Sat Sep 12 2026

Logo

પાકિસ્તાનથી નેપાળ સરહદ મારફતે ભારતમાં ઘુસાડાતા વિદેશ હથિયારોનું રેકેટ ઝડપાયું

2026-03-25 11:04:00
Author: Mumbai Samachar Team
પાકિસ્તાનથી નેપાળ સરહદ મારફતે ભારતમાં ઘુસાડાતા વિદેશ હથિયારોનું રેકેટ ઝડપાયું

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ એક એવા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેના તાર પાકિસ્તાન અને નેપાળ સાથે જોડાયેલા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સપાટો બોલાવીને અત્યંત ઘાતક અને વિદેશી હથિયારોની હેરાફેરી કરતા મોડ્યુલને તોડી પાડ્યું છે. આ હથિયારો માત્ર ગુનાખોરી જ નહીં, પરંતુ દેશની સુરક્ષા સામે પણ મોટો ખતરો ઉભો કરી શકે તેમ હતા. પોલીસે આ મામલે 10 શખ્સોની ધરપકડ કરીને આખા નેટવર્કને ખુલ્લું પાડ્યું છે.

આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચેક રિપબ્લિકની સબ-મશીનગન, ઇટાલીની બેરેટા અને જર્મનીની વાલ્થર જેવી 21 હાઈ-એન્ડ વિદેશી પિસ્તોલ અને 200 જીવતા કારતૂસ મળી આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જપ્ત કરાયેલા હથિયારોમાં PX-5.7 પિસ્તોલ પણ સામેલ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે વિશ્વની સ્પેશિયલ ફોર્સ (Special Forces) દ્વારા જ કરવામાં આવે છે. આ તમામ હથિયારો દિલ્હી-એનસીઆરના કુખ્યાત ગેંગસ્ટરોને સપ્લાય કરવાના હતા.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આખું મોડ્યુલ દિલ્હીના વોલ સિટી (જૂની દિલ્હી) વિસ્તારમાંથી ઓપરેટ થતું હતું. હથિયારોની સપ્લાય ચેઈન પાકિસ્તાનથી શરૂ થતી હતી. પાકિસ્તાનથી આ હથિયારો નેપળ મોકલવામાં આવતા અને ત્યાંથી ભારત નેપાળ સરહદ દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતા હતા. ભારતની સરહદમાં પ્રેવશ્યા બાદ આ હથિયારો દિલ્હી અને તેની આસપાસના રાજ્યોના અપરાધીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આ મોડ્યુલના સભ્યોની હતી. 

આટલી મોટી માત્રામાં અને અદ્યતન હથિયારો મળી આવતા હવે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ હથિયારોનો ઉપયોગ કોઈ મોટી આતંકી ઘટના અથવા અરાજકતા ફેલાવવા માટે કરવાનો હતો કે કેમ. આ હથિયારોમાં ચીન નિર્મિત PX-3, તુર્કીની સ્ટોએગર અને બ્રાઝિલની ટોરસ જેવી સેમી-ઓટોમેટિક પિસ્તોલ પણ સામેલ છે, જે દર્શાવે છે કે આ રેકેટ ઘણું ઊંડું છે. હાલમાં 10 ઓપરેટિવ્સની સઘન પૂછપરછ ચાલી રહી છે.