Mon Oct 05 2026

Logo

સુખદ સમાચારઃ ગુજરાતનું સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસના સકંજામાંથી મુક્ત થયું

2026-08-05 20:34:33
Author: Pooja Shah
સુખદ સમાચારઃ ગુજરાતનું સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસના સકંજામાંથી મુક્ત થયું

અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભોગ નાના બાળકો બની રહ્યા છે ત્યારે રાજકોટથી એક સુખદ સમાચાર આવ્યા છે. અહીંની  સિવિલ હોસ્પિટલમાં દાખલ ગુજરાતની સૌથી નાની વયનું બાળક 17 દિવસ સુધી ચાંદીપુરા સામે સફળતાપૂર્વક ઝઝૂમીને સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બાળકની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તબીબો માટે પણ તેની સારવાર એક પડકારરૂપ હતી. જોકે સતત સારવાર અને દેખરેખ બાદ બાળક સ્વસ્થ બનતાં આજે 5 ઓગસ્ટે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અને ગોંડલના પાંચિયાવાડર ગામે મજૂરીકામ કરતાં પરિવારની આ 3 માસની બાળકીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બાળકી કોમામાં સરકી ગઈ હોવા છતાં પીડિયાટ્રિક વિભાગની સઘન સારવાર બાદ તે પૂર્ણ સાજી થઈ જતાં બુધવારે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જો કે હાલમાં પણ બે શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, તેવી માહિતી હૉસ્પિટલના સૂત્રોએ આપી હતી.