મુંબઈ/સંભાજીનગર: નીટનું પેપર લીક થયા પછી જંતરમંતર ખાતે પ્રદર્શન અને પછી ધર્મન્દ્ર પ્રધાને શિક્ષણ પ્રધાન તરીકે રાજીનામું આપ્યા પછી હવે કોંકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતાઓ વિકાસલક્ષી મુદ્દા પર ધ્યાન આપવા તરફ કેન્દ્રીત થયું છે. નવી દિલ્હીમાં જંતરમંતર ખાતેના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ હવે આગળની રણનીતિ માટે સજ્જ થઈ રહી છે.
આગામી સમયમાં સીજેપી દ્વારા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં 5 ઓગસ્ટના પાર્ટીની મહત્વની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં પાર્ટીના તમામ પ્રમુખ નેતાઓ ભાગ લેશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. જાણકારી મુજબ આ બેઠકમાં પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે પણ હાજરી આપશે.
જાણકારી અનુસાર દિલ્હીના વિરોધ પ્રદર્શન બાદ સીજેપીએ પોતાના કાર્યકરોને થોડો સમય તેમના પરિવાર સાથે વીતાવવા માટે કહ્યું હતું. આ સિવાય પાર્ટીના મુખ્ય સભ્યોને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો સાથે સતત મુલાકાત કરી તેમના મંતવ્યો લે અને તેમને બેઠકમાં આવવા માટે પ્રોત્સાહિત કરે.
મળતી માહિતી અનુસાર 5 ઓગસ્ટ બેઠક બાદ સીજેપી પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં આગળના આંદોલન અને અન્ય કાર્યક્રમોને લઈને પોતાના નિર્ણયોની જાણકારી આપવામાં આવશે. આ બેઠક ,એટલા માટે મહત્વની છે કેમકે દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન સફળ રહ્યું હતું. આંદોલન બાદ શિક્ષણ પ્રધાને રાજીનામુ આપ્યું હતું. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા પેપર લીક વિરુદ્ધ કડક કાયદો પણ બનાવવામાં આવ્યો છે. આ બિલને લોકસભા અને રાજ્યસભા દ્વારા પાસ પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેપર લીકના દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો વિશ્વાસ પણ અપાવ્યો છે.
ફરી શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરશે.
સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર આવી રીતે જ બળપ્રયોગ થશે તો તેઓ ફરી શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરશે.
આ સાથે જ સીજેપીના પ્રવક્તા આશુતોષે પણ આ મામલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે સરકારને એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ પણ આંદોલનકાર વિરુદ્ધ ભવિષ્યમાં કોઈપણ કાર્યવાહી ન થવી જોઈએ. આ સાથે જ તેણે ચેતવણી આપી હતી કે જો સરકારે તાત્કાલિક પગલાં ન ઉઠાવ્યા તો દેશના માર્ગો પર ફરી એકવાર ઉગ્ર આંદોલન થશે.