Tue Aug 18 2026

Logo

પેટાચૂંટણી પરિણામો: ગુજરાતમાં ભાજપનો 'ગઢ' બચ્યો, PKની 'એન્ટ્રી' અને કોંગ્રેસની 'વાપસી'!

2026-08-03 21:31:24
Author: Kshitij Nayak
Article Image

માંજલપુરમાં ભાજપની જીત સામે બાંકીપુરમાં જન સુરાજ અને દતિયામાં કોંગ્રેસ બાજી મારી ગઈ કારણો શું?

નવી દિલ્હીઃ ગુજરાત, મધ્ય પ્રદેશ અને બિહાર વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આખરે આવી ગયા છે. ત્રણેય બેઠકની પેટાચૂંટણીના પરિણામો ચોંકાવનારા મળ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ગઢ ગણાતા ગુજરાતની માંજલપુર બેઠક મળી છે, પરંતુ બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપ હાર્યું છે. ત્રણેય બેઠક પર એકમાં ભાજપ, બીજામાં કોંગ્રેસ અને ત્રીજામાં જનસુરાજ પાર્ટીએ જીત મેળવીને ભાજપના તમામ સમીકરણો ઊંધા પાડ્યા છે. એક જ પખવાડિયામાં એટલે જંતરમંતર પર શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યાના બીજા અઠવાડિયામાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. શિક્ષણ અને પેપર લીક મુદ્દે ઘેરાયેલી સરકાર માટે આ પરિણામો આગામી ચૂંટણીઓ પહેલા મોટો સંકેત આપે છે.

માંજલપુરમાં 2022 કરતા વધુ મત મળવા છતાં આ વખતે કોંગ્રેસ હાર્યું

માંજલપુરમાં ભાજપના સતીષ પટેલ 30 હજારથી વધુ મતની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. ગુજરાતની હાઈપ્રોફાઈલ સીટ માંજલપુર વિધાનસભાની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવ્યા પછી સતીષ પટેલ (સતેન્દ્ર પટેલ)એ ભીખાભાઈ રબારીને હરાવ્યા હતા. જીત પછી કાર્યકર્તાઓએ વિજય યાત્રા કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ ભાગ લીધો હતો. સતેન્દ્ર પટેલે કહ્યું હતું કે મતદાન ભલે ઓછું થયું, પરંતુ પાર્ટીને અપેક્ષા પ્રમાણે જીત મળી છે. જોકે, હાર્યા પછી કોંગ્રેસ ઉમેદવારે સરકારની ઝાટકણી કાઢી હતી. 

ભીખા રબારીએ કહ્યું હતું કે મારી વિરુદ્ધ આખી સરકારી મશીનરી ઉતારી દેવામાં આવી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે ભાજપને લઈને લોકોમાં ગુસ્સો છે, જેમાં લોકો મત આપવા નીકળ્યા નહોતો. મતદાન જ 37.5 ટકા થયું હતું. ભલે પરિણામો કોંગ્રેસના પક્ષમાં નથી, પરંતુ પાર્ટીનો મત પહેલા કરતા વધ્યો છે. 2022ની ચૂંટણીમાંના પરિણામોમાં દોઢ લાખથી વધુ મતનું મતદાન થયું હતું ત્યારે કોંગ્રેસને 19,379 મત મળ્યા હતા. આ વખતે મતદાન ઓછું થયું છે, પરંતુ કોંગ્રેસને 24,585 મત મળ્યા છે. ગયા વખતની ચૂંટણી કરતા વોટ શેર વધ્યો છે, પરંતુ મોટી જીત મળી નહીં.

બિહારમાં 30 દિવસમાં 30 વર્ષનો ગઢ ધ્વસ્ત



બિહારમાં બાંકીપુર વિધાનસભાની સીટ પર જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોરે પહેલાથી (પીકે) જોરદાર લીડ મેળવી લીધી હતી. જીત મેળવ્યા પછી પ્રશાંત કિશોરેએ કહ્યું કે આ જીત બાંકીપુરની જનતાની છે. આ ચૂંટણી ફક્ત વિધાનસભ્યની નહોતી, પરંતુ બિહારની જનતાએ ભાજપને આપેલો સંદેશ હતો કે બિહારના મુખ્યમંત્રી તરીકે એક સારી વ્યક્તિની નિયુક્તી કરવી જોઈએ. તેઓ નથી ઈચ્છતા કે કોઈ ગુનાહિત રેકોર્ડવાળી વ્યક્તિ સીએમ બને. તેઓ એક સારા મુખ્યમંત્રી ઈચ્છે છે, જે શિક્ષણમાં સુધારો લાવી શકે, યુવાનો માટે રોજગારી ઊભી કરે. પીકેએ આગળ કહ્યું PM મોદી અંગે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

બાંકીપુરની સીટ ભાજપના હાથમાંથી કઈ રીતે ગઈ?

બિહાર અને મધ્ય પ્રદેશમાં મળેલી હારનું વિશ્વલેષણ કરવા માટે ભાજપના નેતાઓ સક્રિય થઈ ગયા છે, જેમાં પ્રશાંત કિશોરને અને કોંગ્રેસને મળેલા મતનું બૂથવાઈઝ વિશ્લેષણ કરવામાં આવશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના મત આરજેડીએ પીકેને ટ્રાન્સફર કરાવ્યા છે. તેજસ્વી યાદવ ફક્ત એક કલાક માટે પ્રચાર માટે ગયા હતા, જ્યારે આરજેડી અને પીકેની વચ્ચે સાઠગાઠ છે. વિધાનસભા ચૂંટણીમાં આરજેડી (RJD)નો 'કોર વોટ' જળવાઈ રહ્યો, એટલા માટે તેની રણનીતિ પ્રશાંત કિશોરને આગળ વધારવાની હતી, જેથી ભાજપના અપર કાસ્ટ (ઉચ્ચ જાતિ)ના વોટમાં 'ગાબડું' પાડી શકાય. ગત વખતે આરજેડીનાં રેખા ગુપ્તાને 46,000થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે આ વખતે 15,000 વોટ પણ મળ્યા નથી.

અગાઉ 50,000 મતથી ભાજપ જીત્યું હતું

બિહારની બાંકીપુર સીટ પર જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર નિરંતર લીડમાં રહ્યા હતા. પ્રશાંત કિશોરે નીરજ સિંહા અને રેખા ગુપ્તાને જોરદાર ટક્કર આપી હતી, જેમાં અઢારમા રાઉન્ડમાં જનસુરાજ પાર્ટી અને ભાજપ વચ્ચે અંતર વધ્યું હતું. ભાજપને હંફાવ્યા પછી જન સુરાજ પાર્ટીના નેતાએ કહ્યું હતું કે અમે બાંકીપુરના લોકોમાં થઈ રહેલા પરિવર્તન અને જનસુરાજને પસંદ કરવા માટે જનતાનો આભાર માનીએ છીએ. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એવો કોઈ વિસ્તાર નથી, જ્યાં જન સુરાજનો અવાજ પહોંચ્યો નથી. બાંકીપુરની બેઠક હારી ગઈ છે, જે પારંપારિક રીતે ભાજપનો ગઢ ગણવામાં આવતી હતી, જ્યાં અગાઉ ભાજપ 50,000 મતથી જીત્યું હતું. 

દતિયાની સીટ સીએમ માટે માથાનો દુખાવો



બીજી તરફ દતિયા સીટ પર હારથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની મુશ્કેલીઓમાં વધારો થશે. સીએમ પહેલેથી જ પાર્ટીના એક જૂથના નિશાના પર છે. જોકે હારની જવાબદારી નરોત્તમ મિશ્રા પર નાખવાની તૈયારી છે, કારણ કે તેઓ ટિકિટ કપાવા પર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા. તેમના સમર્થકોએ પણ હિંસા કરી હતી. જોકે, પાછળથી પાર્ટીના કહેવા પર તેમણે પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં, ભાજપના નેતાઓનું કહેવું છે કે દતિયાની સ્પર્ધા પહેલેથી મુશ્કેલી હતી. 

અગાઉની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની પ્રચંડ આંધી હોવા છતાં પાર્ટી આ બેઠક હારી ગઈ હતી. આથી કોંગ્રેસે પોતાની સીટ જ બચાવી છે. પરંતુ તેઓ એ વાતનો ઇનકાર નથી કરતા કે બાંકીપુર હોય કે પછી દતિયા, બંને બેઠકો પર ઉમેદવારની પસંદગીમાં ગડબડ પણ હારનું કારણ છે. આજે પાર્ટી નરોત્તમ મિશ્રાના બૂથ પર પણ હારી ગઈ. આમ તો ભાજપ પેટાચૂંટણીની હારને યુવાનોના અસંતોષ અને આંદોલન સાથે જોડીને જોવા તૈયાર નથી, પરંતુ આ પછી ભાજપ મંથન ચોક્કસ કરશે. 

અભી તો બસ ટ્રેલર હૈ, વિપક્ષો ખુશ, પણ ભાજપ નહીં



બિહારના બાંકીપુર, મધ્ય પ્રદેશના દતિયા અને માંજલપુરની બેઠક માટે 30મી જુલાઈના મતદાન થયું હતું. ભાજપને મળેલી હાર માટે વિપક્ષના નેતાઓ ખુશખુશાલ થયા છે, જેમાં જંતરમંતરથી લઈને શિક્ષણ નીતિ પર સવાલો ઘેરામાં લઈ જવામાં આવ્યા છે. નીટ પેપર લીક થયા પછી પણ અનેક પેપર લીક થયા હતા. સરકારની પોલિસી અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે, જેમાં નેતાઓ ઈવીએમનું રટણ કરવાનું ભૂલી ગયા છે. ટૂંકમાં, ત્રણ બેઠક પરના પરિણામમાં ગુજરાતની સીટ જીત્યું પણ બે સીટ પર વિજય મેળવી શક્યું નથી એ હકીકત છે. સાચુ શું કે ખોટું શું એ સમય કહેશે, પરંતુ અગામી વર્ષોની વિધાનસભા-લોકસભાની ચૂંટણીનું આ 'ટ્રેલર' હોવાનું કહી શકાય, જેથી ભાજપની સામે વિપક્ષ પણ આ પરિણામોથી આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરશે.