(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા દરમ્યાન દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થ ખાવાથી નાગરિકોને આરોગ્યની સમસ્યા થઈ શકે છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓ, રેસ્ટોરાં અને વ્યાપારી સંસ્થાઓને તેમની દાદરમાં આવેલી ૧૨૩ વર્ષ જૂની લેબનો ખોરાક અને પાણીની ગુણવત્તાનું મામૂલી દરે પરીક્ષણ કરાવવા માટે ઉપયોગ કરવાની વિનંતી કરી છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્ટેટ ફૂડ લેબોરેટરી તરીકે માન્યતા પ્રાપ્ત આ લેબોરેટરી વાર્ષિક ૭૦,૦૦૦ થી વધુ પરીક્ષણો કરે છે. નજીવી ફી લઈને માત્ર ૨૪ કલાકમાં પાણીની ગુણવત્તાની તપાસનો અહેવાલ મોબાઈલ અને ઈમેલપર ઉપલબ્ધ કરાવે છે. પાલિકાના એડિશનલ કમિશનર (શહેર) પ્રાજક્ત વર્મા-લવંગરેએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ તેની વિશ્ર્લેષણાત્મક ક્ષમતાઓને મજબૂત કરવા પાલિકા આ લેબનું આધુનિકીકરણ કરી રહી છે. નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓ, રેસ્ટોરાં, ખાદ્ય ઉદ્યોગો અને વાણિજ્યિક સંસ્થાઓએ ખોરાક અને પીવાના પાણીની ગુણવત્તા અને સલામતી સુનિશ્ર્ચિત કરવા આ એનાલિસ્ટ લેબોરેટરીનો ઉપયોગ કરવો.
પાલિકાના જાહેર આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત મ્યુનિસિપલ એનાલિસ્ટ લેબોરેટરીની સ્થાપના ૧૯૦૩માં કરવામાં આવી હતી. પાલિકાની એકમાત્ર પ્રયોગશાળા છે જે ખોરાક અને પાણી બંનેના નમૂનાઓનું પરીક્ષણ કરે છે. આધુનિક વિશ્ર્લેષણાત્મક સાધનો અને અપગ્રેડેડ ટેકનોલોજીથી સજ્જ સુવિધા વાર્ષિક ૭૦,૦૦૦ થી વધુ પરીક્ષણો કરે છે, જેમાં ૪૫,૦૦૦ થી વધુ પાણીના નમૂનાઓનો સમાવેશ થાય છે. લેબોરેટરી નિયમિતપણે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીનું વિશ્ર્લેષણ કરે છે, બાંધકામ પ્રવૃત્તિઓ માટે વપરાતું પાણી, સ્વિમિંગ પુલ અને બરફના ઉત્પાદન માટે, ઉપરાંત સ્ટ્રીટ ફૂડના વિક્રેતાઓ અને ખાણીપીણીમાંથી એકત્ર કરાયેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓનું પણ વિશ્ર્લેષણ કરે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે સમયસર પરીક્ષણ દૂષણને શોધવામાં મદદ કરે છે, ગુણવત્તાનાં ધોરણોનું નિરીક્ષણ કરે છે અને જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાંને અમલમાં મૂકે છે. નાગરિક પાસેથી લેવામાં આવતા નમૂના ઉપરાંત મધ્ય અને પશ્ર્ચિમ રેલવે અને કોંકણ રેલવેમાંથી મેળવેલા ખોરાક અને પાણીના નમૂનાઓની પણ તપાસ કરે છે. શાળાઓમાંથી મધ્યાહન ભોજનના નમૂનાઓની સાથે જ મુંબઈ પોલીસ દ્વારા સબમિટ કરવામાં આવેલા અન્ય નમૂનાઓ સાથે ગુટખા, સ્વાદવાળી સુપારી અને ફ્લેવર્ડ તમાકુ જેવા પ્રતિબંધિત ઉત્પાદનોનું પરીક્ષણ કરે છે. દર વર્ષે આવા લગભગ ૮,૦૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં ૭ લાખથી વધુ ખાદ્ય અને પાણીના નમૂનાઓનું વિશ્ર્લેષણ કર્યું છે.