Thu Sep 10 2026

Logo

કૅનેડા પહેલી વખત ફૂટબૉલ વર્લ્ડ કપની પ્રી-કવૉર્ટર ફાઈનલમાં

California   2026-06-29 13:10:00
Author: Ajay Motiwala
કૅનેડા પહેલી વખત ફૂટબૉલ વર્લ્ડ કપની પ્રી-કવૉર્ટર ફાઈનલમાં

Image Source: AP


કૅલિફોર્નિયા: સોમવારે લૉસ ઍન્જલસ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપના સહ યજમાન કૅનેડાએ સાઉથ આફ્રિકાને અત્યંત રોચક મુકાબલામાં 1-0થી હરાવીને પહેલી જ વખત પ્રી કવૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કૅનેડા આ ટૂર્નામેન્ટ પહેલાં પોતાની તમામ છ વર્લ્ડ કપ મૅચ હાર્યું હતું.

કૅનેડા પ્રથમ દેશ બન્યો

આ વર્લ્ડ કપના કુલ ત્રણ યજમાન છે, અમેરિકા કૅનેડા અને મેક્સિકો. 
11મી જૂને પ્રથમ મૅચ મેક્સિકોમાં રમાઈ હતી અને ફાઇનલ 19મી જુલાઈએ અમેરિકામાં રમાવાની છે. ત્રીજા સહ યજમાન તરીકે કૅનેડાનું મહત્ત્વ અત્યાર સુધી થોડું ઢંકાઈ ગયું હતું, પરંતુ ત્રણેય યજમાનમાં કૅનેડા (Canada) પ્રી ક્વૉર્ટર (Pre Quarter)માં પહોંચનાર આ પ્રથમ દેશ બન્યો છે.

સાઉથ આફ્રિકા આઉટ

કુલ 48 દેશની ટીમોએ આ વર્લ્ડ કપમાં ભાગ લીધો. એમાંથી 16 ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે અને 32 ટીમ વચ્ચે સોમવારે નૉકઆઉટ રાઉન્ડ શરૂ થયો જેમાંથી હવે સાઉથ આફ્રિકાની ટીમ બહાર થઈ ગઈ છે.

સાઉથ આફ્રિકા બહાર થયું એ પહેલાં એની સામેની કૅનેડાની સોમવારની મુખ્ય મૅચની 90 મિનિટ સુધી બંને ટીમ 0-0થી બરાબરીમાં હતી. બંને ટીમના ડિફેન્ડરોએ હરીફ અટૅકર્સને એક પણ ગોલ કરવામાં સફળ નહોતા થવા દીધા. 

છેક 92મી મિનિટમાં ગોલ

જોકે એ 90 મિનિટ પછીના ઇન્જરી ટાઈમની બીજી મિનિટમાં (92મી મિનિટમાં) કૅનેડાના સ્ટીફન યૂસ્ટેકીઓએ પેનલ્ટી એરિયાની એક કોરેથી કિક મારીને નીચા શૉટમાં બૉલ નેટમાં મોકલી દીધો હતો અને આ ગોલ્ડન ગોલ સાથે કૅનેડાએ 1-0થી વિજય મેળવી લીધો હતો.

કૅનેડાના કોચ બેહદ ખુશ

કૅનેડા પહેલી જ વખત વર્લ્ડ કપ યોજી રહ્યું છે અને એમાં એણે પોતાના ફૂટબૉલ ઇતિહાસમાં પ્રથમ વાર પ્રી ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી છે જેમાં એણે શનિવારે નેધરલૅન્ડ્સ અથવા મોરક્કો સામે રમવું એવું નક્કી થયું હતું. કૅનેડાના કોચ જેસી માર્શ બેહદ ખુશ હતા અને મૅચ પછી તેમણે તમામ ખેલાડીઓને બોલાવીને કહ્યું હતું કે ‘તમે કૅનેડાને બહુ મોટું ગૌરવ અપાવ્યું છે અને આવનારા વર્ષોમાં કૅનેડા ફૂટબૉલમાં વધુ પ્રગતિ કરશે તો એનો પહેલો જશ તમને આપવામાં આવશે.'