Fri May 01 2026

Logo

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ સહિત 23 આરોપીઓને હાઈકોર્ટની નોટિસ...

2026-03-09 15:05:37
Author: Devayat Khatana
Article Image

ANI


નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં સીબીઆઈ (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત ૨૩ લોકોને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય વિરુદ્ધ સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે કેજરીવાલ સહિત તમામ ૨૩ પ્રતિવાદીઓને નોટિસ જારી કરી છે અને આગામી સુનાવણી ૧૬ માર્ચના રોજ નક્કી કરી છે. જોકે, સીબીઆઈ માટે આંચકાજનક વાત એ રહી કે કોર્ટે ટ્રાયલ કોર્ટના મુક્તિના આદેશ પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ કેસને દેશની રાજધાનીના ઇતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંનું એક ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કૌભાંડની ખૂબ તર્કબદ્ધ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે અને હવાલા મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે. 

તેમણે એવું પણ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા કલમ ૧૬૪ના નિવેદનો સ્પષ્ટ કરે છે કે કઈ રીતે ષડયંત્ર રચાયું અને લાંચ આપવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિજય નાયર નામના વ્યક્તિ દ્વારા અંદાજે ૧૦૦ કરોડની લાંચ લેવામાં આવી હતી, જેમાંથી ૪૪.૫૦ કરોડ રૂપિયા ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા.

કોર્ટમાં રજૂ કરાયેલી દલીલો મુજબ, સીબીઆઈએ ઈમેલ અને વોટ્સએપ ચેટ જેવા પુરાવાઓ એકત્રિત કર્યા છે. એસજી તુષાર મહેતાએ ટ્રાયલ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, માત્ર ૧૨ દિવસની અંદર ૬૦૦ પાનાનો ચુકાદો આપી દેવામાં આવ્યો. તેમણે ઉમેર્યું કે ન્યાય જલ્દી મળવો જોઈએ તે સારી વાત છે પરંતુ તેનું પરિણામ ખોટું ન હોવું જોઈએ. કૌભાંડ ક્યારેય ખુલ્લેઆમ નથી રચાતું, તેને સાબિત કરવા માટે તમામ કડીઓને જોડવી પડતી હોય છે. સીબીઆઈની આ દલીલો વચ્ચે હાઈકોર્ટે તપાસ અધિકારી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર હાલ રોક લગાવી દીધી છે.

હાઈકોર્ટે આ મામલે વધુ સ્પષ્ટતા કરતા નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી હાઈકોર્ટ સીબીઆઈની રિવિઝન અરજી પર કોઈ આખરી નિર્ણય ન લે, ત્યાં સુધી ટ્રાયલ કોર્ટે ઈડી (ED) સંબંધિત કેસની કાર્યવાહીને ટાળવી જોઈએ. આમ, ભલે કેજરીવાલ અને અન્ય આરોપીઓની મુક્તિ પર સ્ટે ન મળ્યો હોય, પરંતુ હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ આપીને આ ગંભીર કૌભાંડની ફેરતપાસના દ્વાર ખોલી દીધા છે. હવે ૧૬ માર્ચની સુનાવણી પર સૌની મીટ મંડાયેલી છે.