વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા પણ શરૂ થઈ
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)માં 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સેવાઓની ખરીદી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને પોર્ટલમાં આવેલી ગંભીર ટેકનિકલ ખામીઓને પગલે કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવી CBSEના ચેરમેન રાહુલ સિંહ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તા બંનેની તાત્કાલિક અસરથી પદ પરથી બદલી કરી દીધી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતાને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ આકરા પગલાંને CBSEના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી વહીવટી કાર્યવાહી માનવામાં આવી રહી છે, જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
આ સમગ્ર ખરીદી વિવાદની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જે OSM સેવાઓના ટેન્ડર અને તેની ફાળવણીમાં થયેલી ખામીઓની તપાસ કરશે.
આ સમિતિની અધ્યક્ષતા ક્ષમતા નિર્માણ આયોગના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણ કરશે અને આ આયોગ દ્વારા જ સમિતિને સચિવાલયી સહાય પૂરી પાડવામાં આવશે. આ તપાસ સમિતિને જરૂરિયાત મુજબ અન્ય કચેરીઓના અધિકારીઓની મદદ લેવાનો પણ અધિકાર રહેશે અને તેણે પોતાનો વિગતવાર અહેવાલ એક મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
બીજી તરફ, CBSEએ વિદ્યાર્થીઓ માટે 2 જૂન 2026થી 6 જૂન 2026 સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન રિ-ઈવેલ્યુએશન અને ઉત્તરવહીઓની સ્કેન નકલોની ચકાસણી માટેનો પોર્ટલ શરૂ કરી દીધું છે, જે વિદ્યાર્થીઓએ પોતાની સ્કેન નકલો મેળવી લીધી છે, તેઓ વેબસાઇટ પર આધાર નંબર દ્વારા લોગિન કરીને પેજ, નકશા કે ગ્રાફ ગાયબ હોવા, ધૂંધળા પેજ અથવા ખોટી ઉત્તરવહી પર મૂલ્યાંકન જેવી સમસ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે.
આ પ્રક્રિયા અંતર્ગત વેરિફિકેશન માટે પ્રતિ ઉત્તરવહી રૂ. 100 અને પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન રૂ. 25 ફી UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ચૂકવવાની રહેશે; એકવાર 'ફ્રીઝ એન્ડ પ્રોસીડ ટુ પેમેન્ટ' બટન દબાવ્યા બાદ અરજી લોક થઈ જશે, તેથી વિદ્યાર્થીઓએ સબમિશન પહેલાં તમામ વિષયોની વિગતો ચકાસી લેવી કારણ કે ત્યારબાદ કોઈ ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહીં.