મુંબઈ: શુક્રવારે સવારના સમયે જ બદલાપૂર અને વાંગણી સ્ટેશન વચ્ચે ડેક્કન એક્સપ્રેસના એન્જિનમાં ખામી સર્જાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે લીધે સમગ્ર સબર્બન અને લાંબા રૂટની દરેક ટ્રેનો પર અસર જોવા મળી હતી.
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડેક્કન એક્સપ્રેસના એન્જિનમાં ખામી જોવા મળતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બદલાપુર અને વાંગણી સ્ટેશન વચ્ચે ડેક્કન એક્સપ્રેસ આશરે એક કલાક સુધી ખોટકાઈ પડી હતી. પરિણામે કલ્યાણ, કર્જત અને સીએસએમટી તરફ મુસાફરી કરનાર પ્રવાસીઓને ધસારા સમયે ટ્રેનો મોડી પડવાને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ડેક્કન એક્સ્પ્રેસનું એન્જિન ફેઈલ થતાં મધ્ય રેલવે પર સર્બબન સેવાઓ અને લાંબા અંતરની ટ્રેનોની અવરજવર પર પણ અસર જોવા મળી હતી અને બદલાપુર, કલ્યાણ, ડોંબિવલી, થાણે જેવા મહત્ત્વના સ્ટેશનો પર સવારના સમયે પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દરરોજ કોઈને કોઈ કારણસર મધ્ય રેલવેની ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડતાં પ્રવાસીઓએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. શુક્રવારે સર્જાયેલા આ ટેક્નિકલ ફેઈલ્યોરની અસર છેક બપોર સુધી જોવા મળી હતી.