નવી દિલ્હીઃ એઆઈ ઇમ્પેક્ટ સમિટના સ્થળ પર વિરોધ કરવા બદલ ધરપકડ કરાયેલા ભારતીય યુથ કોંગ્રેસ (આઈવાયસી)ના કાર્યકરોનું વર્તન અસહમતિ વ્યક્ત કરવાની યોગ્ય રીત નહોતી પરંતુ "સાર્વજનિક વ્યવસ્થા પર એક સીધો હુમલો" હતો જેણે દેશની "કૂટનીતિ છબિ"ને પણ નુકસાન પહોંચાડ્યું છે, એમ દિલ્હીની એક કોર્ટે જણાવ્યું હતું.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિએ શનિવારે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે ભારત મંડપમમાં "શર્ટ ઉતારીને" વિરોધ કરવા બદલ ધરપકડ કરાયેલા ભારતીય યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોને તેમની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસને વિરોધીઓને પૂછપરછ માટે પાંચ દિવસ માટે કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી હતી.
મેજિસ્ટ્રેટે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની મંજૂરી માંગતી દિલ્હી પોલીસની અરજી સ્વીકારવાના કારણો સમજાવતા કહ્યું હતું કે આરોપી બિહાર, ઉત્તર પ્રદેશ અને તેલંગણાના દૂરના વિસ્તારોના છે જેના કારણે તેઓની ફરાર થવાની શક્યતા વધારે છે. કોર્ટે કહ્યું હતું કે "પ્રારંભિક તપાસ પરથી બાહ્ય ષડયંત્ર સાથે સંબંધો હોવાના સંકેત મળવાની સ્થિતિમાં આ વધુ ગંભીર બને છે, એ મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલા આદેશની નકલ પણ જોઈ છે.
મેજિસ્ટ્રેટ રવિ દ્વારા પસાર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે વિરોધ પ્રદર્શનોએ માત્ર કાર્યક્રમની પવિત્રતાને જ જોખમમાં નાખી નથી, પરંતુ દેશની રાજદ્વારી છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "આરોપીઓ પર આરોપ છે કે તેમણે વૈશ્વિક પ્રતિનિધિઓ અને મહાનુભાવોની હાજરી ધરાવતા મુખ્ય આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટ 2026 દરમિયાન ભારત મંડપમના હાઈ સિક્યોરિટી ધરાવતા પરિસરમાં ઘૂસવાનું સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે વિરોધીઓએ કથિત રીતે "ઉશ્કેરણીજનક સૂત્રો" સાથેની ટી-શર્ટ પહેરી હતી જેમાં "ભારત-અમેરિકા વેપાર કરાર દરમિયાન વડા પ્રધાન ઝૂકી" ગયાનું વાંધાજનક સૂત્ર લખ્યું હતું. પ્રદર્શનકારીઓએ જાહેર સેવકોને તેમની ફરજો નિભાવવાથી અટકાવ્યા હતા અને પોલીસ કર્મચારીઓ પર શારીરિક હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓના ઘણા સહયોગીઓ કદાચ ફરાર છે, જેઓ ડિજિટલ પુરાવા, નાણાકીય લીડ્સ વગેરે સાથે છેડછાડ કરી શકે છે. તેમણે ભાર મૂક્યો હતો કે કથિત ગુનાઓની "સંપૂર્ણ તપાસ" જરૂરી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
કોર્ટે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓને 25 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપવામાં આવે છે. ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓમાં બિહારના યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કૃષ્ણા હરિ, બિહારના યુવા કોંગ્રેસના રાજ્ય સચિવ કુંદન યાદવ, ઉત્તર પ્રદેશના યુવા કોંગ્રેસના રાજ્ય પ્રમુખ અજય કુમાર અને તેલંગણાના નરસિંહ યાદવનો સમાવેશ થાય છે.