Mon Apr 20 2026

Logo

શુગર પેશન્ટ્સ ધ્યાન આપો: કેરી ખાતા પહેલાં આ ત્રણ બાબતો જાણી લો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો...

2026-04-20 20:29:41
Author: Darshana Visaria
Article Image

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીની ઋતુમાં એક જ વાત સૌથી વધારે ગમે છે એ અને એટલે આ સિઝન છે ફળોના રાજા કેરીની. આખું વર્ષ જેની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ એ કેરી ખાવાના આ દિવસો હોય છે. પરંતુ જેમને ડાયાબિટીસ હોય એવા લોકો માટે આ સમય મૂંઝવણથી ભરપૂર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઉનાળાની સિઝનમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, શું અમે કેરી ખાઈ શકીએ? ચાલો આજે તમને આ વિશે જણાવીએ... 

કેરીને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમાં રહેલી કુદરતી શર્કરાને કારણે બ્લડ શુગર વધવાનો ડર રહે છે. પ્રખ્યાત લાઈફસ્ટાઈલ એક્સપર્ટ લ્યુક કુટીન્હોના જણાવ્યા અનુસાર જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ કેરીથી બિલકુલ ડરવાની જરૂર નથી, બસ તેમણે તેને ખાવાની સાચી રીત સમજી લેવી જરૂરી છે.

કેરીમાં માત્ર સુગરજ નહીં પરંતુ તેમાં 'મેન્ગીફેરીન' નામનું તત્વ પણ જોવા મળે છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણો રહેલા છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો તમે કેટલીક વાતોનું ધ્યાન રાખશો તમે ડાયાબિટીસ હોવા છતાં પણ ઉનાળામાં કેરીની મજા માણી શકશો. 

જો બેલેન્સ ડાયેટ સાથે કેરીનું સેવન કરવામાં આવે તો એને કારણે નુકસાન નથી થતું. કેરીને ક્યારેય એકલી ન ખાઓ. તેને બદામ, અખરોટ જેવા મેવા (Nuts), બીજ (Seeds) અથવા દહીં સાથે ખાવાનું રાખો. આ રીતે કેરી ખાવાથી શરીરમાં શુગર ધીમે-ધીમે રિલીઝ થશે અને ગ્લુકોઝ લેવલ અચાનક વધશે નહીં.

મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી કે તમે કેરી ક્યારે ખાવ છો એ ટાઈમ પણ ખૂબ જ મહત્વનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય દિવસનો છે. મોડી રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે રાત્રે શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ સિવાય એકસાથે વધુ પડતી કેરી ખાવાને બદલે એક નાનો ટુકડો અથવા મર્યાદિત માત્રામાં સેવન કરો.

જોકે, દરેક વ્યક્તિની બોડી ક્લોક અલગ અલગ હોય છે અને તે અલગ અલગ રીતે રિએક્ટ કરે છે. કેરી ખાધા પછી તમારું શુગર લેવલ ચેક કરો. જો તે નોંધપાત્ર રીતે વધતું હોય, તો માત્રા ઓછી કરી નાખવી હિતાવહ છે.