Sat Jul 11 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:10 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-10 08:30:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-10 22:08:46

ગુજરાતના સુરતમાં ભારે વરસાદ અને પૂરના લીધે અઠવાડિયામાં 47 લોકોના મોત

ગુજરાતના સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભારે નુકસાન થયું છે. તેમજ કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં વરસાદ અને પૂરને કારણે કુલ 47 લોકોના મોત થયા છે. આમાંથી 43 લોકોના મોત સુરત શહેરમાં થયા છે જ્યારે ચાર લોકોના મોત સુરતના ગ્રામીણ વિસ્તારમાં થયા છે.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર રાહત અને સફાઈ કામગીરી ઝડપથી ચાલી રહી છે.

2026-07-10 21:32:37

આઇપીએલના સિતારા સહિતની ભારતીય ટીમ નેપાળમાં ટી-20 સિરીઝ રમશે

આગામી સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડ ઇન્ડિયા-એ ટીમને નેપાળ મોકલશે જ્યાં નેપાળની મુખ્ય ક્રિકેટ ટીમ વિરુદ્ધ 9-13 સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ ટી-20 રમાશે. ત્રણેય મૅચ કીર્તિપુરમાં રમાશે. આ વિશે યોજાયેલી મીટિંગમાં આઈસીસી ચેરમૅન જય શાહ, બીસીસીઆઈના સેક્રેટરી દેવાજિત સૈકિયા તેમ જ નેપાળ ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ ઉપસ્થિત હતા. નેપાળ ક્રિકેટ માટે આ બહુ મોટો મોકો છે, કારણકે તેમને ત્યાં રમનાર ભારતીય ટીમમાં આઇપીએલના સ્ટાર ખેલાડીઓનો સમાવેશ હશે. એ ઉપરાંત, ભારતની સિનિયર ટીમમાં પણ રહી ચૂકેલા ખેલાડીઓ સામેલ હશે. ઉલ્લેખનીય છે કે માર્ચના ટી-20 વર્લ્ડ કપમાં નેપાળની ટીમે પ્રશંસનીય પર્ફોર્મ કર્યું હતું. એક મૅચમાં રોહિત પૉડેલના સુકાનમાં નેપાળે સ્કૉટલૅન્ડને હરાવ્યું હતું.

2026-07-10 21:27:28

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના 126 ઍથ્લીટ ભાગ લેશે

સ્કૉટલૅન્ડના ગ્લાસગૉ શહેરમાં આગામી 23મી જુલાઈએ શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે ભારતના ખેલકૂદ મંત્રાલયે 191 મેમ્બરવાળા ભારતીય સંઘને મંજૂરી આપી છે. આ સંઘમાં 126 ઍથ્લીટ અને 51 અધિકારીનો સમાવેશ છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનની કારોબારી સમિતિમાં હોય એવા જે અધિકારીઓ ગ્લાસગૉ જવાના હશે તેમનો ખર્ચ સ્પોર્ટ્સ મંત્રાલય નહીં ભોગવે. ઉલ્લેખનીય છે કે 2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે.

2026-07-10 21:22:43

ઉઝબેકિસ્તાનમાં કેરલમની મેડિકલ સ્ટુડન્ટની ધર્મ પરિવર્તનના દબાણ બાદ હત્યાનો આરોપ

ઉઝબેકિસ્તાનમાં અભ્યાસ કરતી ભારતીય મહિલા મેડિકલ સ્ટુડન્ટનું  ધર્મ પરિવર્તન માટે દબાણ બાદ કથિત રીતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં પોલીસે  એક ભારતીય વિદ્યાર્થી અને તેના સાથી સહાધ્યાયીની ધરપકડ કરી છે.

2026-07-10 20:53:11

સ્મૃતિ મંધાના લૉર્ડ્સમાં ઐતિહાસિક સદી સુધી ન પહોંચી શકી

લૉર્ડસમાં મહિલા વર્ગમાં ઐતિહાસિક ટેસ્ટ મૅચ રમાઈ રહી છે જેમાં ભારતે પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડ સામે 202 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ભારતનો સ્કોર સન્માનજનક કહી શકાય, પરંતુ ઓપનર સ્મૃતિ મંધાના (83 રન, 108 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) લૉર્ડ્સમાં મહિલાઓમાં પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયન બનવાથી વંચિત રહી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (58 રન, 121 બૉલ, સાત ફોર) પણ હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ આઉટ થઈ હતી. પાંચમાંથી સ્મૃતિ સહિતની બે વિકેટ પેસ બોલર ઇસ્સી વૉન્ગે લીધી હતી.

2026-07-10 19:50:33

રામ મંદિરમાં દાનની ગણતરી કરતાં 20 કર્મચારીઓએ રાજીનામા આપ્યા

રામ મંદિર દાન ચોરી કેસમાં પોલીસ અને એસઆઇટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન હવે રામ મંદિરના દાન ગણતરી કરતાં 20 કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે.

2026-07-10 19:07:27

આનંદીબેન  પટેલે કહ્યું મહિલાઓએ પરિવારના ભોગે વ્યવસાયિક સફળતા ના મેળવવી જોઇએ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન  પટેલે મહિલાઓને એક મહત્વની સલાહ આપી છે. તેમણે કાનપુરમાં છત્રપતિ શાહુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું કે મહિલાઓએ આઇએએસ કે શિક્ષક બનતા પૂર્વે એક કુશળ માતા બનવું જોઇએ. તેમણે પરિવારની જવાબદારીઓ પર ભાર મુકતા જણાવ્યું હતું કે મહિલાઓએ પરિવારના ભોગે વ્યવસાયિક સફળતા ના મેળવવી જોઇએ.

2026-07-10 18:49:04

મુંબઈમાં ફિલ્મ મેકર પર EDના દરોડા

અભિનેતા શેખર સુમન દ્વારા પ્રમોટ કરાયેલી ફિલ્મ એકેડેમીના સહ-સ્થાપક ધર્મેશ સાંગાણી પર EDની તપાસનો ગાળિયો કસાયો છે. તપાસમાં વિદેશી ખરીદદારો પાસેથી નિકાસની રકમ ન વસૂલવા અને અઘોષિત વિદેશી બેંક ખાતાઓ હોવાનું સામે આવ્યું છે.

2026-07-10 18:23:41

કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત અંગે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે  રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત અંગે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોને નવા નિર્દેશો આપ્યા છે. તેમજ તેનો કડકાઇથી અમલ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

2026-07-10 18:00:16

ગુજરાતમાં 9 મહાનગરપાલિકાઓને વિકાસ માટે જમીન વિનામૂલ્યે ફાળવાશે

ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓમાં નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં  આ મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.

2026-07-10 17:12:25

સુપ્રીમ કોર્ટમાં ચાલુ કાર્યવાહીમાં વ્યક્તિએ ગેરવર્તન કર્યું, કાગળ ફેંક્યા

સુપ્રીમ કોર્ટમાં ચાલુ કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિએ ગેરવર્તન કર્યું હતું. જેમાં પોતાનો કેસ લડી રહેલા વ્યક્તિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને અપશબ્દ કહ્યા હતા અને કોર્ટરૂમમાં તેમની સામે કાગળ ફેંક્યા હતા.

2026-07-10 16:50:27

3 વર્ષમાં ગેરકાયદે દારૂના વેચાણ બદલ 1 લાખથી વધુ ગુના

મહારાષ્ટ્ર વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે માહિતી આપી કે આબકારી વિભાગે છેલ્લા 3 વર્ષમાં ગેરકાયદે દારૂના વેચાણ બદલ 1 લાખથી વધુ ગુના નોંધી 72,620 લોકોની ધરપકડ કરી છે.

2026-07-10 16:18:56

પીએમ મોદીએ કહ્યું ભારત અંતરીક્ષમાં બનાવશે સ્પેશ સ્ટેશન

પીએમ મોદીએ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતની અંતરીક્ષ ક્ષેત્રની ઉપલબ્ધિને વર્ણવી હતી. તેમજ ભારત આગામી સમયમાં ગગનયાન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. તેમજ આનાની આગળ ભારત પોતાનું સ્પેશ સ્ટેશન બનાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. તેમજ વર્ષ 2035 સુધી ભારતનું ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન તૈયાર થઇ જશે.

2026-07-10 15:34:19

દિલ્હી હાઇકોર્ટે એક્ટર રાજપાલ યાદવને ત્રણ મહીનાની જેલની  સજા ફટકારી

દિલ્હી હાઇકોર્ટે બોલીવુડ એક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહીનાની જેલની  સજા ફટકારી છે. જેના પગલે એક્ટરને ફરી જેલમાં મોકલવામાં આવશે.

2026-07-10 14:03:30

E20 પેટ્રોલથી 20 રૂપિયા સસ્તું હશે E85 પેટ્રોલ!

દેશમાં E20 ફ્યુઅલને લઈને વાહન ચાલકોમાં ચાલી રહેલા વિવાદ અને હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટું એલાન કર્યું છે. તેમણે આગામી સમયમાં આવી રહેલા E85 ફ્યુઅલના ભાવ અંગે મોટો સંકેત આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, E85 ફ્યુઅલની કિંમત E20 પેટ્રોલ કરતાં રૂ. 20 ઓછી હશે.

2026-07-10 10:43:50

ગુજરાતમાં સવારથી એક પણ તાલુકામાં વરસાદ નહીં

રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નથી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

2026-07-10 09:30:52

ઇરાન ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે: ઇઝરાયલનો દાવો

એક રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલે યુએસ પ્રમુખ ટ્રમ્પને જાણ કરી  છે કે ઇરાન તેમની  હત્યાનો પ્રયાસ કરી રહ્યું છે.  આ એક ચોક્કસ હુમલાની યોજના હતી. જોકે, અમેરિકા અને ઈરાને આના પર કોઈ ટિપ્પણી કરી નથી. ટ્રમ્પે તાજેતરમાં નાટો સમિટમાં જણાવ્યું હતું કે તે ઈરાનના હિટ લિસ્ટમાં છે.

2026-07-10 08:31:31

ગુજરાતમાં વરસાદે લીધો વિરામ

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કહેર મચાવ્યા બાદ સતત બીજા દિવસે વરસાદે વિરામ લીધો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના માત્ર બે તાલુકામાં જ વરસાદ વરસ્યો છે.