Sun Sep 06 2026

Logo

'મુંબઈ સમાચાર’ના 'માતૃભાષા ભાગવત સપ્તાહ'ના આયોજનમાં મુખ્ય પ્રધાનના પડશે પાવન પગલાં

2026-03-17 12:12:00
Author: Devayat Khatana
'મુંબઈ સમાચાર’ના 'માતૃભાષા ભાગવત સપ્તાહ'ના આયોજનમાં મુખ્ય પ્રધાનના પડશે પાવન પગલાં

ગાંધીનગર: ગુજરાતી ભાષાના ૨૦૪ વર્ષ જૂના અખબાર 'મુંબઈ સમાચાર' દ્વારા બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ વચ્ચે મુંબઈમાં વિશ્વની સૌપ્રથમ માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે અને આ ભવ્ય-દિવ્ય પ્રસંગને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ શોભાવશે. ભૂપેન્દ્રભાઈએ માતૃભાષા ભાગવત સપ્તાહમાં હાજર રહેવા માટેનું આમંત્રણ સોમવારે સ્વીકાર્યું હતું. 

મુંબઈ સમાચાર'ના તંત્રી નીલેશ દવે, અખબારના સૌરાષ્ટ્ર બ્યૂરો ચીફ મિલન ત્રિવેદી તથા આયોજન સમિતિના સભ્ય ભાર્ગવ પટેલે ભૂપેન્દ્રભાઈને નિમંત્રણ આપ્યું હતું. જગતમાં આવા પ્રકારના માતૃભાષા યજ્ઞનું સૌપ્રથમ વાર આયોજન કરાયું છે અને એ પણ સંપૂર્ણ એરકન્ડિશન્ડ ડૉમમાં. બપોરે ૩.૩૦ વાગ્યાથી ૬.૩૦ સુધી પરમપૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી દ્વારા ભાગવત કથા થશે. સાંજે ૬.૩૦થી ૭.૩૦ વચ્ચે હાજર સૌ ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે ૭.૩૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી ગુજરાતી, હિંદી, મરાઠી સહિતની ભાષાઓમાં ગીત-સંગીત સહિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.

એશિયાના સૌથી જૂના અખબાર દ્વારા ૨૦૪ વર્ષની સફરના ઉપલક્ષમાં આ અલોકિક પહેલ કરવામાં આવી છે, જેનું આયોજન ૨ એપ્રિલથી ૮ એપ્રિલ દરમિયાન સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યે બોરીવલી (પશ્ચિમ) સ્થિત સ્વ. શ્રી બાલાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) દ્વારા શ્રીમદ્ ભાગવતની કથાનું રસપાન કરાવવામાં આવશે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈ જેવા મહાનગરમાં માતૃભાષાનું રક્ષણ કરવું અને ભારતની વિવિધ માતૃભાષાઓના સાહિત્યકારોના માનભેર જીવન માટે ભંડોળ એકત્ર કરવાનો છે.