Mon Jun 08 2026

Logo

ભાજપના ઉમેદવારનો ફક્ત સાત મતથી પરાજય કૉંગ્રેસના ઉમેદવારે બાજી મારી

2026-01-17 09:57:00
Author: sapna desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ
:મુંબઈ  મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક-એક મત અત્યંત કિંમતી ગણાય છે એનો પરચો ભાજપને મળ્યો છે. વોર્ડ નંબર ૯૦માં ત્રિકોણી લડત હતી, જેમાં કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે કટોકટીની લડત જોવા મળી હતી. આખરે કૉંગ્રેસના તુલિપ મિરાંડા ફક્ત સાત મતથી જીતી ગયા હતા.

બાન્દ્રાના વોર્ડ ૯૦માં (કલિના-બાન્દ્રા-ટર્મિનસ-નિર્મલ નગર) શુક્રવારે મતગણતરી વચ્ચે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આ વોર્ડમાંથી કૉંગ્રેસના તુલિપ મિરાંડા, શિવસેનાના (ઉદ્દવ બાળાસાહેબ ઠાકરે)ના અંસારી મસુદ અબ્દુલ અને ભાજપમાંથી જ્યોતિ ઉપાધ્યાય હતા. છેવટે કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક તુલિપ મિરાંડાએ બાજી મારી હતી. તેઓએ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. 

આ વોર્ડમાં હકીકતમાં ત્રણ ઉમેદવાર વચ્ચે ખરોખરીનો જંગ લડાયો હતો, જેમા કૉંગ્રસના ઉમેદવારે માત્ર સાત મતથી આ વોર્ડ જીતી લીધો હતો. ચૂંટણીના મેદાનમાં ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે એક-એક મત કેટલો  કિંમતી હોય છે.

તુલિપ પહેલા રાઉન્ડથી આગળ હતા, જેમાં પહેલા રાઉન્ડની ગણતરીમાં  ૧,૫૮૮થી અને જ્યોતિને  ૯૩૬ મત મળ્યા હતા. બીજા અને ત્રીજા રાઉન્ડની ગણતરીમાં ભાજપ આગળ હતું, જેમાં બીજા રાઉન્ડમાં જયોતિને ૧,૨૩૮ અને તુલપિને ૧૦૨૬, ત્રીજા રાઉન્ડમાં જ્યોતનિે  ૧,૮૯૪ અને તુલીપને ૧,૩૨૪, મત મળ્યા હતા. ચોથા રાઉન્ડમાં જ્યોતિને ૧,૧૧૭ અને  તુલિપને  ૧,૨૫૨ મળ્યા હતા.
ચૂંટણીના આ રિઝલ્ટ સામે  ભાજપે વાંધો પણ ઉઠાવ્યો હતો અને ફેરગણતરીની માગણી કરી હતી. છતાં નિકાલ કૉંગ્રેસની તરફેણમાં જ આવ્યો હતો. માત્ર સાત મતથી તુલિપ જીતી ગયા હતા.