Mon Oct 05 2026

Logo

ડે-કૅર પ્રોસિજર તથા ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ: તમારી હેલ્થ પૉલિસીમાં શું કવર થાય છે?

2026-09-08 07:43:00
Author: Nisha Sanghvi
ડે-કૅર પ્રોસિજર તથા ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ: તમારી હેલ્થ પૉલિસીમાં શું કવર થાય છે?

નિશા સંઘવી

આજકાલ મેડિકલ સાયન્સ એટલું આગળ વધ્યું છે કે ઘણી બધી સર્જરી અને ટ્રિટમેન્ટ હવે એક દિવસમાં, ક્યારેક તો ગણતરીના કલાકોમાં જ પૂરી થઈ જાય છે. પહેલાં જે ઑપરેશન માટે હૉસ્પિટલમાં ત્રણ-ચાર દિવસ રહેવું પડતું હતું, એ જ ઑપરેશન આજે સવારે દાખલ થઈને સાંજે ઘરે જવા મળે એટલી ઝડપથી થાય છે. આને કારણે હેલ્થ ઇન્સ્યોરન્સમાં ‘ડે -કૅર પ્રોસિજર’ નામનો એક મહત્ત્વનો કન્સેપ્ટ આવ્યો છે જે વિશે મોટાભાગના પૉલિસીધારકોને પૂરી જાણકારી નથી હોતી અને એની સાથે જોડાયેલો બીજો એક ક્ધસેપ્ટ છે ‘ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ’ - એટલે કે ઘરે લેવાયેલી સારવાર. બન્ને વિશે સ્પષ્ટ સમજ ન હોય તો ક્લેમ વખતે તકલીફ પડી શકે છે.

ડે- કૅર પ્રોસિજર એટલે શું?

સામાન્ય રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં એવો નિયમ હોય છે કે ક્લેમ મળવા માટે દર્દીએ ઓછામાં ઓછા 24 કલાક હૉસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી છે. હા, મોતિયાનું ઑપરેશન (કેટરેક્ટ), ડાયાલિસિસ, કિમોથેરાપી, ટોન્સિલ કાઢવાનું ઑપરેશન, લિથોટ્રિપ્સી (પથરી તોડવાની ટ્રિટમેન્ટ), એન્ડોસ્કોપી જેવી ટ્રિટમેન્ટ જેવી ઘણી સારવાર હવે ઍડ્વાન્સ ટેક્નૉલૉજીને કારણે 24 કલાકથી ઓછા સમયમાં જ પૂરી થઈ જાય છે. આ પ્રકારની ટ્રિટમેન્ટને ‘ડે-કૅર પ્રોસિજર’ કહેવાય છે અને મોટા ભાગની આજની હેલ્થ પૉલિસી આ ટ્રિટમેન્ટને 24 કલાકના નિયમમાંથી બાકાત રાખીને પૂરેપૂરું કવર આપે છે.

દરેક ઇન્સ્યોરન્સ કંપની પોતાની પૉલિસીમાં ડે-કૅર પ્રોસિજરનું એક લિસ્ટ આપે છે. કોઈ કંપની 140થી વધુ પ્રોસિજર કવર કરે છે તો કોઈ કંપની ઓછી એટલે પૉલિસી લેતાં પહેલાં આ લિસ્ટ ધ્યાનથી ચેક કરવું જોઈએ. જો તમારી કોઈ ચોક્કસ ટ્રિટમેન્ટ એ લિસ્ટમાં ન હોય તો ક્લેમ વખતે ‘24 કલાકથી ઓછો’ કહીને ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા રહે છે.

ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ એટલે શું?

ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ એ ડે-કૅર કરતાં તદ્દન અલગ ક્ધસેપ્ટ છે. જ્યારે દર્દીની તબિયત એટલી ગંભીર હોય કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી હોય, પણ કોઈ કારણસર - જેમ કે દર્દીને હૉસ્પિટલ સુધી ખસેડી શકાય એમ ન હોય  અથવા હૉસ્પિટલમાં બેડ ખાલી ન હોય - ડૉક્ટરની સલાહથી ઘરે જ સારવાર લેવામાં આવે ત્યારે તેને ‘ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ’ કહે છે. મોટાભાગની પૉલિસીમાં આ ટ્રિટમેન્ટ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલવી જરૂરી છે અને ડૉક્ટરનું લેખિત પ્રમાણપત્ર જોઈએ કે દર્દીને હૉસ્પિટલમાં ખસેડી શકાય એમ નહોતું.

અહીં ધ્યાન રાખવા જેવી અગત્યની વાત એ છે કે મોટાભાગની પૉલિસીમાં અસ્થમા, બ્રોન્કાઇટિસ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર જેવી કેટલીક સામાન્ય બીમારીઓ ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ કવરમાંથી બાકાત રાખવામાં આવે છે, કારણ કે આ બીમારીઓની સારવાર સામાન્ય રીતે ઘરે જ ચાલતી હોય છે એટલે પૉલિસી ડૉક્યુમેન્ટમાં આ એક્સક્લુઝન લિસ્ટ પણ ધ્યાનથી વાંચવું 

પૉલિસી લેતી વખતે શું ધ્યાન રાખવું?

1) પૉલિસી ડૉક્યુમેન્ટમાં ડે-કૅર પ્રોસિજરનું સંપૂર્ણ લિસ્ટ માગો અને વાંચો - ખાસ કરીને તમને કે ઘરના સભ્યોને જે ટ્રિટમેન્ટની જરૂર પડી શકે એમ હોય એ લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરો.
2) ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ કવર છે કે નહીં અને એની વિવિધ શરત તથા બાકાત બીમારીઓનું લિસ્ટ શું છે એ સમજી લો.
3) ઘરમાં કોઈ સિનિયર સિટિઝન હોય અથવા લાંબી બીમારીની શક્યતા હોય તો આ બંને કવર ખાસ મહત્ત્વના બની જાય છે.

4) ક્લેમ કરતી વખતે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, સારવારના બિલ અને જરૂરી પ્રમાણપત્રો સાચવી રાખો.
5) કોઈ પણ શંકા હોય તો પૉલિસી ખરીદતાં પહેલાં જ ઇન્સ્યોરન્સ કંપની અથવા તમારા ઍડ્વાઇઝરને પૂછી લો.

નિષ્કર્ષ

હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે માત્ર પ્રીમિયમ કે સમ ઇન્સ્યોર્ડ જોઈને નિર્ણય ન લેવો જોઈએ. ડે કૅર પ્રોસિજર અને ડોમિસિલિયરી ટ્રિટમેન્ટ જેવી નાની પણ મહત્ત્વની જોગવાઈઓ ક્લેમ વખતે મોટો ફરક પાડી શકે છે. પૉલિસી ડૉક્યુમેન્ટ ધ્યાનથી  વાંચવાની અને જરૂર પડે ત્યાં સવાલ પૂછવાની ટેવ પાડો, જેથી જરૂરિયાતના સમયે ક્લેમ રિજેક્ટ થવાની તકલીફ ટાળી શકાય.