Mon Jun 08 2026

Logo

વાકોલા-બીકેસી એલિવેટેડ રોડ ખુલ્લો મુકાવાની ડેડલાઈન ફરી લંબાઈ...

2026-03-15 18:20:25
Author: Sapna Desai
Article Image

MMRDA


સાંતાક્રુઝથી બીકેસીનું અંતર ૫ાંચથી દસ મિનિટમાં કાપી શકાશે 

મુંબઈ
: મુંબઈમાં હાલ અનેક ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે, જેમાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પ્રોજેક્ટનો જ એક ભાગ ગણાતા વાકોલાથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) એલિવેટેડ રોડ એક મહત્ત્વનો રોડ ગણાય છે. આ રોડ અગાઉ માર્ચ અંત સુધીમાં ખુલ્લો મુકવામાં આવશે એવી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જાહેરાત કરી હતી પણ અમુક ટેક્નિકલ કામ હજી બાકી હોવાથી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં હજી વિલંબ થવાની શક્યતા છે.

એમએમઆરડીએના જણાવ્યા અનુસાર વાકાલો પરિસરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસેના પુલ પર એક મહત્વનો ગર્ડર બેસાડવાનું કામ હજી બાકી છે. તે વિસ્તારનો રસ્તો વળાંકવાળો હોવાથી આ કામ બહુ સાવધાનીપૂર્વક કરવાનું પડવાનું છે. તેથી ટ્રાફિક બ્લોક લઈને આ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી પ્રોજેક્ટનું બાકીનું કામ એપ્રિલ મહિનામાં ઢકેલવામાં આવ્યું છે.
વાકોલોથી બીકેસી દરમ્યાન ૧.૨ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ પ્રોજેક્ટ માટે અંદાજે ૬.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ રોડ પર બંને બાજુએ બે-બે લેન હશે. આ રોડ વાકોલા જંકશન, આંબેડકર ચોક, યુનિવર્સટી જંકશન અને બીકેસી જંકશન આ મહત્ત્વના સ્થળોને જોડશે, તેથી આ પરિસરમાં આવતા-જતા વાહનો માટે એક નવો પર્યાયી માર્ગ ઉપલબ્ધ થવાનો છે.

હાલ સાંતાક્રુઝથી બીકેસીનું અંતર કાપવા માટે ૩૦થી ૩૫ મિનિટનો સમય લાગે છે. આ એલિવેટેડ રોડ શરૂ થયા બાદ આ પ્રવાસ ફક્ત પાંચથી ૧૦ મિનિટમાં પૂરું કરી શકાશે. આ રોડ પર  સિગ્નલરહિત હશે અને ટ્રાફિક મુક્ત હશે.

આ પ્રોજેક્ટને કારણે વાકોલા, આંબેડકર ચોક, યુનિવર્સિટી પરિસર અને બીકેસી જેવા મહત્ત્વના વિસ્તારમાં જવું સરળ થઈ રહેશે. તેમ જ વેસ્ટર્ન એક્સપ્રેસ પરથી દહિસર દિશા તરફ જતા વાહનોને પણ રોડનું એક્સિસ મળશે. તેથી પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગર દરમ્યાન પ્રવાસ કરનારા વાહનો માટે આ રોડ મહત્ત્વનો સાબિત થશે.