નવી દિલ્હી: મધ્ય-પૂર્વ દેશોમાં સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય હવાઈ સંચાલન પર તેની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ તમામ હિતધારકો સાથે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉડ્ડયન સચિવ, DGCA, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને તમામ એરલાઈન ઓપરેટરોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય-પૂર્વના કેટલાક વિસ્તારોમાં લાદવામાં આવેલા હવાઈ પ્રતિબંધો અને એડવાઈઝરી (NOTAM) વચ્ચે મુસાફરોની સુરક્ષા અને વિમાની સેવાઓની સાતત્યતા જાળવી રાખવાનો છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઓપરેટ કરતી ભારતીય એરલાઈન્સને હવાઈ ક્ષેત્ર સંબંધિત સલાહ અને માર્ગ પ્રતિબંધો પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા એરલાઈન્સને સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે તેઓ વૈશ્વિક સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરે અને જરૂર જણાય ત્યાં ઉડાનના રૂટમાં ફેરફાર અથવા સમયમાં ફેરફાર કરે. આ માટે એરલાઈન્સને અગાઉથી જ આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવા જણાવાયું છે જેથી યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાંથી વિમાન પસાર ન થાય અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
દેશના તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટોને સંભવિત ઈમરજન્સી લેન્ડિંગ અને ફ્લાઈટ ડાયવર્ઝન માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ ઓપરેટરોને ગ્રાઉન્ડ હેન્ડલિંગ, પાર્કિંગ, પેસેન્જર સુવિધાઓ અને ઈમિગ્રેશન સપોર્ટ માટે એરલાઈન્સ સાથે બહેતર સંકલન રાખવા સલાહ અપાઈ છે. આ ઉપરાંત, DGCA ને સૂચના આપવામાં આવી છે કે તેઓ સુરક્ષા નિયમો અને પાઈલટ તેમજ ક્રૂ મેમ્બર્સના કામના કલાકોના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરે, જેથી થાક કે દબાણને કારણે સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ મામલે વિદેશ મંત્રાલય સાથે પણ સતત સંપર્કમાં છે, જેથી વિદેશમાં રહેલા ભારતીય નાગરિકો કે વિમાનોને કોઈ પણ કટોકટીના સમયે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની એરલાઈન્સના સંપર્કમાં રહે અને ફ્લાઈટના સમયમાં થતા ફેરફારો વિશે અપડેટ મેળવતા રહે. એરલાઈન્સને પણ આદેશ અપાયો છે કે જો કોઈ ફ્લાઈટ મોડી પડે કે રૂટ બદલાય, તો તેની જાણકારી મુસાફરોને અગાઉથી આપી દેવી જેથી તેમને એરપોર્ટ પર હાલાકી ન ભોગવવી પડે.