ગાંધીનગરઃ ગુજરાત સરકારનું દેવું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે.સરકારની કરવેરાની આવક અને કરવેરા સિવાયની આવક જોરદાર વધતી હોવા છતાં પણ સરકારનું દેવું બેફામપણે વધતું જાય છે જે ચિંતાની વાત છે. સરકારે દેવાને લઈ વિધાનસભામાં આંકડા જાહેર કર્યા હતા.
કોણે પૂછ્યો પ્રશ્ન
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યું, 31-12-2025ની સ્થિતિએ રાજ્યનું કુલ દેવું કેટલું છે, દેવું કોની પાસેથી કેટલી મુદત માટે ક્યારે લેવામાં આવ્યું છે અને દેવામાં વ્યાજદર શું છે તથા છેલ્લા બે વર્ષમાં વર્ષવાર કેટલા વ્યાજની અને મુદ્દલની ચૂકવણી કરવામાં આવી?
તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, નાણાકીય વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું કુલ બાકી જાહેર દેવું રૂ. 3,99,633 કરોડ છે. કેન્દ્રીય દેવું 7 થી 50 વર્ષની મુદત માટે વર્ષ 2000-01 થી 2024-25, એન.એસ.એસ.એફ લોન 10 થી 25 વર્ષની મુદત માટે વર્ષ 1999-00 થી 2015-16, નાણાકીય સંસ્થાઓની લોન 7 થી 15 વર્ષ સુધી વર્ષ 2016-17 થી 2024-25, બજાર લોન 2 થી 15 વર્ષ માટે વર્ષ 2015-16 અને 2024-25 લેવામાં આવેલ છે.
કેન્દ્રિય દેવાનો વ્યાજદર 0 ટકા થી 12.50 ટકા છે. 2023-24માં 510 કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. ઉપરાંત 1177 કરોડનું મુદ્દલ ચૂકવવામાં આવ્યું હતું. 2024-25માં સુધારેલા અંદાજ મુજબ 579 કરોડ વ્યાજ અને 835 કરોડ મુદ્દલ ચૂકવવામાં આવ્યું છે.
એન.એસ.એસ.એફ લોનનો વ્યાજદર 9.50 ટકાથી 10.50 ટકા છે. 2023-24માં 2390 કરોડ વ્યાજ અને 3629 કરોડ મુદ્દલ ચૂકવાયું હતું. જ્યારે 2024-25માં સુધારેલા અંદાજ પ્રમાણે 2038 કરોડ વ્યાજ અને 3629 કરોડ મુદલ ચૂકવ્યું છે.
નાણાકીય સંસ્થાઓની લોનનો વ્યાજદર 2.75 ટકા થી 8.10 ટકા છે. 2023-24માં 758 કરોડ વ્યાજ અને 2779 કરોડ મુદ્દલ ચૂક્વ્યું હતું. જ્યારે 2024-25ના સુધારેલા અંદાજ મુજબ 888 કરોડ વ્યાજ અને 2701 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું.
બજાર લોન 6.04 ટકાથી 8.79 ટકાના દરે લેવામાં આવી છે. 2023-24માં 21,305 કરોડ વ્યાજ અને 18,551 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું. જ્યારે 2024-25માં સુધારેલા અંદાજ પ્રમાણે 22,440 કરોડ વ્યાજ અને 21,922 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું.
દેવું પણ વધ્યું
2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3,77,962 કરોડ થયું હતું.