Fri Sep 04 2026

Logo

રાહુલ ગાંધીના નિવાસ બહાર ભાજપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પૂતળા દહન કર્યું

2026-04-18 19:00:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીના નિવાસ બહાર ભાજપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પૂતળા દહન કર્યું

નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર થયા બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપે આ મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. જેમાં શુકવારે રાત્રે જ સંસદની બહાર જ એનડીએની મહિલા સાંસદોએ વિપક્ષને આ બિલ નામંજૂર થવા બદલ જવાબદાર ગણાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવાસ બહાર પ્રદર્શનની સાથે પૂતળા દહન પણ કર્યું હતું. જેમાં દિલ્હીના સીએમ રેખા ગુપ્તા સહિત અનેક નેતાનો હાજર રહ્યા હતા. 

રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે દગો કર્યો : બાંસુરી સ્વરાજ

આ વિરોધ પ્રદર્શનમાં સામેલ ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે જણાવ્યું હતું કે, શુક્રવારે  સમગ્ર વિપક્ષે અને ખાસ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ દેશની મહિલાઓ સાથે દગો કર્યો. તેમણે મહિલાઓની પીઠમાં ખંજર ભોંકયુ છે.  તેઓ ઇચ્છે છે કે મહિલાઓની ભૂમિકા ફક્ત મતદાન મથકો સુધી મર્યાદિત રહે. જ્યારે રાજકીય પ્રતિનિધિત્વની વાત આવી ત્યારે તેમણે પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપી. તેમણે મહિલાઓ સાથે દગો કર્યો છે.

મહિલાઓ ખૂબ નિરાશ :  હેમા માલિની 

જ્યારે  ભાજપના સાંસદ હેમા માલિનીએ જણાવ્યું હતું કે વિપક્ષે બિલ પસાર થતું અટકાવ્યું. તેથી જ આપણે બધા અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ભારતની મહિલાઓ આ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે એક થઈ છે. ગઈકાલે, અમારા તમામ પ્રયાસો છતાં તેમણે બિલ પસાર થવા દીધું નહીં. આનાથી અમને ખૂબ જ નિરાશા થઈ છે. 

મહિલાઓ જવાબ આપશે

સાંસદ મનોજ તિવારીએ ટિપ્પણી કરી  હતી કે  લોકસભામાં બિલ નકારવામાં આવ્યું ત્યારે તમે પીએમ મોદીનો ચહેરો જોયો હશે. તેમણે કેવી રીતે પોતાના આંસુ અને પીડાને રોકી રાખી હતી. કોંગ્રેસ,આપ, ટીએમસી, એસપી અને ડીએમકે એ આ દેશની મહિલાઓને પડકાર ફેંક્યો છે. મહિલાઓ તેમને  જવાબ આપશે.