Sat Aug 29 2026

Logo

ગુજરાતનું દેવું ₹ 3.80 લાખ કરોડે પહોંચ્યુંઃ કેગ (CAG) રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

2026-03-25 20:22:18
Author: Vimal Prajapati
ગુજરાતનું દેવું ₹ 3.80 લાખ કરોડે પહોંચ્યુંઃ કેગ (CAG) રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

રાજ્યની આવકમાં ઘટાડો અને દેવામાં ₹ 22,000 કરોડનો વધારો નોંધાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સત્રનો આજે છેલ્લો દિવસ હતો. આજનો આ દિવસ ગુજરાત માટે ખાસ રહ્યો છે. આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. કેગના રિપોર્ટને લઈને અત્યારે રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતની આવકમાં ઘટાડો અને દેવામાં ધરખમ વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2024-25નો કેગ રિપોર્ટ કેમ ચર્ચામાં છે? ચાલો જાણીએ..

જાહેર દેવામાં ધરખમ વધારો નોંધાયો

વર્ષ 2024-25નો કેગ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતના કુલ જાહેર દેવામાં વધારે થયો હતો. જાહેર દેવુ 3.80 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ ગુજરાતનું દેવું 22 હજાર કરોડ રૂપિયા વધ્યું છે. આ સાથે બજાર લોનનો આંક 3.11 લાખ કરોડ રૂપિયાને આંકી ગયો છે. તેમાં પણ ગત વર્ષની સરખામણીએ 16 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ આંકડા ચિંતાજનક જણાઈ રહ્યાં છે. 

કેગના રિપોર્ટ્સ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2024-25માં મહેસૂલી ખર્ચમાં 10,326 કરોડનો વધારો થયો, જ્યારે સામે આવકમાં 4,208 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટ જાહેર થતા સરકારને અનેક પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યાં છે. 

કેગના ચાલુ વર્ષના આંકડા ચિંતાજનક

CAG રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષના આંકડા ખૂબ જ ચિંતાજનક અને પ્રશ્નો સર્જે તેવા છે. મૂળ વાત એ છે કે, ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સામે આવકમાં વધારાની જગ્યાએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવું શા માટે થઈ રહ્યું છે તે પણ એક સવાલ છે! આ રિપોર્ટ જાહેર થતાની સાથે જ ગુજરાતના અર્થતંત્ર પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ છે કે, વિકાસની ગતિ ધીમી પડી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં SGSTની વસૂલાતમાં 9 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે. એટલે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે કર-વેરાની વસૂલાત કરવામાં આવે છે તેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘટાડો નોંધાયો છે. 

બજેટની સાથે દેવામાં વધારે શા માટે થયો? 

CAG અહેવાલે અનેક પ્રકારની સવાલો સર્જ્યા છે, જેનો સરકારને જવાબ આપવાનો છે. આંકડાની વાત કરવામાં આવે તો, ગુજરાતનું દેવું 2020-21માં 2,98,810 કરોડ હતું. જે 2025-26માં વધીને 3,99,000 કરોડને પાર પહોંચી ગયું છે. વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન દ્વારા દેવા પર ભાર આપવાની જગ્યાએ કેન્દ્રમાંથી આવતી સહાય ઓછી થઈ તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રમાંથી સહાય ઓછી આવતી હોવાના કારણે બજારમાંથી લોન લેવાની ફરજ પડી હતી. જેથી બજાર લોન પણ વધી ગઈ છે. 

સરકારની યોજનાઓ અંગે કેગ રિપોર્ટનો દાવો!

કેગના રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ માટે વર્ષ 2023-24માં ગુજરાતને રૂપિયા 7,540 કરોડ ફાળવવામાં આવ્યાં હતાં, જ્યારે વર્ષ 2024-25માં તેમાં ઘટાડો કરવામાં આવ્યો અને રકમ રૂપિયા 6,712.86 કરોડ કરી દેવામાં આવી હતી. એટલે કે રૂપિયા 827.14 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં પણ ભાજપની સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં પણ શા માટે ઘટાડો કરવામાં આવ્યો? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને મળતી કેન્દ્રીય યોજનાઓમાં આર્થિક સહાય ઘડાડવામાં આવી રહી છે? આવા સવાલ અત્યારે વિપક્ષ પણ કરી રહ્યું છે.