નવી દિલ્હીઃ દિલ્હી દારૂ નીતિ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દિલ્હી હાઈ કોર્ટ પહોંચી છે. આજે સ્પેશિયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકોને સીબીઆઈ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઈએ આ આદેશને પડકારતી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, દારૂ નીતિ કેસમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને અન્યોને નિર્દોષ જાહેર કરવાના સ્પેશિયલ કોર્ટના આદેશને પડકારતી સીબીઆઈએ દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ એજન્સીએ ઘણા મુદ્દાઓને ચિહ્નિત કર્યા છે જેને ખાસ કોર્ટ દ્વારા ચાર્જ ફ્રેમ કરતા સમયે નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા.
એજન્સીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે "સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે તાત્કાલિક હાઈ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે તપાસના ઘણા પાસાઓને અવગણવામાં આવ્યા છે અથવા પર્યાપ્ત રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા નથી."
કોર્ટે કેજરીવાલ, સિસોદિયા અને અન્ય 21 લોકોને દારુ નીતિ કેસમાં સીબીઆઈની ચાર્જશીટને સંજ્ઞાનમાં લેવાનો ઈનકાર કર્યો હતો. આ કેસમાં ક્લીન ચીટ આપવામાં આવેલા 21 લોકોમાં તેલંગણા જાગૃતિના પ્રમુખ કે કવિતાનો પણ સમાવેશ થાય છે.
સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે તપાસમાં ખામીઓ બદલ સીબીઆઈને ફટકાર લગાવતા કહ્યું કે કેજરીવાલ સામે કોઈ મજબૂત પુરાવા નથી અને સિસોદિયા અને અન્ય આરોપીઓ સામે કોઈ પ્રાથમિક કેસ નથી. સીબીઆઈએ અગાઉની આમ આદમી પાર્ટી સરકારની રાષ્ટ્રીય રાજધાની માટે હવે રદ કરાયેલી આબકારી નીતિના નિર્માણ અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે.