Tue Jul 28 2026

Logo

સંપૂર્ણ અર્થશાસ્ત્ર

2026-06-30 09:13:00
Author: Gaurav Mashroowala
Article Image

ગૌરવ મશરૂવાળા

આ પુસ્તક લખતાં પહેલાં હું સ્વર્ગસ્થ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, કે જેમને તેમના શિષ્યો આદરપૂર્વક પૂજ્ય દાદા તરીકે સંબોધે છે. તેમની શ્રીસુકતમ પરની ટિપ્પણી ફરી એક વાર વાંચી ગયો. જેટલી વખત આ લખાણ વાંચું છું ત્યારે દર વખતે મને નવા નવા દૃષ્ટિકોણ મળે છે. આ શાસ્ત્ર માટે ખરેખર એક જ શબ્દ વાપરી શકાય તેમ છે- અદ્ભુત. પૂજ્ય દાદાની સમજાવવાની રીત પણ એટલી જ પ્રભાવશાળી છતાં સરળ છે.

આપણે આજે વાંચીએ ત્યારે સમજાય છે કે આજના અર્થશાસ્ત્રને સંપૂર્ણ અર્થશાસ્ત્ર બનાવવા માટે કયા કયાં પાસાંને આવરી લેવાની જરૂર છે. આજનું અર્થશાસ્ત્ર માત્ર પૈસા કેમ બનાવવા અને થોડેઘણે અંશે બચત કેવી રીતે કરવી તેના વિશે જ વાત કરે છે. ધન-સંપિત્તને કઈ રીતે ખર્ચવી અને વહેંચવી તે અંગે આજનું અર્થશાસ્ત્ર આપણને કશું શીખવતું નથી.

જો સંપૂર્ણ અર્થશાસ્ત્ર સમજવું હોય તો પૈસા નીતિના માર્ગે કઈ રીતે કમાવા તે શીખવું જરૂરી છે. ઉપરાંત, પૈસા ખર્ચતી વખતે અને વહેંચતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એ જાણવું પણ જરૂરી છે. શ્રીસૂકતમમાં આ પાસાંને ઊંડાણપૂર્વક અને પ્રવાહી શૈલીમાં સમજાવવામાં આવ્યાં છે.

આજનો સમાજ પૈસાને મહત્ત્વ આપે છે, પરંતુ તે કંઈ રીતે પ્રાપ્ત કરવા જોઈએ તે વિશે વિચારવાનું કોઈને જરૂરી લાગતું નથી. પૈસાના પૂજારી હોવું અને લક્ષ્મીની આરાધના કરવી આ બંને વચ્ચે અંતર છે. એકમાં ઉછાંછળાપણું છે, જ્યારે બીજામાં મર્યાદા અને આદરભાવ છે.

પૈસો લક્ષ્મી ત્યારે જ બની શકે છે જ્યારે તે નીતિમત્તાથી મેળવેલો હોય. જો પૈસો સાચા રસ્તે કમાયેલો નહીં હોય તો ઘરમાં કલેશ પેદા કરશે.

પૈસા કેવી રીતે પ્રાપ્ત કરવા ઉપરાંત એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે. આજનું અર્થશાસ્ત્ર પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગે બિલકુલ જ્ઞાન આપતું નથી.

પૈસો તાકાત અને ઊર્જા છે. જો ઊર્જા સાથે કામ પણ પાર પાડવામાં તકેદારી ન લેવાય તો ઊર્જાનો ઉપયોગ કરનારને જ હાનિ પહોંચી શકે છે. ભૌતિકવાદ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભૌતિકવાદ વપરાશકર્તાને નુકસાન પહોંચાડે છે.

શ્રીસૂકતમમાં પૈસાના ઉપયોગ માટે બે અલગઅલગ માર્ગ સૂચવ્યાં છે. એક માર્ગ એવો છે જેને આપણે પૈસાનો ઉપયોગ પોતાનવી જાત, પરિવાર, સ્વજનો અને પ્રિયજનો માટે કરીએ છીએ. આને ભોગ કહે છે. 

બીજો માર્ગ દાનનો છે. આપણે સમાજ અને સૃષ્ટિમાંથી પૈસા કમાઈએ છીએ તેથી આપણી મિલકતમાંથી થોડો હિસ્સો સમાજ અને સૃષ્ટિને પાછો આપવો જોઈએ એવી તેમાં ભાવના છે. થોડા વખત પહેલાં એક સેમિનારમાં મોટી ઉંમરના એક વિદુષીના સંપર્કમાં આવવાનું થયું હતું. 

તેમણે મને આ સંકલ્પના બહુ જ સરળ રીતે સમજાવી હતી. એમણે કહેલું કે, આપણી કમાણીનો એક ભાગ પાછળ આપવો જોઈએ. આગળ એટલે કે આપણું અતીત- આપણાં માતાપિતા. દાદા-દાદી. વગેરે... 

બીજો એક ભાગ આગળ માટે મૂકી રાખવો જોઈએ. આગળ એટલે આપણું ભવિષ્ય. આપણે આવનારા સમય માટે પૈસા બચાવવા જોઈએ અને યોગ્ય રીતે રોકાણ કરવું જોઈએ. એક ભાગ નીચે રાખવો જોઈએ. આપણા પગ નીચે ધરતીમાતા છે. આપણી માતૃભૂમિ અને કર્મભૂમિ છે. અર્થાત્ સમાજ અને સમષ્ટિ માટે શક્ય હોય તેટલું કરી છૂટવું જોઈએ. દાટેલો ભાગ ક્યારેક જરૂર ઊગી નીકળશે. આટલું ર્ક્યા પછી જે બચે તેનો ઉપયોગ પોતાના માટે કરવો જોઈએ.

આપણે નસીબદાર છીએ કે આપણે એવી ભૂમિ પર જન્મ્યા છીએ જ્યાં ઋષિ-મુનિઓએ અર્થશાસ્ત્રનું આટલું સચોટ અર્થઘટન કર્યું છે.

યોગિક વેલ્થ 
પવિત્ર રીતે કમાયેલી સંપત્તિ યોગિક વેલ્થ છે. તે આપણને પરમાનંદની અનુભૂતિ કરાવશે.