ચેન્નઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકરણમાં મોટા ફેરફારના સંકેતો દેખાઈ રહ્યા છે. અભિનેતા સી જોસેફ વિજયની બે વર્ષ પહેલા બનેલી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એ સૌથી વધુ બેઠકો જીતી છે, પરંતુ બહુમતીથી 10 બેઠકો ઓછી રહી ગઈ. એવામાં અહેવાલ છે કે કોંગ્રેસ TVKને ટેકો આપી શકે છે.
આ રીતે બની શકે છે સરકાર:
તમિલનાડુ વિધાનસભામાં કુલ 234 બેઠકો છે, TVKએ 108 બેઠકો જીતી છે, બહુમતી માટે 118 બેઠકો હોવી જરૂરી, આમ TVKને વધુ 10 વિધાન સભ્યોનો ટેકો જરૂરી છે. કોંગ્રેસે પાંચ બેઠકો જીતી છે, અને કોંગ્રેસના સમર્થનથી TVK પાસે સંખ્યાબળ 113 થશે. CPIM એ પણ સંકેત આપ્યો છે કે તે પણ TVKને ટેકો આપી શકે છે. CPIM પાસે બે બેઠકો છે, જેથી TVKનું સંખ્યાબળ 115 થશે. બે-બે બેઠકો ધરાવતી CPI અને IUML પણ TVK ને ટેકો આપે તેવી અપેક્ષા છે, જો આવું થશે તો TVKનો સરકાર બનાવવાનો માર્ગ મોકળો બની જશે.
INDIA ગઠબંધનમાં પડી શકે છે તિરાડ:
કોંગ્રેસે મંગળવારે જણાવ્યું કે "બંધારણના રક્ષણ" અને “ધર્મનિરપેક્ષ મૂલ્યોના હિત”માં તેમણે તમિલનાડુમાં TVKને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના TVKને ટેકો આપવાના પગલાથી તમિલનાડુમાં વિરોધ પક્ષોના INDIA ગઠબંધનમાં ઉથલપાથલ થઇ શકે છે. દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK) સાથે કોંગ્રેસના 22 વર્ષ જૂના જોડાણમાં તિરાડ પડી શકે છે.
આજે વિજય રાજ્યપાલને મળશે:
અહેવાલ મુજબ વિજય આજે બુધવારે ચેન્નાઈમાં આવેલા લોકભવનમાં તમિલનાડુના રાજ્યપાલ પ્રભારી રાજેન્દ્ર આર્લેકરને મળે તેવી શક્યતા છે. રાજ્યપાલ સાથે બેઠક બાદ પાર્ટી શપથ ગ્રહણ અને મંત્રીમંડળની રચના અંગે નિર્ણય લઇ શકે છે. અહેવાલ મુજબ શપથ ગ્રહણ સમારોહ 7 મેના રોજ યોજાઈ શકે છે.
જો કે TVK તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.