Thu Sep 10 2026

Logo

નકલી પાસપોર્ટ કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને 7 વર્ષની જેલની સજા

2026-07-30 21:26:00
Author: Mumbai Samachar Team
નકલી પાસપોર્ટ કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને 7 વર્ષની જેલની સજા

નવી દિલ્હીઃ ચેન્નઈની એક ખાસ સીબીઆઈ કોર્ટે આજે ગેંગસ્ટર છોટા રાજનને નકલી દસ્તાવેજોના આધાર પર પાસપોર્ટ મેળવવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. એજન્સીને 22 વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી રાજનને દોષિત ઠેરવવામાં સફળતા મળી છે. 

રાજને સ્કૂલના ટ્રાન્સફર સર્ટિફિકેટ, રાશન કાર્ડ વગેરે જેવા ખોટા દસ્તાવેજો બનાવીને ‘વિજયા કદમ’ તરીકે ઓળખ મેળવી હતી. સીબીઆઈના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે "દોષિત છોટા રાજન હાલમાં નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે."

એજન્સીએ 19, માર્ચ 2002ના એફઆઈઆર દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી હતી. આરોપ હતો કે આરોપીએ નકલી દસ્તાવેજો રજૂ કરીને પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી અને તે રીતે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ ચેન્નઈ સાથે છેતરપિંડી કરી હતી.

પ્રવક્તાએ કહ્યું હતું કે "તપાસમાં જાણવા મળ્યું કે આરોપી છોટા રાજને ખોટા દસ્તાવેજો રજૂ કરીને વિજયા કદમના નામે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી. એવું પણ જાણવા મળ્યું કે વિજયા કદમનું સાચું નામ રાજેન્દ્ર ઉર્ફે નાના ઉર્ફે છોટા રાજન હતું જે મુંબઈના રહેવાસી સદાશિવનો પુત્ર હતો. સીબીઆઈએ 22 જાન્યુઆરી, 2004ના રોજ રાજન સામે બે વર્ષમાં તેની ચાર્જશીટ દાખલ કરી હતી.