Wed Jun 17 2026

Logo

Dwarka SUV Crash: આરોપીના પિતાએ માંગી માફી, કહ્યું- 'હું પીડિત માતાનો સામનો કરવાની હિંમત નથી કરી શકતો...

2026-02-18 20:12:28
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીના દ્વારકામાં તાજેતરમાં થયેલા એસયુવી અકસ્માતના સગીર આરોપીના પિતાએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકના માતાની માફી માંગી હતી. તેમજ પોતે કોર્ટના નિર્ણયને સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ અકસ્માત ૩ ફેબ્રુઆરીના રોજ દ્વારકા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી એક એસયુવી મોટરસાઇકલ અને ટેક્સી સાથે ધડાકાભેર અથડાતા સર્જાયો હતો. એસયુવીનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. આ અકસ્માતમાં ૨૩ વર્ષીય સાહિલનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કેબ ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અકસ્માત સમયે ૧૭ વર્ષનો આરોપી કિશોર કાર ચલાવી રહ્યો હતો. યુવકના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતાં આરોપીના પિતાએ જણાવ્યું કે તેઓ તેમના મૃત્યુથી ખૂબ દુઃખી છે. તેમણે કહ્યું કે હું પુત્રને ગુમાવનાર માતાની દિલથી માફી માંગુ છું. હું તેમની માફી માંગવા તૈયાર છું અને કાયદો અને ન્યાયતંત્ર જે પણ નિર્ણય લેશે તેનું હું પાલન કરીશ.

તેમણે વધુમાં કહ્યું કે એક માતાપિતા તરીકે તેઓ શોકગ્રસ્ત પરિવારનું દુઃખ સમજી શકે છે. ભાવુક થઇને તેમણે કહ્યું કે હું દુઃખી માતાનો સામનો કરવાની હિંમત કરી શકતો નથી કારણ કે હું ક્યારેય તેમના નુકસાનની ભરપાઇ કરી શકું તેમ નથી.