નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હી સ્પેશિયલ સેલે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા સાથે સંકળાયેલા બાંગ્લાદેશી મોડ્યુલને લઈ સૌથી મોટો પર્દાફાશ કરાવ્યો છે. આઠ આતંકવાદીની ધરપકડમાં જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશમાં ઉપસ્થિત આ મોડ્યુલનો હેન્ડલર શબ્બીર શાહ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરના સીધા સંપર્કમાં હતો, જે આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે તેમની પાસેથી એક ડઝનથી વધુ મોબાઈલ ફોન અને 16 સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
શબ્બીર શાહે 2017માં ભારતમાંથી ભાગ્યો હતો
મળતી માહિતી અનુસાર શબ્બીર અહમદ લોન, જેને શબ્બીર શાહ તરીકે ઓળખવામાં આવે છે. 2007થી એ લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ અને 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ જકી ઉર રહેમાન લખવી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હતો. 2007માં શબ્બીર શાહ દિલ્હીમાં જ્યારે પકડાયો ત્યારે તેની પાસેથી મળેલા પુરાવાથી એ વાત સ્પષ્ટ થઈ હતી કે તે હાફિઝ સઈદના સંપર્કમાં અને લખવી સાથે વાત કરતો હતો. શબ્બીર શાહને 2017માં જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો, ત્યારપછી તે ભારતમાંથી ભાગી ગયો હતો.
લશ્કરના ઓપરેશન ચલાવવામાં માસ્ટરમાઈન્ડ
હાલમાં તમામ આરોપીની સઘન પૂછપરછની સાથે ઈન્ટરનેશનલ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીમાં ઉમર ફારુક (માલદા પશ્ચિમ બંગાળ), રોબિઉલ ઈસ્લામ (ઠાકુરગાંવ બાંગ્લાદેશ), તમિલનાડુના મિજાનુર રહમાન, સેફાયત હુસૈન, જાહિદુલ ઈસ્લામ, લિટન, ઉજજ્વલ, ઉમરનો સમાવેશ થાય છે, જ્યારે સમગ્ર મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ શબ્બીર અહમદ લોન ઉર્ફે રાજા ઉર્ફે કાશ્મીરી છે. મૂળ રીતે તે કંગન શ્રીનગરનો રહેવાસી છે. 2007 દિલ્હી સેલે તેને એકે47 અને ગ્રેનેડ સાથે પકડ્યો હતો, જે તિહાર જેલમાં રહી ચૂક્યો છે. શબ્બીરે પાકિસ્તાનના મુઝફ્ફરાબાદના કેમ્પમાં આતંકવાદી તરીકે તાલીમ લીધી છે, જે બાંગ્લાદેશમાં બેસીને ભારતમાં લશ્કરના ઓપરેશન ચલાવી રહ્યો છે.
હુમલા માટે બાંગ્લાદેશી નાગરિકોની ભરતી કરાતી
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંઝામ આપવા માટે ગેરકાયદે રીતે બાંગ્લાદેશી નાગરિકોની ભરતી કરતો હતો અને આ જ કામકાજ માટે ફંડિંગ મારફત કામ કરતો હતો, જેથી ભારતમાં આતંકવાદી હુમલા માટે મજબૂત નેટવર્ક બનાવી શકાય. આઠ આતંકવાદીની ધરપકડ પછી એજન્સી આ મોડ્યુલ નેટવર્કને સમજવા અને તેના સંબંધિત કડીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તપાસ પણ ચાલુ છે, જેથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી હોનારત ટળી
6 આતંકવાદીને તમિલનાડુથી અને બેને પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાથી પકડ્યા છે. પકડવામાં આવેલા આતંકવાદીઓને દિલ્હી લાવવામાં આવ્યા છે, જ્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એના પહેલા સુરક્ષા એજન્સીએ દિલ્હીમાં રેડ ફોર્ટ નજીક વિસ્ફોટ કરવાને લઈ એલર્ટ પણ આપ્યું હતું, જ્યારે પંજાબમાંથી વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીઓની ધરપકડ કરીને સૌથી મોટા આતંકી હુમલાને ટાળ્યો છે. આ મોડ્યુલ ભારતમાં સંવેદનશીલ ઠેકાણાની રેકી કરીને મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.