Wed Jun 17 2026

Logo

ભાજપ પ્રમુખ નબીને અમદાવાદ રિવરફ્રન્ટ પર યુવાનો સાથે બેસી ગાંઠિયા ખાધા, ચા પીધી

2026-02-21 11:33:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ  જગદીશ પંચાલ સાથે મોર્નિંગ વૉક કર્યું હતું.  મોર્નિંગ વૉક દરમિયાન યુવાનો સાથે ચાની ચુસ્કી માણી અને સંવાદ કર્યો હતો. તેમજ યુવાનો સાથે બેસી ગાંઠિયા ખાધા હતા અને ચા પીધી હતી.

આ અંગેની તસવીર ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. જેમાં નીતિન નબીન અટલ બ્રિજની મુલાકાત, નાસ્તો અને યુવાનો સાથે ચર્ચા કરતાં નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત તેમણે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન પણ કર્યા હતા.

 

આજે સાંજે તેઓ ગિફ્ટ સિટીમાં યુવાનોને સંબોધન કરશે. આ ઉપરાંત જીએમડીસી ખાતે પણ બૂથ સ્તરના કાર્યકરો સાથે બેઠક કરશે.  આવતીકાલે તેઓ ખાડિયા ખાતે મન કી બાતનું શ્રવણ કરશે. બપોરે 12.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.

કોણ છે નીતિન નબની

નીતિન નબીન ભાજપના એવા વિધાનસભ્ય છે, જે 2006થી 2025 સુધી ચૂંટાયા છે. પાંચ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 2020ની ચૂંટણીમાં શોટગન શત્રુઘ્ન સિંહના દીકરા લવ સિંહા અને પોલિટિકલ સેન્સેશન પુષ્પમ પ્રિયા ચૌધરીને હરાવીને પોતાનો પરચો આપ્યો હતો. બીજી મહત્ત્વની વાત છત્તીસગઢના પ્રભારી બન્યા પછી પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના ગઢના કાંકરા ખેરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા પછી પાર્ટીની સેકન્ડ લાઈનને તૈયાર કરવામાં સફળ રહ્યા. સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચીને અનેક વિરોધો હોવા છતાં જનતા સાથે હળીમળીને સન્માન પણ આપે છે. સાત વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા પિતા નવીન કિશોર સિંહનો વારસો પણ જાણવી રાખ્યો છે. પિતાના નિધન પછી પણ પિતાના પગલે પગલે ચાલીને જનતાનો જ નહીં, મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.

નીતિન નબીન બિહારમાં ભાજપના અનુભવી નેતા છે. છેલ્લાં 25 વર્ષથી તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યાં છે. બિહારની રાજનીતિમાં તેમને બહોળો અનુભવ છે. નીતિન નબીને બિહાર સરકારમાં શહેરી વિકાસ, રોડ, ભવન નિર્માણ જેવા મહત્વની વિભાગો સંભાળી ચૂક્યાં છે. બિહારમાં નીતિન નવીનને બિહારના મજબૂત નેતા માનવામાં આવે છે. તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં ખૂબ સક્રિય રહીને કામ કરતા હોય છે. તેમને વહીવટી અનુભવ અને સંગઠનાત્મક શક્તિ બંને મજબૂત હોવાના કારણે અત્યારે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા.