અમદાવાદઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ટેકનોલોજીની ક્ષેત્રમાં ચમત્કાર માની તેનો ઉપયોગ કરનારો એક મોટો વર્ગ છે, પરંતુ ઘણા નિષણાતો વારંવાર ચેતવી રહ્યા છે કે એઆઈનો દુરુપયોગ મોટી સમસ્યાઓને નોતરી શકે છે. હાલમાં ગુજરાતના ડિરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ(ડીએફએસ)ને આનો અનુભવ થઈ રહ્યો છે. વીડિયોને એનાલાઈઝ કરનારી ડિજિટલ ફોરેન્સિક એકસપર્ટ્સની ટીમ પાસે આવા ઢગલાબંધ કેસ આવે છે.
એઆઈ એ ઑડિઓ, વિડિયો અને ઈમેજ બનાવવાનું ભલે સરળ બનાવ્યું હોય, પરંતુ બીજી બાજુ તેનો દુરુપયોગ કોઈને બદનામ કરના કે રમૂજના નામે તેની છબિ ખરડવા માટે થઈ રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર ડીએફએસ પાસે આવા કેસોની ભરમાર છે. 2023 દરમિયાન આવા 815 કેસોની સરખામણીમાં, ફક્ત 2026ના પહેલા છ મહિનામાં 687 કેસ અહીં નોંધાયા છે.
મહિના પ્રમાણે, 2023માં 68 કેસ નોંધાયા હતા, જે 2026માં વધીને 115 થયા છે, ડીએફએસ ડેટા અનુસાર જાન્યુઆરીથી જૂન 2026 સુધીમાં 687 કેસમાંથી પચાસ ટકા કેસ પોલીસ એજન્સી ખરાઈ માટે મોકલવામાં આવેલી ઓડિયો ક્લિપ્સ છે, ત્યારબાદ ઈમેજ સંબંધિત કેસ 36% અને વિડિઓ સંબંધિત કેસ 14% છે.જોકે નિષ્ણાતોના કહેવા અનુસાર એઆઈ આરોપીને પણ બક્ષતું નથી. આધુનિક ટેકનોલોજી મોટાભાગના કેસમાં આરોપી વિરુદ્ધ પુરાવા મેળવી લે છે. જોકે આ પ્રકારના કેસમાં ઘણો વધારો થયો હોવાનું નિષ્ણાતો સ્વીકારે છે.
2025 અને 2026માં ઘણા કેસમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ તપાસ માટે આવતી ફાઈલના અલગ અલગ લેયર્સને તપાસે છે. આ આધુનિસ સાધનો વીડિયો કે ઓડિયો કૃત્રિમ છે કે ઓરિજિનલ છે તે જણાવે છે. આ સાથે એ આઈનો ઉપયોગ થયો છે કે નહીં તે પણ જણાવે છે. આ સાથે વાંધાજનક ફાઈલો માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તે પણ જણાવે છે, તેવી માહિતી નિષ્ણાતોએ આપી હતી.