Sun Sep 13 2026

Logo

દેવગિરી કિલ્લામાં દીપડાની એન્ટ્રી: પ્રવાસીઓ માટે રસ્તો બંધ, વન વિભાગ એક્શનમાં

2026-07-13 19:45:41
Author: Mumbai Samachar Team
દેવગિરી કિલ્લામાં દીપડાની એન્ટ્રી: પ્રવાસીઓ માટે રસ્તો બંધ, વન વિભાગ એક્શનમાં

મુંબઈ/છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલા દેવગિરી કિલ્લામાં આજે દીપડાનું એક બચ્ચું પકડાયું હતું. તેની માતા આસપાસના વિસ્તારમાં દેખાતા વન વિભાગે તેને પકડવા માટે પણ પાંજરું ગોઠવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમોએ કિલ્લાના સંગ્રહાલયના મકાન તરફ જતા માર્ગ પર, પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને ચાંદ મિનારની ટોચ પર રક્ષકો તૈનાત કર્યા છે જેથી બંને પ્રાણીઓને સ્થાનાંતરિત કરતા પહેલા તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય.

છત્રપતિ સંભાજીનગર શહેરથી ૧૨ કિમી દૂર આવેલો દેવગિરી (દૌલતાબાદ) કિલ્લો એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ગણાતી ઈલોરાની ગુફાઓ તરફના માર્ગ પર આવેલા સૌથી વધુ મુલાકાત લેવાતા સ્મારકોમાંનું એક છે.

અગાઉ કિલ્લાના વિસ્તારમાં દીપડા જેવા પ્રાણીઓ જોવા મળ્યા બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વન વિભાગને મદદ માટે પત્ર લખ્યો હતો. શુક્રવારે વન વિભાગે એક પાંજરું ગોઠવ્યું હતું અને આજે સવારે તેમાં એક બચ્ચું ઝડપાઈ ગયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

"દીપડીને પકડવા માટે બચ્ચાના પાંજરાની નજીક બીજું એક પાંજરું મૂકવામાં આવ્યું છે. દેખરેખ રાખવા માટે ચાંદ મિનાર ખાતે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. દીપડી પકડાઈ જાય પછી બંનેને જંગલમાં ખસેડવામાં આવશે," એમ તેમણે જણાવ્યું હતું.