Mon Jul 27 2026

Logo

‘દાઉદ IPLમાં ફિક્સિંગ ઇચ્છતો હતો, મારા પુત્રનું અપહરણ કરાવ્યું’; લલિત મોદીનો અંડરવર્લ્ડ પર મોટો ખુલાસો

2026-06-05 11:47:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ કમિશનર લલિત મોદીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેમને દાઉદ ઇબ્રાહિમ તરફથી ધમકીઓ મળી હતી. આ સાથે જ 62 વર્ષના મોદીએ એવું પણ જણાવ્યું કે તેમના પર ત્રણ વખત જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ પણ થયો હતો. એટલું જ નહીં, લંડનમાં તેમના દીકરાનું અપહરણ પણ કરાવવામાં આવ્યું હતું.

લલિત મોદીએ જણાવ્યું કે, "આ જ સૌથી મોટું કારણ છે. તેણે (દાઉદ ઇબ્રાહિમે) મારા પર ત્રણ વખત જીવલેણ હુમલા કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. દાઉદે પોતે આ વાત કહી હતી. તે ત્રણ વખત નિષ્ફળ રહ્યો. તેનું કારણ એ હતું કે મેં તેની મેચ ફિક્સ કરવાની વાત નહોતી માની. જો તમે પહેલા ત્રણ વર્ષ જુઓ જ્યારે મેં મેનેજમેન્ટ સંભાળ્યું હતું, ત્યાં સુધી બિલકુલ ફિક્સિંગ નહોતું થયું. માફિયાઓને આ જ વાત પસંદ ન આવી."

"બોમ્બે પોલીસ પાસે દરેક વાતનું રેકોર્ડિંગ છે. બોમ્બે પોલીસે મને Z સિક્યોરિટી (સુરક્ષા) પણ આપી હતી. બોમ્બેમાં મારા ઘરની બહાર શૂટઆઉટ (ગોળીબાર) થયો હતો. જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં મારા પર હુમલાના પ્રયાસો થયા હતા, પરંતુ સાઉથ આફ્રિકાની સરકારે મને બચાવ્યો હતો."

મોદીએ આગળ જણાવ્યું કે, "મોન્ટેનેગ્રોમાં પણ મારા પર હુમલાનો પ્રયાસ થયો હતો. લંડનમાં મારા દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. મેં આ વાત ક્યારેય કોઈને નથી જણાવી. મારી પર રાત્રે 3.30 વાગ્યે એ માણસનો ફોન આવ્યો જે આઈપીએલ (IPL) મેચો પર નજર રાખતો હતો. તે લંડનમાં રહેતો હતો અને ફિક્સિંગની ડીલ કરનારો માણસ લાગતો હતો. તેણે કહ્યું કે તમારે આવવું પડશે અને 'બાબા' નામના માણસને તરત જ મળવું પડશે. હું બાબાના પેન્ટહાઉસ પર ગયો, ત્યાં એમ. એફ. હુસૈનની એક પછી એક પેઇન્ટિંગ્સ લાગેલી હતી. તેણે કહ્યું કે મને આઈપીએલ ટીમ જોઈએ છે. મેં કહ્યું કે મને દાઉદ સાથે સમસ્યા છે. તેણે કહ્યું ઊભા રહો, હું એક મિનિટમાં બધું સરખું કરી દઉં છું."

પૂર્વ આઈપીએલ ચીફે આગળ કહ્યું, "તે પોતાની અગાશી (છત) પર ગયો અને સેટેલાઇટ ફોનથી દાઉદને ફોન લગાવી દીધો. મેં જ્યારે દાઉદ સાથે ફોન પર વાત કરી ત્યારે તે ક્યાં હતો તેની મને ખબર નથી. આ મારું રેકોર્ડ થયેલું નિવેદન છે. દાઉદે કહ્યું કે મેં લલિત મોદી સાથેના બધા વિવાદો ઉકેલી લીધા છે. પરંતુ મેં કંઈ પણ નહોતું ઉકેલ્યું અને મેં કહ્યું કે હું ક્રિકેટમાંથી નિવૃત્ત (રિટાયર) થઈ જઈશ."

રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન મારા નામનો ઉપયોગ કર્યો

આઈપીએલ (IPL) ના પૂર્વ ચીફે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. મોદીના જણાવ્યા અનુસાર, ક્રિકેટ સાથે ભારતીયોના ભાવનાત્મક જોડાણને કારણે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર અને રાજકીય ભાષણો દરમિયાન વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે. તેમણે દાવો કર્યો કે "જ્યારે પણ ચૂંટણી આવે છે" ત્યારે રાહુલ ગાંધી જનતાની લાગણીઓને ભડકાવવા અને રાજકીય ફાયદો મેળવવા માટે તેમના પર પ્રહારો કરે છે.