દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કેન્દ્ર સરકારે ઇડીમાં અધિકારીઓના નવા પદ ઉભા કરવાની મંજૂરી આપી, તપાસ ઝડપી બનશે
કેન્દ્ર સરકારે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ઇડી) માં અધિકારીઓના નવા પદ ઉભા કરવાની મંજૂરી આપી છે. જેના પગલે ઇડીના અધિકારીઓની સંખ્યામાં વધારો થશે. તેમજ આગામી સમયમાં નાણાકીય ઉચાપત અને મની લોન્ડરિંગના કેસોની તપાસ ઝડપી બનશે.
ઉત્તર પ્રદેશમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, આઇએસઆઇ સાથે જોડાયેલા ચાર યુવાનોની ધરપકડ
જમ્મુ કાશ્મીરના આતંકી નેટવર્ક સક્રિય કરવાની પ્રકાશમાં આવેલી માહિતી વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. યુપી એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે સહારનપુરથી ચાર યુવાનોની ધરપકડ કરી છે. તેમજ તે ભારતમાં પાકિસ્તાનના આતંકીઓના ઇશારે સ્લીપર સેલ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
વૈભવનું વાવાઝોડું ફૂંકાયા બાદ રાજસ્થાનના 20 ઓવરમાં 8/243
ન્યૂ ચંડીગઢમાં હૈદરાબાદ સામે રાજસ્થાને આઇપીએલની એલિમિનેટરમાં બૅટિંગ મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત કર્યા બાદ ધીમા રનમશીન સાથે ઇનિંગ્સનો અંત લાવી દીધો. રાજસ્થાને 20 ઓવરમાં આઠ વિકેટે 243 રન બનાવીને પૅટ કમિન્સની ટીમને 244 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. શરૂઆતની આઠ ઓવરમાં વૈભવ (97 રન, 29 રન, બાર સિક્સર, પાંચ ફોર) અને યશસ્વી જયસ્વાલ (29 રન, 29 બૉલ, ચાર ફોર)ની જોડીએ 125 રન બનાવ્યા હતા, પણ છેલ્લી પાંચ ઓવરમાં રાજસ્થાનના બૅટ્સમેનો 40 રન પણ નહોતા કરી શક્યા. વિકેટકીપર ધ્રુવ જુરેલે (50 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) પણ અઢીસો આસપાસના ટીમ-ટોટલમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે ડૉનોવાન ફરેરા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર સહિત બીજો કોઈ પણ બૅટ્સમૅન 15 રન પણ નહોતો બનાવી શક્યો. જાડેજા 12 રને અણનમ હતો. હૈદરાબાદના પ્રફુલ્લા હિન્ગેએ ત્રણ તેમ જ શિવાંગ, એશાન મલિન્ગા, નીતીશ રેડ્ડીએ એક-એક વિકેટ લીધી હતી. કૅપ્ટન પૅટ કમિન્સને 64 રનમાં અને સાકિબ હુસૈનને બાવન રનમાં વિકેટ નહોતી મળી.

20 અબજ ડોલરના મિશનની નાસાની જાહેરાત
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ ચંદ્ર પર કાયમી માનવ વસાહત અને બેઝ સ્થાપવા માટે 20 અબજ અમેરિકન ડોલરના ત્રણ નવા મિશનની જાહેરાત કરી છે. આ અંતર્ગત 'મૂન બેઝ-1', 'મૂન બેઝ-2' અને 'મૂન બેઝ-3' મિશન દ્વારા આધુનિક ટેક્નોલોજી, લુનર રોવર્સ અને ડ્રોન ચંદ્ર પર મોકલવામાં આવશે.
યુએનમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક દરમિયાન ભારતે આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આકરા શબ્દોમાં સંભળાવ્યું છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પી. હરીશ એ સ્પષ્ટ કર્યું છે કે ભારતને તેના પડોશી દેશ દ્વારા થતા સરહદ પારના આતંકવાદી હુમલાઓ સામે રક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે અને આવી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ અને સહાયમાં વધારાને કેબિનેટની મંજૂરી
ગુજરાતમાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી "મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના" ના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે.
ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ ચૂકવવો પડશે GST
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર સરકારના ૨૮ ટકા જીએસટીની પાછલી અસરથી વસૂલાતના નિર્ણયને બંધારણીય રીતે માન્ય રાખ્યો છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ માત્ર મધ્યસ્થી નથી, પરંતુ તેઓ સપ્લાયર્સ છે અને ટેક્સના દાયરામાં આવે છે.
એક્ટ્રેસ ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં વળાંક, સરકારે કહ્યું ટ્વિશા શર્મા સાથે થઇ હતી મારપીટ
એક્ટ્રેસ ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મધ્ય પ્રદેશ સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ટ્વિશા શર્માના મૃત્યુ પૂર્વે તેની સાથે સંભવિત રીતે મારપીટ કરવામાં આવી છે. તેમજ આ અંગે તેના શરીર પરમાર પીટના નિશાન પણ જોવા મળ્યા છે.
ગુજરાત સરકારનો ખેડૂત હિતમાં નિર્ણય, ખેતર ફરતે તાર ફેન્સિંગના દરમાં વધારો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં સુધારા કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે પ્રતિ રનિંગ મીટર રૂ. 300 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા મુજબ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
ભારત બનાવશે સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ, રાફેલ કરતા પણ વધુ શકિતશાળી
ભારત ડિફેન્સ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ભારતે હવે અત્યઆધુનિક સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી છે. આ અંગે સંરક્ષણ મંત્રાલયે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ પ્રપોઝલ જાહેર કરી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા નવી SOP બનાવવા આદેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા નવી SOP બનાવવા મુખ્ય સચિવને આદેશ આપ્યો છે.
ભારતીય ખેલકૂદના પીઢ વહીવટકાર રણધીર સિંહનું નિધન
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર અને ટોચના ખેલકૂદ વહીવટકારોમાં ગણાતા રાજા રણધીર સિંહનું બુધવારે અવસાન થયું હતું. તેઓ 79 વર્ષના હતા અને થોડા દિવસથી હૉસ્પિટલમાં હતા. તેમણે તેમના નિવાસસ્થાને છેલ્લા શ્વાસ લીધા હતા. ભારતીય ખેલકૂદના વહીવટના કિંગ ગણાતા રણધીર સિંહનું વિશ્વસ્તરે પણ ખ્યાતનામ હતા. તેઓ 1987થી 2010 સુધી ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનના મહામંત્રી હતા અને 2001થી 2014 સુધી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના મેમ્બર પણ હતા. ઑલિમ્પિક ગોલ્ડ-મેડલિસ્ટ નિશાનબાજ અભિનવ બિન્દ્રાથી માંડીને ભારતીય રમતગમતના અનેક ઍથ્લીટો અને ખેલાડીઓએ રણધીર સિંહને સોશ્યલ મીડિયામાં અંજલિ આપી છે.

આસામ વિધાનસભામાં યુસીસી બિલ મંજૂર, આ બિલ મંજૂર કરનારું ત્રીજું રાજ્ય બન્યું
આસામ વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ પસાર થયું છે. આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત બાબતોમાં ધર્મને ધ્યાનમાં લીધા વિના બધા નાગરિકો માટે એક સમાન કાનૂની માળખું લાગુ કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે. જોકે, વિપક્ષે માંગ કરી હતી કે બિલને પહેલા વિગતવાર ચર્ચા માટે સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે.
કેરલમમાં પિનરાઈ વિજયનના નિવાસે દરોડા પાડવા ગયેલા ઇડીના અધિકારીઓ સાથે ધક્કા મુક્કી
કેરલમમાં ઇડી દ્વારા મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે જોડાયેલા સ્થળો સહિત 10 જગ્યાઓ પર દરોડા પાડ્યા આવ્યા છે. જોકે, દરોડા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના તિરુવનંતપુરમ નિવાસસ્થાનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા ઇડી અધિકારીઓને પાર્ટી કાર્યકરોએ ઘેરી લીધા હતા. ગેટ પર માહોલ તંગ થયો હતો. આ કાર્યકરોએ તેમની સાથે ધક્કા મુક્કી કરી હતી.
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યએ ઈસ્કોન બ્રીજ ઉપર પુરપાટ ગાડી ચલાવી નવ જણને કચડી નાખ્યા હતા. તથ્ય પટેલ લાંબા સમયથી જેલમાં હતો. એસસીએ જામીન આપતા તે લાંબા સમય બાદ જેલમાંથી બહાર આવશે. વર્ષ 2023ની 19મી જુલાઈની રાતે મિત્રો સાથે જેગુઆર કારમાં જતા તથ્યએ રસ્તા પર ઊભેલા નવ જણાને હડફેટે લીધા હતા. એક બાઈકરના ગોપ્રો કેમેરામાં આ અક્સમાત કેદ થયો હતો
આંધ્રપ્રદેશમાં ટીડીપીનો માસ્ટર સ્ટ્રોક, ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા બેઠકો ફાળવશે
દેશમાં મહિલા અનામત બિલ અંગે સંસદમાં અવરોધ ઉભા થયા છે. તેવા સમયે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી( TDP)એ વર્ષ 2029ની ચૂંટણી માટે પાર્ટીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે એક બેઠકમાં મંત્રી અને ટીડીપીના કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે જણાવ્યું કે ટીડીપી મહિલાઓને 33 ટકા બેઠકો ફાળવશે.
કર્ણાટકને એક સીએમ અને 2-3 ડેપ્યુટી સીએમ મળી શકે
કર્ણાટકમાં મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાના રાજીનામા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર સીએમ બને એવી અટકળોએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પણ ભાજપશાસિત રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર)ના માફક રાજ્યમાં એક સીએમ સાથે બેથી ત્રણ ડેપ્યુટી સીએમ રાખી શકે છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી, 8 કલાક પછી રિટર્ન
દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક્નિકલ ખામી પછી લગભગ આઠ કલાક આકાશમાં રહ્યા પછી પાછી લાવવામાં આવી હતી. દિલ્હીથી ઉડાન ભર્યાના આઠ કલાક સુધી ફ્લાઈટ હવામાં રહ્યા પછી સુરક્ષાના કારણસર પાટનગરમાં પાછી લાવતા પ્રવાસીઓએ લીધો રાહતનો શ્વાસ.
અમદાવાદમાં ઇબોલા વાઇરસને પગલે એલર્ટ: આફ્રિકાથી આવેલા 11 મુસાફરો હોમ આઇસોલેટ
આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે.
ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટવે નહીં બનેઃ હર્ષ સંઘવીએ
કચ્છના દરિયામાંથી રૂ.1000નું ડ્રગ્સ ઝડપાયા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, ગુજરાત ATS + ભારતીય કોસ્ટ ગાર્ડ + કચ્છ SOG એક થઈને કામ કરી રહ્યા છે, જોરદાર પ્રહાર. ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટવે નહીં બને. આ ઓપરેશનમાં સામેલ દરેક અધિકારીને ખૂબ-ખૂબ અભિનંદન.
કચ્છના દરિયામાં 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની ટીમે કચ્છના દરિયામાં એક જહાજમાંથી 200 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શકમંદોને ઝડપી પાડ્યા હતો. ડ્રગ્સનો આ જથ્થો યુરોપથી લાવવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક વિગત મળી છે. જો કે, આ જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોણે મંગાવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે.
બેંગ્લૂરુમાં યુગાન્ડાની મહિલામાં ઇબોલાના લક્ષણો દેખાયા, હોસ્પિટલમાં દાખલ
ઇબોલા વાયરસ અંગે વધતી જતી વૈશ્વિક ચિંતા વચ્ચે, યુગાન્ડાની મહિલાને સાવચેતીના પગલા તરીકે બેંગ્લૂરુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે મહિલાને ઇબોલા જેવા હળવા લક્ષણો દેખાતા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા તાજેતરમાં જ ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી ભારત આવી હતી. તે શરૂઆતમાં એક હોટલમાં રોકાઈ હતી, પરંતુ શરીરમાં દુખાવો જેવા લક્ષણો દેખાતા તેને બેંગ્લૂરુની સરકારી એપિડેમિક ડિસીઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અમેરિકામાં પાટીદાર મહિલાને મોતને ઘાટ ઉતારનાર સાયકો કિલરનો આપઘાત
અમેરિકામાં પાટીદાર મહિલાને મોતને ઘાટ ઉતારનાર સાયકો કિલરે આપઘાત કર્યો છે. 23 મે, 2026ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી હતી, ત્યારે આ હત્યાકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પહેલા ઘરે સાવકા પિતાની હત્યા કરી પછી મહેસાણાના મેઘનાબેનના સ્ટોર પર જઈ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.
