Wed Sep 16 2026

Logo

પ્રેમિકાના દિયરની પથ્થર ફટકારી નિર્દયતાથી હત્યા: આરોપીની ધરપકડ

2026-05-27 18:24:00
Author: Yogesh C. Patel
પ્રેમિકાના દિયરની પથ્થર ફટકારી નિર્દયતાથી હત્યા: આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ભાભી સાથેના પ્રેમસંબંધનો અંત લાવવાનું સમજાવવા ગયેલા દિયરને પથ્થર ફટકારી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના દહિસરમાં બનતાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી હતી.

દહિસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ રામ ખોબ્રાજી દુધાટે (35) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીને પહેલી જૂન સુધી પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ દહિસર પૂર્વમાં ડોંગરી કેતકી પાડા ખાતે સોમવારની રાતે સાગર સુગીરે (29) પર હુમલો થયો હતો. સારવાર દરમિયાન નાયર હૉસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. સાગરનો પરિવાર અગાઉ ડોંગરી કેતકી પાડાની નચડી ભૈયાજી ચાલમાં આરોપીની પડોશમાં રહેતો હતો.

કહેવાય છે કે લૉકડાઉનના ગાળામાં આરોપી દુધાટ અને સાગરની ભાભી વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. બન્નેને વાતચીત કરતાં બેથી ત્રણ વાર જોયા પછી સાગરના મોટા ભાઈ મહેશે દુધાટને સમજાવ્યો હતો અને તેની પત્નીથી દૂર રહેવાનું કહ્યું હતું, પરંતુ દુધાટ માનવા તૈયાર નહોતો.

કહેવાય છે કે આરોપીથી પીછો છોડાવવાને ઇરાદે મૃતકનો પરિવાર મીરા રોડના પેણકરપાડામાં જઈને વસ્યો હતો. જોકે આરોપી ત્યાં પછી મૃતકની ભાભીને મળવા જતો. આ સંબંધનો અંત લાવવાનું સમજાવવા મૃતક સાગર દહિસરમાં આરોપીને ઘેર આવ્યો હતો. સાગર મધ્યસ્થી કરતો હોવાથી ગુસ્સામાં આરોપીએ તેની સાથે મારપીટ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ પથ્થર મારી સાગરને ગંભીર જખમી કર્યો હતો. પછી ડુંગરાળ પરિસરમાંથી નીચે ફેંકી દેતાં સાગર બેભાન થઈ ગયો હતો. તેમ છતાં આરોપીએ સાગરને ફરી પથ્થર ફટકાર્યો હતો. આ પ્રકરણે સાગરના ભાઈની ફરિયાદને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.