મુંબઈ: બીકેસીની પાસપોર્ટ ઑફિસ અને સ્વચ્છતાગૃહોને 19 સાઈનાઈડ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલ મારફત આપવામાં આવતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. પાસપોર્ટ ઑફિસ અને આસપાસના પરિસરમાં સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં અધિકારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતેની પાસપોર્ટ ઑફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ગભરાટ ફેલાયો હતો. ધમકીભર્યા મેઈલ બુધવારની સવારે ત્રણ ઈ-મેઈલ આઈડી પર આવ્યા હતા.
પાસપોર્ટ ઑફિસ અને સ્વચ્છતાગૃહોમાં 19 સાઈનાઈડ બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હોઈ બપોરે દોઢ વાગ્યે બ્લાસ્ટ થશે, એવી ધમકી મેઈલમાં આપવામાં આવી હતી. મેઈલ મળતાં જ તાત્કાલિક સુરક્ષા યંત્રણા અને પોલીસને આ અંગે જાણ કરાઈ હતી.
બીકેસી પોલીસ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસપોર્ટ ઑફિસ પહોંચી હતી. ઑફિસને ખાલી કરાવી લૉબી, મેઈન ગેટ તેમ જ પાસપોર્ટ ઑફિસના આસપાસના પરિસર અને ઝાડીઝાંખરાંમાં પણ બીડીડીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સદ્નસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
બૉમ્બ કે શંકાસ્પદ વસ્તુ ન મળતાં બ્લાસ્ટની માહિતી અફવા હોવાનું સાબિત થયું હતું. જોકે મેઈલ જે ઈ-મેઈલ આઈડી પર આવ્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે.