કાઢતા હોય એ રીતે યમન નજીક હૂથી બળવાખોરોને પોષી રાખ્યા છે, જેથી ગલ્ફ ઓફ ઓમાનની સાથે જ ગલ્ફ ઓફ એડનમાં પણ એનો દબદબો કાયમ રહે. આ બધા વચ્ચે એક ટચૂકડા આફ્રિકન દેશનું મહત્ત્વ પણ સમજવા જેવું છે. આ દેશ એટલે હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ બાબ-અલ-મંદબ નામક બંદરનો દેશ જિબુટી.

આ જિબુટીમાં આખી દુનિયાને રસ છે, કારણ કે જે રીતે હોર્મુઝ સ્ટે્રટમાં દુબઈ મોકાને સ્થાને આવેલું છે, એમ ગલ્ફ એડનથી રેડ સી જવાના રસ્તે જિબુટી દેશ મોકાના સ્થાને આવેલો છે. જો કે દુબઈની માફક વૈશ્વિક વેપાર કેન્દ્ર બનવાનું એના નસીબમાં નથી. કારણકે જિબુટીનું મહત્ત્વ સમજી ગયેલા ફ્રાન્સે ઠેઠ દાયકાઓ પહેલા અહીં લશ્કરી થાણું નાખેલું. એ પછી અમેરિકા, ચીન, જાપાન, ઇટાલી, જર્મની, સ્પેન અને સાઉદી અરેબિયા જેવા દેશોએ પણ અહીં પોતાના લશ્કરી થાણા સ્થાપી દીધા. 

માત્ર 23,200 ચોરસ કિલોમીટરનો વિસ્તાર અને દસેક લાખની વસ્તી ધરાવતા આ ટચૂકડા દેશમાં આઠ જેટલા દેશોએ પોતાના લશ્કરી થાણા સ્થાપ્યા છે. વિશ્વના બીજા કોઈ દેશમાં આટલા બધા દેશોને મિલીટરી ઇન્ટરેસ્ટ નથી પડ્યો. ખૂબીની વાત એ છે કે જિબુટી પાસે આટઆટલા દેશોના થાણા માટે પૂરતી જગ્યા જ નથી. તેમ છતાં બધા દેશોએ મળી-સમજીને એકબીજાથી નજીક નજીક પોતાના હેડકવાર્ટર્સ બનાવ્યા છે. અમુક થાણાઓ વચ્ચે તો થોડાક જ કિલોમીટરનુ અંતર છે! આ વિચિત્ર પરિસ્થિતિએ જિબુટીને વિશ્વનું સૌથી મિલિટરાઇઝ્ડ માઇક્રો-સ્ટેટ બનાવી દીધું છે.

જો કે જિબુટીની સરકારે આ પરિસ્થિતિમાંથી ય ધંધો શોધી લીધો! ચીન અને અમેરિકા જેવા કટ્ટર દુશ્મન ગણાતા દેશોને જિબુટીએ જગ્યા ભાડે આપી છે. જિબુટી બધા દેશોના લશ્કરી અડ્ડાઓ પાસેથી લીઝ પેટે દર વર્ષે 70 થી 100 મિલિયન ડૉલર્સ જેટલી તગડી રકમ મેળવે છે.