અમદાવાદઃ શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરમાં 4 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ત્યારે ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે પ્રયાસો કરી રહ્યું છે. કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષથી આ સ્ટેશનો સ્થાપવા માટે મથામણ કરી રહ્યું છે છતાં જોઈએ તેવી સફળતા મળી નથી.
50 સ્થળો પર ઈવી સ્થાપવામાં કંપનીઓને નથી રસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 81 સ્થળોએ ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ ફક્ત 27 સ્થળો માટે મંજૂરી મળી હતી. જેમાંથી 21 સ્ટેશનો કાર્યરત છે અને 6 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય 4 સ્થળો માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેનાથી કુલ મંજૂર સાઈટ્સની સંખ્યા 31 પર પહોંચી છે. જોકે હજુ સુધી 50 સ્થળોએ સ્ટેશન સ્થાપવામાં કોઈ કંપનીએ રસ દાખવ્યો નથી.
સરકારે જાહેર કરી હતી પોલિસી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા અને હવા તથા અવાજનું પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત ક્લીન એર અને મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ પહેલા કરી હતી. ખાનગી EV વપરાશને પ્રોત્સાહન આપવા માટે 100 ટકા વ્હીકલ ટેક્સ માફી પણ આપવામાં આવી રહી છે. જોકે અન્ય વાહનોની સરખામણીમાં EVનો જાળવણી ખર્ચ ઓછો હોવા છતાં ઈ-મોબાલિટી અભિયાનની સફળતા મર્યાદીત રહી છે.
રાજ્ય સરકારે 2021માં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી હતી. જેમાં EV અને ચાર્જિંગ સ્ટેશન માટે ₹20,000 થી ₹1.50 લાખ સુધીની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. 2021માં કાંકરિયા ગેટ નંબર 2 પાસે પ્રથમ જાહેર EV-ચાર્જિંગ સ્ટેશન સ્થપાયું. ત્યારબાદ કાંકરિયા કિડ્સ સિટી અને નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ સુવિધા શરૂ કરવામાં આવી હતી.
આ પછી 29 ફેબ્રુઆરી 2024ના રોજ વધુ EV-ચાર્જિંગ સ્ટેશનો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. 7 માર્ચ 2024ના રોજ પ્રી બિડ મીટિંગમાં 17 કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જે બાદ 9 મે 2024ના રોજ ટેકનિકલ બિડ ખોલવામાં આવી હતી. તેમાં 4 કંપનીઓએ ભાગ લીધો અને 3 લાયક ઠરી હતી. 13 જૂન 2024ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ 27 સ્થળોએ સ્ટેશન સ્થાપવા માટે બે કંપનીઓની દરખાસ્તને મંજૂરી આપી હતી. ડિસેમ્બર 2025ના રોજ 54 સ્થળો માટે ટેન્ડર બહાર પડાયા. પરંતુ માત્ર એક જ કંપનીએ 4 સાઈટ્સ માટે અરજી કરી હતી.
કેમ નથી મળી રહી સફળતા
સૂત્રોએ જણાવ્યું કે, જમીનના ભાડામાં પૂરતું વળતર કે ડિસ્કાઉન્ટ ન મળવાને કારણે ખાનગી કંપનીઓ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ EV-ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં રસ ધરાવતી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરમાં હજુ પણ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઓછી હોવાથી જાહેર EV-ચાર્જિંગ સ્ટેશનનો ખ્યાલ બહુ લોકપ્રિય થયો નથી.
કઈ કઈ જગ્યાએ EV-ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે
વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ સામેઃ ચાંદખેડા
ઔડા ઓફિસઃ ઉસ્માનપુરા
ચાંદખેડા સીએચસીઃ ચાંદખેડા
સબ ઝોનલ ઓફિસઃ રાણીપ
સબ ઝોનલ ઓફિસઃ નવા વાડજ
હનુમાન મંદિર સામેઃ સોલા રોડ, નરાણપુરા
શિવરંજની ફ્લાયઓવરઃ સેટેલાઈટ
કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરઃ પાલડી
અંજલી અંડર બ્રિજ નીચેઃ ફતેપુરા ગામ સામે
આંબેડકર બ્રિજ નીચેઃ વાસણા
સોલાર પાવર આધારિત ચાર્જિંગ સ્ટેશનનું આયોજન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોલાર પાવર ચાર્જિંગ સ્ટેશનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદમાં આરટીઓ નજીક પ્રથમ સોલાર પાવર આધારિત ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરાયું છે.