Fri May 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 29 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-29 08:26:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-29 19:59:10

યશસ્વીને સિરાજે, જુરેલને રબાડાએ વહેલો પાછો મોકલ્યોઃ વૈભવની ફટકાબાજી

`જેની શરૂઆત સારી એનો અંત પણ સારો' એ કહેવત આજે ન્યૂ ચંડીગઢમાં ગુજરાત ટાઇટન્સને લાગુ પાડી શકાશે, કારણકે આઇપીએલની સેમિ ફાઇનલમાં રાજસ્થાન રૉયલ્સે માત્ર નવ રનમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી. યશસ્વી (એક રન) સિરાજના ચોથા જ બૉલમાં ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર ક્રિષ્નાના હાથમાં કૅચઆઉટ થયો હતો. ત્યાર બાદ રબાડાની ઓવરના પાંચમા બૉલમાં રાજસ્થાનનો ઇન્ફૉર્મ બૅટ્સમૅન ધ્રુવ જુરેલ (સાત રન) મિડ-ઑફ પર શુભમન ગિલના હાથમાં કૅચ આપી બેઠો હતો. જોકે ત્યાર પછી ટીમનો અનુભવી ખેલાડી રવીન્દ્ર જાડેજા ઓપનર વૈભવ સૂર્યવંશી સાથે જોડાયો હતો અને જાડેજાએ આવતાવેંત રબાડાના બૉલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. પછીથી સિરાજની એક ઓવરમાં વૈભવે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને એ ખર્ચાળ ઓવરમાં કુલ 21 રન બન્યા હતા. ચોથી ઓવરમાં સ્કોર 2/39 હતો, વૈભવ 21 રને અને જાડેજા પાંચ રને રમી રહ્યો હતો.

2026-05-29 19:35:20

સુપ્રીમ કોર્ટે તમામ ઇમરજન્સી સેવાઓને 112  હેલ્પલાઇન નંબર સાથે જોડવા નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે દેશની તમામ ઇમરજન્સી સેવાઓને ફક્ત '112' હેલ્પલાઇન નંબર સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ ઇમરજન્સી નંબરોને 112 હેઠળ લાવવા જણાવ્યું છે.

2026-05-29 19:08:05

રાજસ્થાને બૅટિંગ લીધી, ટીનેજ-સ્ટાર વૈભવ પર આખી દુનિયાની નજર

ન્યૂ ચંડીગઢમાં ગુજરાત ટાઇટન્સ સામેની આઇપીએલ-2026ની સેમિ ફાઇનલમાં રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. બે દિવસ પહેલાં 12 છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 29 બૉલમાં 97 રન બનાવનાર રાજસ્થાનના ટીનેજ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી પર ફરી એક વખત સૌની નજર રહેશે. જોકે સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ પાસે પણ ટીમને ઘણી અપેક્ષા હશે. આજે જીતનારી ટીમ રવિવારે અમદાવાદમાં બેંગ્લરૂ સામે ફાઇનલમાં રમશે.

2026-05-29 18:32:19

દહેજ ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું પુત્રવધૂ અને તેના પરિવારનું અપમાન અસ્વીકાર્ય

ભોપાલની ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં દહેજ અને ઉત્પીડનની ફરિયાદો વચ્ચે સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના એક  કેસમાં આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં લગ્ન પછી પુત્રવધૂ અને તેના પરિવારનું અપમાન સ્વીકાર્ય નથી તેમ જણાવ્યું હતું. કોર્ટે

2026-05-29 17:55:17

ઇઝરાયલે લેબનોનમાં યુદ્ધનો વિસ્તાર કર્યો, સૈનિકો  લિતાની નદીના ઉત્તર સુધી પહોંચી

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જોકે, આ દરમિયાન ઇઝરાયલ સતત ગાઝા અને લેબનોન પર હુમલા કરી રહ્યું છે. જેમાં ઇઝરાયલની સેના લેબનોનમાં લિતાની નદીના ઉત્તર સુધી પહોંચી છે.

2026-05-29 17:48:29

રિષભ પંતે લખનઊની ટીમની કૅપ્ટન્સી છોડી દીધી

રિષભ પંતે 2026ની આઇપીએલમાં છેક છેલ્લા (10મા) સ્થાને રહેલી લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે. એલએસજીના ગ્લોબલ ડિરેકટર ટૉમ મૂડીએ જણાવ્યું કે `રિષભ પંતે ફ્રૅન્ચાઇઝીને વિનંતી કરી કે તે હવે આ ટીમનું સુકાન નહીં સંભાળે. ફ્રૅન્ચાઇઝીએ તેની વિનંતીને માનપૂર્વક ધ્યાનમાં લીધી છે અને સ્વીકારી છે.' પંતના સુકાનમાં આ વખતે લખનઊની ટીમ 10માંથી ચાર મૅચ જીતી હતી અને આઠમાં પરાજિત થઈ હતી. પંતને આ ફ્રૅન્ચાઇઝી એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા આપે છે.

2026-05-29 17:09:06

પશ્ચિમ બંગાળમાં ઓગસ્ટથી શરૂ થશે વસતી ગણતરી, લોકોને પ્રક્રિયામાં સામેલ થવા અપીલ

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યમાં 1 ઓગસ્ટથી વસતી ગણતરી શરૂ કરવામાં આવશે. જે આગામી ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. તેમણે કહ્યું આ પ્રક્રિયાને રાજકારણ જોડે કોઇ સબંધ નથી. જોકે, તેમણે ઘૂસણખોરીને કારણે ડેમોગ્રાફિક બદલાવ  અંગે ચિંતા વ્યક્ત કરી અને લોકોને આ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરી.

2026-05-29 16:36:30

સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મુદ્દે એનટીએને ફટકાર લગાવી, પૂછ્યું પેપર કેવી રીતે લીક થયું

સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મુદ્દે એનટીએને ફટકાર લગાવી છે. તેમજ તેની કામગીરી પર સખત સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે હાઇ પાવર્ડ સમિતિની રચના અને તેની ભલામણો છતાં પેપર લીક કેવી રીતે થયું. કેન્દ્ર સરકાર અને એનટીસે એ કોર્ટને જાણ કરી હતી કે નવી સિસ્ટમો લાગુ કરવામાં આવી છે અને 21 જૂનની પરીક્ષાનું ઉચ્ચ સ્તરે નિરીક્ષણ કરવામાં આવશે.

2026-05-29 15:53:38

ભોપાલમાં ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં પતિ સમર્થ અને સાસુના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

ભોપાલમાં એક્ટ્રેસ ટ્વિશા શર્માના મૃત્યુના કેસમાં કોર્ટે તેના પતિ સમર્થ સિંહ અને સાસુ  ગિરિબાલા સિંહને  પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગિરિબાલા સિંહની સીબીઆઇએ પૂછ[પરછ બાદ ગુરુવારે ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસની તપાસ હાલ સીબીઆઇ દ્વારા હાથ ધરવામાં આવી છે.

2026-05-29 15:25:09

દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીને એકસ એકાઉન્ટને તાત્કાલિક ચાલુ કરવાનો ઇનકાર કર્યો

દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હાઇકોર્ટે પાર્ટીના એક્સ એકાઉન્ટને  બ્લોક કરવાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને એક્સને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીએ એકસના બ્લોક કરેલા એકાઉન્ટને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

2026-05-29 13:46:54

મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડઃ પુણે અને પિંપરી-ચિંચવાડમાં ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત

પુણેઃ મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડમાં ઝેરી દારૂ પીવાથી 12 લોકોના મોત થયા છે. પુણેના ફુગેવાડીમાં એક જ પરિવારના બે લોકોના મોત થયા છે. આ બંને મૃતકો સગા ભાઈ હોવાનું કહેવાય છે. ઝેરી દારૂના સેવનથી મોતના સમાચાર સામે આવ્યા બાદ એક્શનમાં આવેલી પોલીસ અને પ્રશાસને એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં (ધરપકડ) લીધો છે.

2026-05-29 12:55:51

1 કરોડ જમા કરાવ્યા બાદ મુક્ત થશે તથ્ય પટેલ

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને રેગ્યુલર જામીન આપ્યા છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટે તેની સામે આકરૂ વલણ પણ અપનાવ્યું છે. કોર્ટે આદેશ કર્યો છે, 1 કરોડની રકમ જમા કરાવવામાં આવે.  તથ્ય પટેલ 1 કરોડ ભર્યા બાદ જેલમુક્ત થશે. 1 કરોડ કોર્ટમાં જમા કરાવ્યા બાદ રકમ પીડિતોને અપાશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મોત થયા હતાં.

2026-05-29 11:18:03

સુરતના અમરોલી વિસ્તારમાં નકલી CBI અધિકારી તરીક ફરતા વ્યક્તિની ધરપકડ

સુરતમાં અમરોલીમાં નકલી CBI અધિકારી બની ફરતા અને લોકો સાથે છેત્તરપિંડી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.  આ આરોપીએ પોતાને CBI ઓફિસર તરીકે ઓળખ આપી વૃદ્ધાને ધમકી આપીને ડરાવ્યા હતા.  તેમના નામે ડ્રગ્સનું પાર્સલ મળ્યું હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરી હતી. પૈસા પડાવવા માટે પ્રયાસ કર્યા હતા.  આ દરમિયાન 90 વર્ષીય વૃદ્ધા પાસેથી આરોપીએ ધમકી અને છેતરપિંડી દ્વારા કુલ રૂ. 1.34 કરોડ પડાવી લીધા હતા. આ સમગ્ર કેસ અંગે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સુરતની ક્રાઈમ બ્રાંચે નકલી સીબીઆઈ અધિકારીની ધરપકડ કરી છે. આ આરોપીનું નામ જીગ્નેશ વઘડિયા હોવાનું જાણવા મળ્યું છે.

2026-05-29 09:39:56

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામ પાસે બે ટ્રક વચ્ચે ટક્કર

સાબરકાંઠામાં પ્રાંતિજ પાસે નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. તાલોદ તરફ જતી ટ્રકે બીજા ટ્રકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ સમગ્ર ઘટનાના સીટીટીવી સામે આવ્યા છે. જેમાં ટ્રકની ટક્કર સ્પષ્ટ દેખાઈ રહી છે. ટ્રકની કેબિનના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બ્રીજની સાઈટ પર અકસ્માત થતા થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

2026-05-29 08:31:04

અમદાવાદના મોકા કાફેમાંથી જીવાત નીકળી

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફેમાંથી જીવાત નીકળતા કાફે વિવાદમાં આવ્યું છે. ગ્રાહકે ઓર્ડર કર્યા બાદ કોફીમાંથી જીવાત નીકળતા સમગ્ર કાફેમાં હોબાળો મચી ગયો હતો. ગ્રાહકે એવો આક્ષેપ કર્યો હતો કે, કાફેના કિચનમાં પણ પૂરતી સફાઈ ન હતી, રસોડામાં ગંદકી અને વંદાઓ જોવા મળ્યા હતા. આ પછી ગ્રાહકે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને તાત્કાલિક ધોરણે જાણ કરી, યોગ્ય તપાસ બાદ કડકમાં કડક પગલાં લેવા માટેની અપીલ કરી છે. જોકે, મોકા કાફેમાંથી જીવાત નીકળવાની કે વિવાદમાં આવવાની ઘટના પહેલી નથી.

2026-05-29 08:29:15

NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી

NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થશે. કેન્દ્ર અને NTA એન્જસી આજે સુપ્રીમ કોર્ટમાં પોતાના જવાબ રજૂ કરશે. પરીક્ષા રદ્દ કરવા મુદ્દે એક અરજી કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. આ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટ કોઈ મહત્ત્વનો આદેશ આપી શકે છે.