Mon Apr 27 2026

Logo

છત્રપતિ શિવાજી મહારાજના મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીની ભુજબળે ઝાટકણી કાઢી

2026-04-27 18:47:44
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ કરેલા વિવાદાસ્પદ નિવેદનની છગન ભુજબળે  ઝાટકણી કાઢી હતી તેમણે કહ્યું હતું કે, ‘ઘણા ઇતિહાસકારો કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજ અને રામદાસ સ્વામી ક્યારેય મળ્યા નહોતા. તમે ઇતિહાસકાર નથી, તમે પુરાણોમાંથી વાર્તાઓ સંભળાવો છો અને ભજન ગાઓ છો. ઇતિહાસકારો અલગ છે, તેઓ અંત સુધી જાય છે અને ઇતિહાસમાં શું બન્યું તે શોધે છે. સંત રામદાસ અને છત્રપતિ શિવાજી મહારાજ મળ્યા હોય તેવું કોઈ પુરાવા અને તથ્યો પ્રકાશમાં આવ્યા નથી, હકીકતમાં, તેનો વિરોધ કરવામાં આવ્યો છે,’ એમ છગન ભુજબળે કહ્યું હતું. 

‘તમે એવી વાતો કહેવાનું શરૂ કર્યું જે ઇતિહાસમાં નથી. જો તમે કહો છો કે છત્રપતિ શિવાજી મહારાજ થાકી ગયા હતા, તો છત્રપતિ શિવાજી મહારાજને પ્રેમ કરનારા દરેક, જેમાં મરાઠી લોકોનો પણ સમાવેશ થાય છે, તે સ્વાભાવિક રીતે ગુસ્સે થશે. છત્રપતિ શિવાજી મહારાજનું શું.. સંભાજી મહારાજનું શું.. તેઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું. તેઓએ ક્યારેય કહ્યું નહીં કે હું થાકી ગયો છું. શું મહાત્મા જ્યોતિબા ફૂલે, અણ્ણાભાઉ સાઠે, ડો. બાબાસાહેબ આંબેડકર, જે યુગના માણસો છે, તેમણે ક્યારેય એવું કહ્યું? અમે થાકી ગયા છીએ. તેઓ તેમના જીવનની છેલ્લી ક્ષણ સુધી લડ્યા છે,’ એમ છગન ભુજબળે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું. 

તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાને પહેલેથી જ કહ્યું છે કે અમે મરાઠી ન જાણનારાઓને મરાઠી શીખવીશું. મુંબઈમાં મોટાભાગના રિક્ષા અને ટેક્સીઓ એવા લોકોની માલિકીની છે જેઓ મરાઠી બોલતા નથી. જો એ લોકો હડતાળ પર જશે તો ફરીથી અરાજકતા સર્જાશે. તેના બદલે, અઠવાડિયામાં એક વાર મરાઠી શીખવવા માટે વર્ગો યોજવા જોઈએ. જેમણે મરાઠી શીખી છે તેમને એક નાનું પ્રમાણપત્ર આપવું જોઈએ. જો આપણે અચાનક બધું બંધ કરવા જઈશું, તો તમને ખબર નથી કે નવી સમસ્યાઓ ઊભી થશે, એમ રાજ્યના પ્રધાન છગન ભુજબળે ફરજિયાત મરાઠીના મુદ્દા પર કહ્યું હતું.