Thu Jun 18 2026

Logo

ચૈતર વસાવાને પછાડવા સીએમ, ડેપ્યુટી સીએમ મેદાનમાં, કેટલા કર્યા કાર્યક્રમો

2026-03-16 14:35:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આ મહિનાના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલીયા સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લઈ રહ્યા છે. રાજ્યના આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાનો દબદબો છે અને તેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ગણિત બગડી શકે છે.  ચૈતર વસાવાને પછાડવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક થી દોઢ મહિનામાં છ જેટલા કાર્યક્રમો આદિવાસી વિસ્તારોમાં કર્યા છે.

ચૈતર વસાવા પર કટાક્ષ કરીને શું બોલ્યા હતા હર્ષ સંઘવી

26 ફેબ્રુઆરીએ હર્ષ સંઘવી ડેડીયાપાડામાં યોજાયેલા આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તાર અને સમગ્ર રાજ્યના વિકાસ, કલ્યાણ અને ઉત્કર્ષ માટે સદૈવ કાર્યશીલ આ જન પ્રતિનિધિઓ સમાજનું ગૌરવ છે. તેઓના માધ્યમથી આદિવાસી કલ્યાણ અને ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ચૈતર વસાવા પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે, હવે નવું ગીત વાગશે... 3G પણ ચાલે, 4G પણ ચાલે આખા વિસ્તારમાં માત્ર ભાજપ જ ચાલે. ગેરમાર્ગે દોરવાથી સમાજનું જ નુકસાન થાય છે.

આદિવાસી સમાજ સશક્ત બની રહ્યો છેઃ હર્ષ સંઘવી

13 માર્ચે રાજપીપળામાં આમ આદમીની જેમ ખાટલા પર બેસીને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત ભરૂચના નેત્રંગમાં યોજાયેલા આદિવાસી ગૌરવ સંમેલનમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, ભરૂચના નેત્રંગમાં યોજાયેલ 'આદિવાસી ગૌરવ સંમેલન' એ વાતનું પ્રમાણ છે કે આજે આદિવાસી સમાજ સશક્ત બની રહ્યો છે. આદિવાસી સમાજની અસ્મિતા અને સંસ્કૃતિ એ આપણા દેશનું ઘરેણું છે.  છેલ્લા કેટલાંક વર્ષોમાં મોદી સરકાર દ્વારા લેવાયેલા નીતિવિષયક નિર્ણયોને કારણે આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાની સાથે આર્થિક સ્થિરતા લાવવાના પ્રયાસોને કારણે આજે સમાજમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.  છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના મક્કમ નિર્ધારને કારણે આજે આદિવાસી ક્ષેત્રોમાં પ્રગતિની ગતિ બમણી થઈ છે અને આ પ્રગતિ પથ પર આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે ડબલ એન્જિન સરકાર પ્રતિબદ્ધ છે.

પંચમહાલ અને દાહોદમાં 1100 કરોડના વિકાસ કામો

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.  મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં 732 કરોડ રૂપિયાના 112 કામો તથા દાહોદ જિલ્લામાં 367 કરોડ રૂપિયાના 1200થી વધુ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી હતી.  પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે રૂપિયા 406 કરોડની ઉદવવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
 

તેમણેકહ્યું કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 3160 કરોડના ખર્ચે 11 ઉદવાહન સિંચાઈ યોજનાથી 2 લાખ 23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે. છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત લિફ્ટ ઈરિગેશનથી 18 તાલુકાઓના 51,480 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું પ્રાવધાન કર્યું છે.  તેમણે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, રોડ નેટવર્ક, પાણીની સુવિધાના વિકાસ કામોની ભેટ આપી હતી.

ભરૂચ જિલ્લાને મુખ્ય પ્રધાને આપી મોટી ભેટ

ગુજરાતના મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે  બે દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. 1247.57  કરોડના 73  વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ. 102  કરોડના 66  વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ભરૂચના નાગરિકોને કુલ અંદાજિત રૂ.  1350.68  કરોડના કુલ 139 વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ જેવા વિકાસના કોઈપણ કામ માટે નાણાની ક્યારેય કમી ન રહે તેવું સુદ્રઢ આયોજન  રાજ્ય સરકારે કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લામાં જનપ્રતિનિધિઓની નવા વિકાસકામો માટેની રજૂઆત, લાગણી અને માંગણીને પૂર્ણ કરવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.  ભરૂચ જિલ્લામાં આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલા માતબર રકમના પ્રોજેક્ટ્સ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે. માળખાગત સુવિધાઓથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોમાં થયેલા આ કામો ભરૂચના વિકાસમાં ચાવીરૂપ બનશે.