નવી દિલ્લીઃ દક્ષિણ દિલ્લીના માલવિયાનગર વિસ્તારની ગીચ ગલીમાં આવેલી એક હૉટલમાં લાગેલી ભીષણ આગમાં ગઈકાલે 21 લોકોનાં મૃત્યુ થયા હતા. ઈમારતમાં આગ લાગ્યા બાદ ઘણા લોકો જીવ બચાવવા માટે બારી અને બાલકનીમાં લટકી રહ્યા હતા. આ દરમિયાન એક દુકાનદારે લોકો સરળતાથી નીચે કૂદી શકે અને તેમને ઈજા ન થાય તે માટે તેની દુકાનમાંથી તમામ ગાદલા કાઢીને હોટલ નીચે પાથરી દીધા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર આ વ્યક્તિની ચર્ચા થઈ રહી છે. લોકો તેને ગાદલાવાળા અંકલ કહીને બોલાવે છે. તેનું નામ અરમાન છે. મુસ્લિમ દુકાનદારે કરેલી આ કામગીરીની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે.
અરમાને જણાવ્યું કે, સવારે 5.30 કલાકે દુકાનની સામેની હૉટલમાં આગ લાગ્યાનો તેના પર ફોન આવ્યો હતો. ફોન કરનારા વ્યક્તિએ આગથી દુકાનનો સામાન બચાવી લેવાની સલાહ આપી હતી. જ્યારે તે પહોંચ્યો ત્યારે દ્રશ્ય જોઈને હચમચી ઉઠ્યો હતો. હૉટલના ગ્રાઉન્ડ ફ્લોરથી આગની જવાળાઓ ઉપર જઈ રહી હતી. ચારે બાજુ અફરાતફરી હતી. લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા.
આ સમયે અરમાને નુકસાનની ચિંતા કર્યા વગર પોતાની દુકાનના તમામ ગાદલાને લોકોની જિંદગી બચાવવા માટે હોટલની પાસે ખડકી દીધા. જેના કારણે 7 લોકોનો જીવ બચ્યો હતો. આ ઉપરાંત એમ્બ્યુલન્સ સુધી લોકોને પહોંચાડી શકાય તે માટે તમામ ચાદર પણ આપી દીધી હતી.
અરમાનની દુકાનમાં રહેલી ચાદરની મદદથી ઘાયલ લોકો અને સળગેલી બોડી બહાર કાઢીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. અરમાને કહ્યું કે, લોકો મારા નુકસાનની વાત કરી રહ્યા છે પરંતુ મારું માનવું છે કે અલ્લાહે આજે મને કોઈકનો જીવ બચાવવાની જવાબદારી આપી હતી.
Horrifying visuals of rescue aided by residents in Malviya Nagar after the fire in the Hotel. Individuals, in desperate attempt had to jump from second & third floors to save themselves. Total death toll stands at 21, with 18 foreign nationals among deceased pic.twitter.com/HLLfui4OcC
— Simran (@SimranBabbar_05) June 3, 2026