અનિયમિત વરસાદ અને ભૂગર્ભજળના ઘટાડા સામે હડપ્પન સંસ્કૃતિનું આયોજન માર્ગદર્શક; યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની જળપ્રણાલી પુનઃચર્ચામાં
ભુજ: કચ્છના વિષમ રણપ્રદેશમાં આવેલું ઐતિહાસિક ધોળાવીરા માત્ર હડપ્પા યુગનું પ્રાચીન શહેર નથી, પરંતુ પાણીની ભીંસ ધરાવતા પ્રદેશમાં જીવન કેવી રીતે ટકાવી શકાય તેનું 4,500 વર્ષ જૂનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા 'વિશ્વ ધરોહર સ્થળ' જાહેર થયા બાદ, ધોળાવીરાની પ્રાચીન જળવ્યવસ્થા આજે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. અનિયમિત વરસાદ અને સતત ઘટી રહેલા ભૂગર્ભજળ સ્તરની સમસ્યાથી ઝઝૂમતા આજના ગુજરાત માટે ધોળાવીરાની જળસંચય પ્રણાલી એક સંપૂર્ણ રોડમેપ પૂરો પાડે છે.
ધોળાવીરા ખાતે કોઈ બારમાસી નદી વહેતી ન હતી અને વાર્ષિક સરેરાશ વરસાદ પણ માત્ર 300 મિલીમીટર જેટલો જ નોંધાતો હતો. તેમ છતાં, ઈ.સ.પૂર્વ 2,650 થી ઈ.સ.પૂર્વ 1,450 સુધી આ નગરમાં સતત માનવ વસવાટ રહ્યો હતો. પુરાતત્વવિદોના સંશોધન મુજબ, અહીં વીજળી, પંપ કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વિના પથ્થરના 16થી વધુ વિશાળ જળાશયો, સુવ્યવસ્થિત નહેરો અને કૂવાઓની જટિલ કારીગરી દ્વારા સમૃદ્ધ જળવ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
ચોમાસા દરમિયાન 'મન્સાર' અને 'માનહાર' નદીઓમાં આવતા પૂરના પાણીને વ્યર્થ વહી જતાં અટકાવવા માટે ગુરુત્વાકર્ષણ આધારિત પથ્થરની નહેરો બનાવવામાં આવી હતી. આ નહેરો દ્વારા પાણીને 16 મોટા જળાશયોમાં વાળવામાં આવતું હતું. આશરે 10 લાખ ઘનમીટરની કુલ સંગ્રહ ક્ષમતા ધરાવતી આ સિસ્ટમ આખા શહેરને સતત 1 થી 2 વર્ષ સુધી પાણી પૂરું પાડવા સક્ષમ હતી. નગરને કિલ્લો, મધ્યમ નગર અને નીચું નગર એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક વિસ્તાર માટે અલગ જળાશયોની જોગવાઈ હતી. કિલ્લાના રહેવાસીઓ માટે શુદ્ધ પીવાના પાણીના ઢંકાયેલા કુંડ, મધ્યમ નગર માટે ઘરગથ્થુ વપરાશના તળાવો અને નીચલા ભાગમાં ખેતી તેમજ પશુપાલન માટેના તળાવો બનાવવામાં આવ્યા હતા.
બાષ્પીભવન અને કાંપ નિયંત્રણ:
રણના ભારે તાપમાનમાં પાણીનું બાષ્પીભવન અટકાવવા જળાશયો ઊંડા અને પથ્થરોથી આચ્છાદિત રખાતા હતા. નહેરોમાં ગળણી સમાન વ્યવસ્થા હોવાથી કાંપ જળાશયમાં પ્રવેશતો ન હતો, જેથી પાણીની સ્વચ્છતા અને ગુણવત્તા જળવાઈ રહેતી હતી.
જળ નિષ્ણાતોના મતે, ધોળાવીરાની આ નીતિઓ આજના આબોહવા પરિવર્તનના યુગમાં પણ 100 ટકા પ્રસ્તુત છે. માત્ર મોટા ડેમ પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક સ્તરે ચેકડેમ, તળાવો અને રૂફટોપ રેનવોટર હાર્વેસ્ટિંગ પર ભાર મૂકવો, નદીઓના પ્રવાહને બદલવાને બદલે પ્રાકૃતિક બહાતા પાણીને સ્થાનિક સ્તરે રોકવાની વ્યુહરચના, માત્ર ચાલુ વર્ષ પુરતું નહીં, પરંતુ આગામી 5 થી 10 વર્ષના સંભવિત દુષ્કાળને ધ્યાનમાં રાખીને જળસંગ્રહ કરવો, જળવ્યવસ્થાની જાળવણીને સામાજિક જવાબદારી ગણી નાગરિક સહયોગ મેળવવો અને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી પાણીના બગાડ પર અંકુશ મેળવવો. ધોળાવીરા દર્શાવે છે કે, જળ સંકટનો કાયમી ઉકેલ માત્ર વિશાળ પ્રોજેક્ટ્સમાં નથી, પરંતુ સ્થાનિક સૂઝબૂઝ અને આયોજનમાં રહેલો છે. વર્તમાનમાં કાર્યરત 'જળ શક્તિ અભિયાન' અને 'અમૃત સરોવર' જેવી સરકારી યોજનાઓ પણ આ જ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે.
કચ્છ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના તજજ્ઞોના જણાવ્યા મુજબ, ધોળાવીરા માત્ર પ્રાચીન ખંડેર નથી, પરંતુ આબોહવા પરિવર્તનના આ યુગમાં સસ્ટેનેબલ લિવિંગ માટેની એક જીવંત માર્ગદર્શિકા છે. આજે જ્યારે રાજ્યના વિવિધ વિસ્તારો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે 4,500 વર્ષ પ્રાચીન આ નગરસંસ્કૃતિ પાસેથી આયોજનના પાઠ શીખવા અનિવાર્ય બન્યા છે.